રૂ. ૧૫ કરોડથી ઓછી રકમના જ્વેલરી કારોબાર પર એક્સાઈઝ ડ્યૂટી નહીં લાગે

અમદાવાદ: કેન્દ્ર સરકારે બજેટમાં જ્વેલરી ઉપર એક્સાઇઝ ડ્યૂટી લાદવાના નિર્ણયને રાજ્ય સહિત દેશભરના જ્વેલર્સે હડતાળ પણ પાડી હતી, જોકે ત્યાર બાદ જ્વેલર્સ અને સરકાર વચ્ચે સમાધાન થયું હતું. સરકારે જ્વેલર્સને વધુ રાહત આપી છે, જેમાં પાછલાં વર્ષે રૂ. ૧૫ કરોડથી ઓછો કારોબાર કરતાં જ્વેલર્સને એક્સાઇઝ ડ્યૂટી માટે રજિસ્ટ્રેશન કરાવવાની જરૂરિયાત રહેશે નહીં. આ અગાઉ આ મર્યાદા ૧૨ કરોડ રૂપિયાની હતી એટલું જ નહીં ચાલુ નાણાકીય વર્ષમાં ૧૦ કરોડ રૂપિયાથી ઓછાનો કારોબાર કરતા જ્વેલર્સને એક્સાઇઝ ડ્યૂટીમાંથી રાહત મળશે, જોકે ૧૦ કરોડથી ઉપરનો કારોબાર કરતા જ્વેલર્સને એક્સાઇઝમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

દરમિયાન સરકારે સ્પષ્ટ કર્યું છે કે જ્વેલરી કારીગરોને ત્યાં એક્સાઇઝ વિભાગના અધિકારી સર્ચ નહીં કરે એ જ પ્રમાણે સેમ્પલ માટે જ્વેલરી એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા ઉપર કોઇ જ એક્સાઇઝ ડ્યૂટી નહીં લાગે તથા જૂની જ્વેલરીમાંથી નવી જ્વેલરી બનાવવા પર ગ્રાહકોએ માત્ર વેલ્યૂ એડિશનની રકમ પર એક્સાઇઝ ડ્યૂટીનું પેમેન્ટ કરાવવું પડશે.

કેન્દ્ર સરકારે જ્વેલર્સ સાથે ચર્ચા વિચારણા કરી ઉપસમિતિની ભલામણોનો સ્વીકાર કરી લીધો છે. જે અંતર્ગત એક કરોડથી ઓછી ડ્યૂટીનું પેમેન્ટ કરતાં જ્વેલર્સના યુનિટનું પ્રથમ બે વર્ષ સુધી એક્સાઇઝ ડ્યૂટીનું ઓડિટ પણ નહીં કરવામાં આવે.

You might also like