પરીક્ષાનો ભય ખંખેરો જીત તમારી છે

રાજ્યભરમાં ધોરણ ૧૦ અને ૧ર (રાજ્ય પરીક્ષા બોર્ડ)ની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો હોવાથી વિદ્યાર્થીઓમાં એક્ઝામ ફીવર છવાયેલો છે. આશરે ૧૯ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હોઈ વિદ્યાર્થીઓ અને વાલીઓની સાથે વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું છે. છેલ્લા ઘણા સમયથી બોર્ડની પરીક્ષાઓનો એટલો હાઉ ઊભો કરવામાં આવે છે કે વિદ્યાર્થીઓમાં તણાવની સ્થિતિ પેદા થાય છે અને ડિપ્રેસનથી કેટલાક વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરવા સુધીનાં પગલાં પણ ભરી બેસે છે. આમ, બોર્ડની પરીક્ષા વખતે ઊભા થતા ડરના માહોલને દૂર કરવા અને વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે તે માટે હવે વિવિધ સંસ્થાઓ દ્વારા કાઉન્સેલિંગ સેમિનાર્સ પણ યોજવામાં આવી રહ્યાં છે.

રાજ્ય પરીક્ષા બોર્ડ પણ વિદ્યાર્થીઓમાંથી પરીક્ષાનો હાઉ (ડર) દૂર થાય અને તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે દિશામાં કાર્યવાહી કરી રહ્યું છે. આ માટે એક માસ અગાઉથી જ ચિંતકો, લેખકો અને નિષ્ણાતોનાં વ્યાખ્યાનોનું દર ગુરુવારે બાયસેગના માધ્યમથી પ્રચાર- પ્રસાર કરીને વિદ્યાર્થીઓને મોટિવેટ કરવામાં આવે છે. જિલ્લા-તાલુકા કક્ષાએ વાલી મિટિંગ અને વિદ્યાર્થી સંવાદનો દોર પણ શરૂ કરાયો છે. વિદ્યાર્થીઓને પરીક્ષાના માર્ગદર્શન સાથે વાલીઓ પણ જાગ્રત બને તે માટે જિલ્લા શિક્ષણ અધિકારીઓ પ્રયત્નશીલ બની રહ્યા છે. પરીક્ષા તણાવમુક્ત બને તે માટે બોર્ડ દ્વારા ૧૧મી જાન્યુઆરીથી હેલ્પલાઈન પણ શરૂ કરી દેવાઈ છે, જેના દ્વારા રાજ્યભરના વિદ્યાર્થીના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે મનોચિકિત્સક અને શિક્ષણવિદ્ માર્ગદશર્ન પૂરું પાડી રહ્યાં છે. હેલ્પલાઈનના માધ્યમથી ભૂતકાળમાં ટોપટેનમાં આવેલા વિદ્યાર્થીઓનાં પેપર તથા આદર્શ ઉત્તરવહીનું મૂલ્યાંકન થઈ શકે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.

તંત્ર પણ તૈયારીઓમાં લાગ્યું
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના વાઈસ ચેરમેન આર. આર. ઠક્કર કહે છે, “વિદ્યાર્થી સ્વસ્થ અને પ્રફુલ્લિત રહેવાની સાથે તેના જીવનનું મૂલ્યાંકન થાય અને તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે દિશામાં બોર્ડ દ્વારા કામગીરી હાથ ધરાઈ છે. માત્ર પરીક્ષા પૂરતું જ નહીં પરંતુ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસને ધ્યાનમાં લઈને આ પગલાં લેવાઈ રહ્યાં છે.”

કારકિર્દી માટે મહત્ત્વના પડાવ એવા ધોરણ ૧૦ અને ૧રની પરીક્ષાઓ વિદ્યાર્થીઓ શાંતિથી આપી શકે તે માટે શાળા સંચાલકો, કાઉન્સેલર્સ અને અગાઉ બોર્ડની પરીક્ષાઓમાં જ્વલંત સફળતા મેળવી ચૂકેલા વિદ્યાર્થીઓ ટિપ્સ આપી રહ્યાં છે. વિદ્યાર્થીઓ મનમાંથી પરીક્ષાનો ડર કાઢી નાખી પરીક્ષાને ઍન્જોય કરે તે માટે શું કરવું જોઈએ તે અંગે કેટલાક શાળા સંચાલકો, વિદ્યાર્થીઓમાં તણાવ દૂર થાય તે માટે કામ કરી રહેલા કાઉન્સેલરો, અધિકારીઓને અને સફળ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી.

થોડી ચોકસાઈ ચોક્કસ સફળતા અપાવે
ખાનગી શાળા સંચાલક મંડળ, રાજકોટના પ્રમુખ જતીનભાઈ ભરાડ કહે છે. “પરીક્ષા સમયે વિદ્યાર્થીઓ નાનીનાની બાબતમાં થોડી ચોકસાઈ રાખે તો મોટો ફાયદો થાય છે. પરીક્ષા વખતે શારીરિક-માનસિક સ્વસ્થતા જળવાઈ રહે તે ખાસ જોવું જોઈએ. નકારાત્મક વિચારોને બદલે હકારાત્મક વિચારો જ રાખવા. પરીક્ષા અગાઉના દસ દિવસ ખૂબ જ મહત્ત્વના હોય છે. ઉજાગરા કરવાને બદલે સાતેક કલાકની પૂર્ણ ઊંઘ લેવી જોઈએ. પેપર કેવાં જશે તેની ચિંતા છોડી સંપૂર્ણપણે સ્વસ્થ રહેવું અને મન ડિસ્ટર્બ થાય તેવા કોઈ કામમાં પડવું નહીં. પરીક્ષાના બે દિવસ બાકી હોય ત્યારે કોઈ નવા કોર્સ કે સાહિત્ય વાંચવાં નહીં, માત્ર અગાઉ જે તૈયારી કરી હોય તેના પર જ નજર કરવી. વાંચવાના ટેબલ પરથી બિનજરૂરી સાહિત્ય કે સાધનો હટાવીને સ્વચ્છ રાખવું. પરીક્ષાકેન્દ્રમાં જવાનુ થાય ત્યારે હોલ ટિકિટ, પેન, ફૂટપટ્ટી, કંપાસ બોક્ષ તથા તમામ ચીજો ચકાસી લેવી અને શક્ય હોય તો દર્શન કરીને પરીક્ષા આપવા જવું જેથી એક હકારાત્મક ઊર્જા મળે છે.”

ડરના મના હૈ
નિવૃત્ત બેંક કર્મચારી અને ત્રણેક વર્ષથી શિક્ષણને સમર્પિત થઈ વિદ્યાર્થીઓને ઉપયોગી માર્ગદર્શન આપતા જામનગરના જયેશ વાઘેલાએ બોર્ડના વિદ્યાર્થીઓ માટે ‘ડરના મના હૈ’ પુસ્તિકા બહાર પાડી છે, જેનું વિનામૂલ્યે વિતરણ થઈ રહ્યું છે. તેમના આ પ્રયાસને રાજ્યનાં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે પણ બિરદાવ્યો છે. તેઓ કહે છે, “વિદ્યાર્થીના જીવનમાં બોર્ડની પરીક્ષાનો તબક્કો મહત્ત્વનો હોય છે. બોર્ડની પરીક્ષાઓ અઘરી હોવાની વાતો સાંભળી હોવાથી વિદ્યાર્થીઓ તણાવ અનુભવે છે, પરંતુ આવી ખોટી વાતોમાં ધ્યાન આપવાને બદલે માત્ર પોતાની મહેનત તરફ જ લક્ષ્ય આપવું જોઈએ. એ યાદ રાખવું કે, મહેનત ક્યારેય એળે જવાની નથી.”

બોર્ડની પરીક્ષાઓમાં આયોજન ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. વિદ્યાર્થીઓ પ્લાનિંગ વગર ઉજાગરા કરે તો તેનું કોઈ પરિણામ મળતું નથી, પરંતુ શરૂઆતથી જ વિષયો વાઈઝ ચેપ્ટરના આધારે પ્લાનિંગ કરી તે મુજબ તૈયારી કરવામાં આવે તો ખૂબ જ સારું પરિણામ મેળવી શકાય છે. પરીક્ષા સમયે વાલીઓએ સંતાનોને ટોકવાને બદલે હૂંફ આપવી જોઈએ અને બોર્ડની પરીક્ષા એ જિંદગીની છેલ્લી પરીક્ષા નથી એ દરેક વિદ્યાર્થી અને વાલીઓએ પણ સમજવું જોઈએ. પરીક્ષા આપતા પૂર્વે તેનાં પરિણામો અંગે ક્યારેય ચર્ચા કરવી નહીં અને પેપર આપીને આવ્યા બાદ કેટલા માર્ક્સ આવશે તેની ચર્ચામાં પડ્યા વગર માત્ર એક્ઝામને ઍન્જોય કરો.

પરીક્ષા સમયે હળવો ખોરાક લેવો
પરીક્ષા સમયે સ્વાસ્થ્ય સારું રહે તે માટે હળવો ખોરાક લેવાની સલાહ આપવામાં આવે છે. લીંબુ શરબત કે જ્યૂસ અને પાણી વધારે પીવું અને શક્ય હોય તો ભારે ખોરાકને ટાળવો જોઈએ. જેથી પાચનની કોઈ સમસ્યા ન રહે અને શરીરમાં ઊર્જા જળવાઈ રહે. પરીક્ષા સમયે રાત્રી ઉજાગરા કરીને કે સૂતાં સૂતાં વાંચવાને બદલે વહેલી સવારે ફ્રેશ થઈને વાંચન કરવું.

પેપર લખતી વખતે શું ધ્યાનમાં રાખવું?
વિદ્યાર્થીઓએ આખું વર્ષ ભલે મહેનત કરી હોય, પરંતુ પેપર લખતી સમયે જો ચીવટ રખાય તો તમામ મહેનત એળે જાય છે. શાળા સંચાલકો દ્વારા એવી ટિપ્સ આપવામાં આવે છે કે, સ્વચ્છ અક્ષર રાખવા જોઈએ અને પેપરમાં જે જવાબો લખવામાં આવે તેનું પ્રેઝન્ટેશન સારું હોવું જોઈએ જેથી પેપર તપાસનાર પણ પ્રભાવિત થઈ શકે. પ્રશ્નપત્રને શાંતિથી વાંચી લેવું અને તેમાં ચેકાચેક ન કરવી. જવાબવહીમાં એક જ પેનથી જવાબો લખવા જોઈએ. કોઈ અન્ય નિશાનીઓ કે નોંધ કરવી નહીં. ગુણભાર પ્રમાણે જ જે તે સવાલ પાછળ સમય વાપરવો જેથી મહત્ત્વના પ્રશ્નો રહી ન જાય.

ટેક્સ્ટ બુક પર ધ્યાન કેન્દ્રિત કરો
ગત વર્ષે બોર્ડની ધોરણ ૧૦ની પરીક્ષામાં ૯૯ ટકા સાથે બોર્ડમાં પાંચમું સ્થાન મેળવનાર જામનગરની વિદ્યાર્થિની ઈશા ધામેચા કહે છે, “પરીક્ષા સમયે ટેક્સ્ટ બુક્સ પર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, કારણ કે પરીક્ષાના છેલ્લા દિવસોમાં અનેક સાહિત્ય બજારમાં આવતું હોય છે. મનને શાંત રાખવું, પેપર લખવામાં ઉતાવળ ન કરવી. મનમાં પરીક્ષાનો કોઈ ડર ન રાખવો. ખરેખર જેવો હાઉ ઊભો થાય છે તેવું કશું જ હોતું નથી. માત્ર પરીક્ષાનો ડર જ વિદ્યાર્થીઓને ડિસ્ટર્બ કરે છે.”

વિદ્યાર્થીઓના વર્તન પર ધ્યાન અપાય તો આપઘાત ઘટી શકે
પરીક્ષા વખતે, પરિણામો જાહેર થતી વખતે અથવા તે પછી વિદ્યાર્થીઓની આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે. આવા સમયે જો તેમને યોગ્ય માર્ગદર્શન મળી રહે તો તેમનો જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાઇ જાય અને કટોકટીપૂર્ણ સમયગાળો સરળતાથી પસાર થઇ જાય. સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થીઓ ચિંતામાં રહેતા હોય છે, ત્યારે વાલીઓ, શિક્ષકોએ ધીરજપૂર્વક વ્યવહારથી વિદ્યાર્થીને તાણ વગર જીવતા શિખવવું જોઈએ જરૂર પડ્યે મનોચિકિત્સકની મદદ લેવી પણ જોઇએ.

ભૂજ ખાતે ઓમ ફાઉન્ડેશન દ્વારા જીવનધારા પ્રોજેક્ટ અને આત્મહત્યા અટકાવવા ઝુંબેશ ચલાવતા ડૉ. દેવજ્યોતિ શર્મા કહે છે, “હાલ નાની ઉંમરથી જ વિદ્યાર્થીઓને ટેન્શનનો સામનો કરવો પડે છે. બોર્ડની પરીક્ષા વખતે આ ટેન્શન વધી જાય અને પોતાના અભ્યાસથી, પરીક્ષાની તૈયારીથી, વાલીઓની અપેક્ષાથી કે પોતાના અંગત પ્રશ્નોથી ઘેરાયેલો ટીનેજર તેમાંથી છૂટવા આપઘાતનો રસ્તો અપનાવે છે. બાળકને આ આખરી રસ્તો લેતા અટકાવવાનું કામ વાલીઓ અને શિક્ષકોનું હોય છે. આપઘાત કરવા વિચારતા વિદ્યાર્થીનાં અનેક લક્ષણો વાલીઓના ધ્યાનબહાર રહી જાય છે.

બાળકમાં નિરાશાનો વધારો થાય, ભણવામાં અસહાય લાગે, સારા માર્ક્સ અંગે વધુ પડતી ચિંતા કરે, પરિવાર પર બોજો બની જઇશ તેવું વિચારે, અચાનક વધુ ગુસ્સો કરે, ભૂખ, ખોરાક અને ઊંઘના પ્રમાણમાં ફેરફાર થાય કે તે આત્મહત્યા કરવાની વાત કરવા લાગે ત્યારે તેના પ્રત્યે દુર્લક્ષ સેવવા કે ગુસ્સો કરવાને બદલે પ્રેમાળ હૂંફ પૂરી પાડવી જોઈએ. વાત વધુ ગંભીર જણાય તો મનોચિકિત્સકની મદદ પણ લેવી જોઇએ.”

ડૉ. શર્મા દ્વારા વિદ્યાર્થીઓમાંથી પરીક્ષાનો હાઉ દૂર થાય તે માટે ચલાવાતાં જીવનધારા પ્રોજેક્ટમાં કચ્છની મોટાભાગની શાળાઓને આવરી લેવાઇ છે. તેઓ આત્મહત્યા અટકાવવા હેલ્પલાઇન તથા સોશિયલ મીડિયા દ્વારા જાગૃતિ ઝુંબેશ પણ ચલાવે છે. આ હેલ્પલાઈન પર દર અઠવાડિયે વિદ્યાર્થિઓની મુંઝવણ અંગેના કૉલ્સ આવે છે, પરીક્ષા વખતે તેમાં સતત વધારો થતો હોવાનું તેઓ કહે છે.

હાલનાં સમયમાં વિદ્યાર્થિઓ અને વાલીઓમાં ટેન્શન અને આપઘાત અંગે
જાગૃતિ આવી હોવા છતાં પરીક્ષા અને પરિણામો વખતે વિદ્યાર્થીઓ પ્રત્યે હૂંફ અને પ્રેમભર્યું વર્તન જરૂરી છે. પરીક્ષાનો ડર દૂર કરવા વિદ્યાર્થીઓએ પૌષ્ટિક આહાર લેવો, થોડી કસરત કરવી, પરીક્ષાના આગલા દિવસે જ સાથે લઇ જવાની વસ્તુઓ ચકાસી લેવા ઉપરાંત હકારાત્મક અભિગમ રાખવો, પરિણામોની ચિંતા ન કરવી અને પૂરા પ્રયત્નો પછી પણ જે પરિણામ આવે તે સ્વીકારવાની તૈયારી રાખવી. માતા-પિતા પણ બાળકો સાથે યોગ્ય અને હકારાત્મક વ્યવહાર કરે તો પરીક્ષાના ટેન્શનના કારણે થતાં આપઘાતના કિસ્સા ઘટી શકે.

‘નિષ્ફળતા એ સફળતાની ચાવી છે’ એ કહેવત ખૂબ જુની છે. પરંતુ આ સાવ સાદી કહેવત આજના યુવાનો માટે જટિલ બની રહી છે. નાની-નાની નિષ્ફળતાઓને આજના યુવાનો પૂર્ણવિરામ માની લે છે. હકીકતમાં નિષ્ફળતા એ જિંદગીની સફરનો વિકલ્પ હોવાથી તેને અલ્પવિરામ માનવો જોઈએ. આ અલ્પવિરામ બાદની સફર નિશ્ચિત્ત મંઝિલ સુધી પહોંચાડે છે. આવી જ બાબતોનો અનુભવ ઘણી સફળ વ્યક્તિઓને પણ થયો છે. સમાજમાં આ રીતે
સફળ થયેલી કેટલીક વ્યક્તિઓના અનુભવો…

નાપાસ થયો એટલે જ એક્ટર બન્યો
“હું ધોરણ ૧૦માં નાપાસ થયો હતો. જેથી માતા-પિતાના ડરથી હું સવારથી સાંજ સુધી ઘરની બહાર જ રખડવા નીકળી જતો. દરરોજ મુંબઈની ટ્રેનમાં રખડતો હોઈ ગુજરાતી નાટક ક્ષેત્રના કેટલાંક લોકોના સંપર્કમાં આવ્યો. ધીરેધીરે તેમની સાથે ભળી જઈને હું પણ નાટક ક્ષેત્રે કામ કરવા લાગ્યો અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પહોંચીને કરોડો ચાહકોનાં હૃદયમાં સ્થાન પામ્યો છું. નાપાસ થયા પછીની આ જ મારી સફળતા છે.”

જિંદગીમાં અભ્યાસનું ખૂબ જ મહત્ત્વ છે તે હું સારી રીતે જાણું છું, તેથી જ મેં અભ્યાસ પણ ચાલુ રાખ્યો હતો અને પાસ થઈને કોલેજ સુધી પહોંચ્યો. જોકે કૉલેજના પ્રથમ વર્ષમાં ફરીથી નાપાસ થયો. છતાં પ્રયત્નો ચાલુ જ રાખ્યા. છેલ્લે મેં જર્નાલિઝમ કર્યું અને પત્રકાર તરીકેની કારકિર્દીમાં પણ હાથ અજમાવી જોેયો. જોકે ગુજરાતી ફિલ્મમાં હીરો તરીકે મને ખૂબ જ સારી એવી નામના મળી.”

જીવનમાં ઘણીવાર આપણી આશા કરતાં વિરુદ્ધ પણ થતંુ હોય છે, પરંતુ એકવાર મળેલી નિષ્ફળતા પછી જ વ્યક્તિનું યોગ્ય ઘડતર થાય છે. દરેક વાલીઓએ પોતાના બાળકોને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવું જોઈએ તથા તેમનાં કૌશલ્યને સમજવાં જોઈએ. બાળકોએ પણ આવી કોઈ બાબત બને ત્યારે સમજવું જોઈએ કે વાલીઓ જે ઠપકો આપે છે તે ક્ષણિક અને તમારા ભવિષ્યની ચિંતા કરનારો હોય છે.” : હિતેનકુમાર, ગુજરાતી ફિલ્મના જાણીતા અભિનેતા

ધ્યેય માટે પ્રયત્નશીલ રહો
“મેં ભૂતકાળમાં બે-બે નિષ્ફળતાઓ પચાવી છે, તેથી જ આજે હું ગુજરાત પોલીસ વિભાગમાં એડિશનલ ડીજીના પદે છું. નિષ્ફળતામાં અટક્યા વગર હું મારું ધ્યેય પ્રાપ્ત કરવા સતત પ્રયત્નશીલ રહ્યો અને યુપીએસીની પરીક્ષા પાસ કરીને આઇપીએસ અધિકારી બની શક્યો છું.”

“અભ્યાસની શરૂઆતથી લઈને ગ્રેજ્યુએશન સુધી ક્યારેય નિષ્ફળતા કોને કહેવાય તે ખબર ન હતી એટલે કે હું નાપાસ થયો ન હતો. સતત સફળતાથી જ આગળ વધતો રહ્યો. બાદમાં યુપીએસસીની એક્ઝામ. ત્યારે દર વખતની જેમ આરામથી પાસ થઈ જવાની આશા હતી, પરંતુ તેમાં મને પ્રથમ પ્રયત્નમાં જ નિષ્ફળતા સાંપડી એટલે સ્વાભાવિક રીતે જ હું દુઃખી થયો હતો. મારું ધ્યેય આઇપીએસ ઓફિસર બનવાનું હતું જેથી હું ફરીથી યુપીએસસીની પરીક્ષા પાસ કરવાની તૈયારીઓમાં લાગી ગયો.

ફરીથી પરીક્ષા આપી તેમાં પણ નાપાસ થયો. છતાં હું મારા ધ્યેયને વળગી રહ્યો અને ત્રીજા પ્રયત્ને વધુ મહેનત કરીને પરીક્ષા પાસ કરી. જો નાપાસ થયા બાદ મેં નિષ્ફળતા પચાવવાને બદલે તેને પકડીને દુઃખી થયો હોત તો મને સફળતા ન મળત. નિષ્ફળતા મળે ત્યારે દુઃખી થવાને બદલે તમારા ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત કરીને આગળ વધીએ તો ચોક્કસ સફળતા મળે જ. : સી. આર. પરમાર, એડિ. ડારેક્ટર જનરલ, ગુજ. પોલીસ

જે વિષયમાં નાપાસ થયેલો તે વિષય ભણાવું છું
“હું ધોરણ ૧રમાં વિજ્ઞાનપ્રવાહની પરીક્ષામાં કેમેસ્ટ્રીમાં નાપાસ થયો હતો. મારી આ નિષ્ફળતાથી મને એટલી ખબર પડી કે ભણવું એટલે માત્ર વાંચવું નહીં પરંતુ શીખવું. બીજા વર્ષે મેં કેમેસ્ટ્રીની પરીક્ષા આપી અને પાસ થયો. આજે હું જૂનાગઢમાં ધોરણ ૧૧ અને ૧રના વિદ્યાર્થીઓને કેમેસ્ટ્રીનો વિષય ભણાવું છું.”

“હું ધોરણ ૧૨માં નાપાસ થયો ત્યારે સૌથી વધુ ડર એ હતો કે મારું પરિણામ જાણીને માતા-પિતા કેવો પ્રતિભાવ આપશે? જોકે તેમણે મને એક જ વાત કહી કે જે ભણે એ નાપાસ પણ થાય. આ વાતથી જ મારી હિંમત વધી. ધોરણ ૧૨ પાસ કર્યા બાદ મેં સાયન્સમાં ફર્સ્ટ ક્લાસ સાથે ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું અને માસ્ટર્સમાં ડિસ્ટિંક્શન મેળવ્યું.

બાદમાં કૉલેજમાં વ્યાખ્યાતા તરીકે અને બાદમાં ટ્યૂશન ક્લાસીસમાં જોડાયો. આજે મારા ક્લાસીસ છે જેમાં હું ધોરણ ૧૧ અને ૧૨નાં બાળકોને કેમેસ્ટ્રીનો અભ્યાસ કરાવું છું. જીવનમાં આવેલી નિષ્ફળતાથી ક્યારેય નિરાશ ન થવું જોઈએ. કોઇ ધોરણમાં આવતી ટકાવારી સફળતાનો માપદંડ ક્યારેય નક્કી કરતી નથી. નાનીનાની નિષ્ફળતાથી કોઈ જોખમી પગલું ભરવાને બદલે ફરીથી એ જ રસ્તે સફળતા માટે પ્રયત્ન કરવાથી ચોક્કસ સફળતા મળે જ છે.” : વિભાકર જાની, પ્રાઈવેટ ટ્યૂટર, જૂનાગઢ

વાલીઓએ ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો
* બાળકને ભણવા માટે કે ટકાવારી લાવવા માટે પ્રેશર કરવું ન જોઈએ
* બાળકના અભ્યાસ પાછળ થતા ખર્ચના વળતરનું દબાણ બાળક ઉપર ન કરવું
* બાળકને જે વિષયમાં રુચિ હોય તે વિષય તેને ભણવવા જોઇએ
* સંતાનો વચ્ચે અભ્યાસ અંગેની સરખામણી ક્યારેય કરવી જોઇએ નહીં
* બાળકને અભ્યાસ બાદ થોડો સમય આપવો જોઇએ જેથી તેનું માઇન્ડ ફ્રેશ થાય
* નિષ્ફળતા મળવાથી પનિશમેન્ટ કે દંડની વાત ન કરવી જોઇએ
* અન્યનાં સંતાનોની સફળતા અંગે વારંવાર બાળકોને ટોર્ચરિંગ કરવું ના જોઇએ
* બાળક ભણવામાં હોશિયાર છે અને સારા ટકા લાવશે જ તેવી વાત કોઈને ન કરવી
* બાળકની ક્ષમતા કરતાં વધારાની અપેક્ષા ન રાખતા તે અંગેના પ્રયાસો કરવા જોઇએ
* બાળકોને અભ્યાસ માટે પણ સ્નેહ અને પ્રેમભર્યું વાતાવરણ પૂરું પાડવું જોઇએ

માહિતી: ગૌતમ શ્રીમાળી-અમદાવાદ, સુચિતા બોઘાણી કનર-ભૂજ

You might also like