પરીક્ષાના સીસીટીવી ફૂટેજ નહીં મોકલનારા ડીઇઓને નોટિસ

અમદાવાદ: માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલી ધો.૧૦ અને ૧રની પરીક્ષાનાં પરિણામની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે ત્યારે અમદાવાદ સહિતના કેટલાક જિલ્લા શિક્ષણાધિકારીઓ દ્વારા સીસીટીવી ફૂટેજ હજુ પણ શિક્ષણ બોર્ડને નહીં મોકલવાના વિલંબ બદલ બોર્ડ દ્વારા ડીઇઓને નોટિસ ફટકારવામાં આવી છે. નોટિસમાં જણાવ્યા મુજબ માત્ર બે દિવસમાં તમામ કાર્યવાહી પૂરી કરીને સીડી બોર્ડને મોકલી આપવાનો આદેશ કરવામાં આવ્યો છે.

હાલમાં મોટા ભાગના જિલ્લાઓમાંથી સીડી વ્યૂઇંગ રેકોર્ડ બોર્ડમાં પહોંચી ગયો છે. માત્ર ગણ્યા ગાંઠ્યા જિલ્લામાંથી રેકોર્ડ નહીં પહોંચવાના કારણે વિદ્યાર્થીઓને અને પરિણામોને નુકસાન થઇ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ધો.૧૦ અને ૧રની બોર્ડની પરીક્ષામાં હાજર રહેલા તમામ વિદ્યાર્થીઓ જે તે પરીક્ષા ખંડમાં પરીક્ષા આપી રહ્યા હતા. તે તમામ વિદ્યાર્થીઓ ઉપર સીસીટીવી કેમેરા કે ટેબ્લેટ દ્વારા વોચ મૂકવામાં આવી હતી. પરીક્ષા પૂરી થયા બાદ જિલ્લા કક્ષાએ ડીડીઓ દ્વારા અા તમામ વર્ગખંડની સીસીટીવી ફૂટેજની સીડી ચેક કરવામાં આવે છે અને વ્યુઇંગ દરમ્યાન શંકાસ્પદ લાગતા વિદ્યાર્થીઓે સાંભળવાની એક તક આપવામાં આવે છે.

વિદ્યાર્થીઓને સાંભળ્યા બાદ જે તે કિસ્સામાં તથ્ય ન જણાય તેને છોડી મુકાય છે અને તથ્ય જણાય તેવા કિસ્સામાં વિદ્યાર્થીનાં નામ રિસિપ્ટ નંબર પેપરની વિગત સહિતની માહિતી શિક્ષણ બોર્ડને મોકલી આપવાની હોય છે. ત્યારબાદ શિક્ષણ બોર્ડ દ્વારા જે તે વિદ્યાર્થીનું હિયરિંગ થાય છે અને પરીક્ષામાં ગેરરીતિ કર્યાનું તથ્ય જણાય તો જે તે વિદ્યાર્થીને તે પ્રમાણે સજા કરવામાં આવે છે. પરંતુ આ તમામ પ્રક્રિયા પરિણામ જાહેર થતાં પહેલાં સમયસર થવી અત્યંત જરૂરી છે.

બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે અમદાવાદ સહિત હજુ ૧૦ જિલ્લાના સીસીટીવી ફૂટેજની સીડી બોર્ડ કચેરીમાં પહોંચી નથી. જેથી તેમને આગામી બે દિવસમાં સીડી બોર્ડને પહોંચતી કરવાનો આદેશ અપાયો છે. જો સમયસર સીડી નહીં પહોંચાડાય તો કડક કાર્યવાહી કરવાનો ઉલ્લેખ પણ કરાયો છે.
http://sambhaavnews.com/

You might also like