સાપ પકડવા માટે પણ પરીક્ષા આપવાની?

અમદાવાદમાં ઉનાળામાં સાપ નીકળવાનું પ્રમાણ વધી જાય છે. અમદાવાદમાં અનેક યુવાનો સ્વેચ્છાએ સાપ પકડીને સુરક્ષિત સ્થળે છોડવાનું કામ કરે છે. જો કે અમદાવાદ વનવિભાગને સ્વયંસેવકોની કામગીરી પસંદ ન હોય તેમ સમયાંતરે તેમના માટે વિચિત્ર નિયમ લાવ્યા કરે છે. ત્રણ માસ અગાઉ વનવિભાગે આવો જ એક નિયમ લાગુ કરીને સાપ પકડતા સ્વયંસેવકો માટે સાપ પકડવા અંગે પરીક્ષા આપવી ફરજિયાત બનાવાઈ છે.

વનવિભાગના અધિકારીઓનો તર્ક એવો છે કે પરીક્ષા લેવાથી સ્વયંસેવક સાપ પકડવા માટે લાયક છે કે નહીં તે નક્કી કરી શકાશે. નવાઈની વાત એ છે કે વનવિભાગે આ માટે કોઈ ટ્રેનિંગ કેમ્પ યોજ્યો નથી અને સીધી પરીક્ષા લેવાની જાહેરાત કરી દીધી. કેટલાક કિસ્સામાં તો વનવિભાગના સ્ટાફ કરતાં સ્થાનિક સ્વયંસેવક સાપને સારી રીતે ઓળખી બતાવે છે અને ઘણાં સમયથી સાપ પકડવાનું કામ કરે છે.

જો કે વનવિભાગ તેમના અનુભવના જ્ઞાન કરતાં પુસ્તકિયા જ્ઞાનને વધુ પ્રાધાન્ય આપે છે. પરિણામે અનેક સ્વયંસેવકો આ સ્વૈચ્છિક કામગીરીથી અળગા થઈ રહ્યા છે. જેનો ભોગ લોકોને બનવું પડે છે, કારણ કે સાપ નીકળે ત્યારે વનવિભાગને જાણ કરવા છતાં તેઓ સમયસર પહોંચતા નથી અને નિયમભંગના ડરના કારણે સ્વયંસેવકો પણ સાપ પકડવા આવતા નથી. ઉનાળો હવે શરૂ થઈ ચૂક્યો છે ત્યારે હાલ તો વનવિભાગ અને સ્વયંસેવકોની લડાઈમાં નિર્દોષ લોકોને જ વેઠવાનો વારો આવશે તે નક્કી છે.

You might also like