EVM મુદ્દે ચૂંટણીપંચ સમક્ષ આપ કાર્યકરોના ઉગ્ર દેખાવો

નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (આપ) એ ચૂંટણીપંચ વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. દિલ્હીમાં આપના કાર્યકરોએ ચૂંટણીપંચના અશોક રોડ સ્થિત વડામથક સામે દેખાવો કર્યા હતા. આ વિરોધ દેખાવમાં આપના ધારાસભ્યો અને કાર્યકરોએ ભાગ લીધાે હતો.

આમ આદમી પાર્ટીના દિલ્હી સંયોજકે જણાવ્યું હતું કે અમારી બે માંગણી છે – પ્રથમ માંગણી એ છે કે ચૂંટણીપંચ પ્રત્યેક ચૂંટણી ૧૦૦ ટકા VVPAT મશીનો સાથે કરાવે અને બીજી માગણી એ છે કે ચૂંટણી થઈ ગયા બાદ ૨૫ ટકા ઈવીએમના પરિણામો VVPAT મશીનોમાંથી નીકળેલી રિસિપ્ટ સાથે ટેલી કરે.

અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારની કેબિનેટે VVPAT મશીનો ખરીદવા ચૂંટણી પંચને રૂ. ૩,૦૦૦ કરોડના ખર્ચ માટે મંજૂરી આપી દીધી છે. ચૂંટણીપંચે એવી પણ જાહેરાત કરી છે કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી ૧૦૦ ટકા VVPAT મશીનો સાથે યોજવામાં આવશે. ચૂંટણીપંચ આ સંદર્ભમાં લેટર ઓફ ઈન્ટેન્ટ જારી કરીને કંપનીઓ પાસેથી મશીનો સપ્લાય કરવા માટે અરજીઓ પણ મંગાવી ચૂક્યું છે.

આ સાથે જ આમ આદમી પાર્ટી દેશના અલગ અલગ ભાગમાં કહેવાતા ઈવીએમ ટેમ્પરિંગનો પર્દાફાશ કરવાનો દાવો કરી રહી છે. પક્ષ અને મીડિયાને મોકલવામાં આવેલા સંદેશા અને પક્ષ નેતાઓના ટ્વિટર હેન્ડલ પર પ્રચારિત સંદેશ અનુસાર પુણે, મુંબઈ, ચંડીગઢ, યુપી, ઉત્તરાખંડ અને પંજાબના ઈવીએમનું સત્ય આપના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજ મીડિયા સમક્ષ રજૂ કરશે.
http://sambhaavnews.com/

You might also like