પરીક્ષાના ડરથી વધુ એક વિદ્યાર્થિનીનો આપઘાત

અમદાવાદ: વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા શ્રીનંદ ટેનામેન્ટમાં રહેતી અને ધો.૧૧ સાયન્સમાં અભ્યાસ કરતી એક ૧૬ વર્ષીય સગીરાએ પરીક્ષાના ડરથી ગઈ કાલે સાંજે આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી હતી. રામોલ પોલીસે આ અંગે અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા શ્રીનંદ ટેનામેન્ટમાં દિલીપભાઈ પટેલ પોતાના પરિવાર સાથે રહે છે. દિલીપભાઈની પુત્રી ઋતુ પટેલ ધો.૧૧ સાયન્સમાં અભ્યાસ કરતી હતી. ગઈ કાલે સાંજના સમયે ઋતુ આગામી દિવસોમાં પરીક્ષા હોવાથી તેના રૂમમાં હતી. દરમિયાનમાં સાંજે છ એક વાગ્યે તેના રૂમનો દરવાજો ન ખોલતાં માતા પિતા અને પાડોશીઓએ દરવાજો તોડી નાખતાં ઋતુ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.

બનાવની જાણ રામોલ પોલીસને કરતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ આગામી િદવસોમાં ધો.૧૧ સાયન્સની પરીક્ષાઓ શરૂ થવાની હતી અને આ પરીક્ષાના ડરથી ઋતુએ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે તેના પરિવારજનોના નિવેદનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

વિદ્યાર્થીઓમાં અાપઘાતના વધતા બનાવ
૧૫ ફેબ્રુઆરીઃ શાહઆલમમાં રહેતા અને ધો.૧૦ના વિદ્યાર્થી અદનાન રાવાણી (ઉ.વ.૧૫)એ સાબરમતીમાં કૂદી આત્મહત્યા કરી.
૧૫ ફેબ્રુઆરી: સરસપુર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા અને ધો.૧૦માં અભ્યાસ કરતા વિપુલસિંહ રણજિતસિંહ ઠાકોર (ઉ.વ.૧૫)એ ગળે ફાંસો ખાઈ અાત્મહત્યા કરી.
૧૮ ફેબ્રુઆરી: બાપુનગર ફ્રૂટવાળી ચાલીમાં રહેતા અને ધો.૧૦ના વિદ્યાર્થી નીતિન તોમરે (ઉ.વ.૧૫)એ ગળે ફાંસો ખાધો
૨૦ ફેબ્રુઆરી: જજીસ બંગલા રોડ પર નિધિ એપાર્ટમેન્ટમાં રહેતી અને ધો.૧૧માં અભ્યાસ કરતી રૈના સંદીપભાઈ દેશપાંડે (ઉ.વ.૧૬)એ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી.
૨૦ ફેબ્રુઆરી: બાપુનગર પારસમણિ ફ્લેટમાં રહેતા અને ધો.૧૦ના વિદ્યાર્થી દર્શિલ પંચાલે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી.
૧૯ માર્ચ: બાપુનગર ઉમંગ ફલેટમાં રહેતા અને ધો.૧૨ના વિદ્યાર્થી હિમાંશુ પરમારે પેપર ખરાબ જતાં ગળે ફાંસો ખાધો.

You might also like