ગુજકેટઃ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થાને લઇને ચકાસણી

લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતાંની સાથે જ રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ પરીક્ષાની તારીખમાં વધુ એક વખત ફેરફાર કરવાની ફરજ પડ્યા બાદ હવે ફાઇનલી આવતી કાલે ૨૬ એપ્રિલે ગુજકેટ પરીક્ષા યોજાઈ છે. આજે સાંજના ૪.૦૦ થી ૬.૦૦ વાગ્યા સુધી દરેક શાળા ખુલ્લી રહેશે, જ્યાં વિદ્યાર્થીઓ પોતાની બેઠક વ્યવસ્થા જોઈ શકશે.

રાજ્યની એન્જનિયરિંગ કોલેજમાં પ્રવેશ માટે ગુજરાત કોમન એન્ટ્રસ ટેસ્ટ (ગુજકેટ) ફરજિયાત બનાવવામાં આવી છે. ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીઓ માટે ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી ડિપ્લોમા, ફાર્મસી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટેના આશરે ૧.૩૬ લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અગાઉ ચાર વખત પરીક્ષાની તારીખ બદલીને છેવટે તા. ૨૩ એપ્રિલ જાહેર કરવામાં આવી હતી, પરંતુ ગુજરાતમાં તા. ૨૩ એપ્રિલના રોજ ચૂંટણી હોવાથી ફરી આ તારીખમાં ફેરફાર કરવો પડ્યો હતો. ગુજરાત બોર્ડ દ્વારા અગાઉ માર્ચના અંતે પરીક્ષા જાહેર થઈ હતી. ત્યારબાદ તા. ૪ એપ્રિલની નવી તારીખ અપાઈ હતી. આ તારીખ દરમિયાન જ સીબીએસસી બોર્ડ એક્ઝામ આવતી હોવાથી ગુજકેટની તારીખ તા. ૨૩ એપ્રિલના રોજ લઈ જવાઈ હતી.

ગુજકેટ માટે બોર્ડે પણ ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરાવી દીધી છે. ઘણા વિદ્યાર્થીઓએ પરીક્ષા પછી ફરવા જવાનું પણ આયોજન કરી દીધું હતું, પરંતુ ફરી ગુજકેટની પરીક્ષાની તારીખ બદલાવાના કારણે રાજ્યભરમાં પરીક્ષા હોવા છતાં ૭૦૦૦ જેટલા વિદ્યાર્થીઓએ હજુ સુધી હોલ ટિકિટ લીધી નથી.

શહેરનાં ૪૫ જેટલાં સેન્ટર પર ગુજકેટ પરીક્ષાનું આયોજન કરાયું છે. એના માટે શાળાઓ સહિતની માહિતી વિદ્યાર્થીઓને આપી દેવામાં આવી છે. આ અનુસંધાને આવતી કાલની કસોટી માટે વિદ્યાર્થી પોતાની બેઠક વ્યવસ્થા આજે જોઈ શકશે.

You might also like