નિવૃત્ત તલાટી હત્યા કેસનો પર્દાફાશઃ લાશને ત્રણ કલાક કારમાં ફેરવી સળગાવી દીધી હતી

અમદાવાદ: મહેસાણામાં રહેતા નિવૃત્ત તલાટીનું અપહરણ કરી હત્યા કરવાના ગુનોનો પોલીસે ભેદ ઉકેલી કાઢી મહેસાણામાં જ રહેતા બે સરકારી કર્મચારીઓના બે પુત્રની ધરપકડ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અા અંગેની વિગત એ‍વી છે કે મહેસાણાની શ્રીનગર સોસાયટીમાં રહેતા નિવૃત્ત તલાટી નવીનભાઈ પંચાલનું રહસ્યમય સંજોગામાં અપહરણ થયા બાદ અપહરણકારોએ નવીનભાઈના મુંબઈ ખાતે રહેતા પુત્ર કેયૂર પંચાલને ફોન કરી રૂપિયા ૨૫ લાખની ખંડણીની માગણી કરતા અા અંગે પોલીસ ફરિયાદ કરવામાં અાવી હતી. દરમિયાનમાં સોભાશણ રોડ પર કચરાના ડબ્બામાં નવીનભાઈની લાશ અર્થ બળેલી હાલતમાં મળી અાવી હતી. મહેસાણા ક્રાઈમ બ્રાન્ચે અા અંગે જુદી જુદી થિયરીથી તપાસ હાથ ધરી ૨૪ કલાકમાં જ અા ચકચારી ઘટનાનો ભેદ ઉકેલી કાઢી અને મહેસાણા પોલીસ હેડક્વોર્ટરમાં પોલીસકર્મીઓના પગરખા સિવતા સરકારી મોચીના પુત્ર હિમાંશુ રાઠોડ અને તેના મિત્ર રવિન્દ્ર કાંતિલાલ ભીલની ધરપકડ કરી છે. રવિન્દ્ર ભીલને દેવું વધી જતાં તેને અવારનવાર મદદ કરનાર હિમાંશુનો સંપર્ક કર્યો હતો અને અા બંનેએ દેવામાંથી બચવા નવીનભાઈનું અપહરણ કરી ખંડણી માગવાનું કાવતરું રચ્યું હતું, પરંતુ પાછળથી પકડાઈ જવાના ભયે અા બંને ગુનેગારોએ નવીનભાઈની હત્યા કરી લાશને ત્રણ કલાક કારમાં ફેરવી હોવાની અને ત્યારબાદ પેટ્રોલ છાંટી લાશને સળગાવી પુરાવાનો નાશ કરી નાખ્યો હોવાની કબૂલાત કરી હતી.

You might also like