માત્ર 15જ દિવસમાં BJPમાંથી નિખિલ સવાણીએ રાજીનામું આપ્યું, કહ્યું ભાજપ રાજનીતિ કરે છે

આંદોલનકારીઓ સહિત પાસ કન્વીનરો કોંગ્રેસ અને ભાજપમાં જોડાતા ગુજરાતના રાજકારણમાં હડકંપ મચી જવા પામ્યો છે. એવામાં પૂર્વ પાસ કન્વીનર નિખિલ સવાણીએ અમદાવાદમાં પ્રેસ કોન્ફરસ યોજી ભાજપને બહુ મોટો આંચકો આપ્યો છે. હજુ માત્ર 15 દિવસ પહેલા જ ભાજપમાં જોડાયેલ નિખિલ સવાણીએ પ્રેસ કોન્ફરન્સમાં ભાજપમાંથી રાજીનામુ આપી દેવાની વાત કરી છે.

પૂર્વ પાસ કન્વીનર નિખિલ પહેલા પાસમાંથી ભાજપમાં જોડાયા અને હવે ભાજપ પર આક્ષેપો મૂકતા ભાજપમાંથી જ રાજીનામું આપી દીધું છે. ભાજપ પર પ્રહાર કરતાં નિખિલ સવાણીએ કહ્યું હતું કે, ‘ભાજપે સમાજ માટે જે વાયદા કર્યા હતા. તે પૂરા કર્યા નથી. ભાજપ વૉટબેંકની રાજનીતિ કરી રહ્યું છે. પાટીદાર ભાઈઓ ભાજપમાં જતા પહેલા ચેતજો. ભાજપ પાટીદાર સમાજને ખરીદવા નીકળ્યો છે.’

જો કે ફરીથી પાસમાં જોડાવા અંગે નિખિલ સવાણીએ કહ્યું હતું કે, હું પાટીદાર સમાજનું ભલુ ઈચ્છું છું, તેથી મેં ભાજપમાંથી રાજીનામું આપ્યું છે અને તે જ કારણોથી મારો પાટીદાર સમાજ મને સ્વીકારશે.

નરેન્દ્ર પટેલને ભાજપ દ્વારા પૈસા અપાયા હોવા મુદ્દે નિખિલે કહ્યું હતું કે, ‘હું ફોરેન હતો, તેથી મને આ બાબતે કોઈ માહિતી નથી. મને ભાજપ તરફથી કોઈ પૈસાની ઓફર થઈ નથી. મને જો પૈસાની ઓફર થઈ હોત તો હું દોઢ વર્ષ પહેલા જ ભાજપમાં જોડાઈ ગયો હોત.’

You might also like