ચાર ધામ યાત્રા પછી છેલ્લે ડાકોરના ઠાકોરનાં દર્શને ન ગયા તો બધું વ્યર્થ

એમ મનાય છે કે જયાં સુધી યાત્રી છેલ્લે ડાકોરનાં રણછોડરાયના દર્શન ના કરે ત્યાં સુધી તેની યાત્રા સફળ થતી નથી.
ગોમતીજીની સામે જ ભગવાન રણછોડરાયજીનું ભવ્ય મંદિર આવેલ છે. તેનું ખાત મુહૂર્ત સંવત ૧૮ર૪ના ફાગણ માસમાં થયું હતું. મંદિરમાં સંવત ૧૮ર૮માં મહા સુદ પૂનમના દિવસે ભગવાન શ્રી રણછોડરાયની મૂર્તિની પધરામણી કરવામાં આવી હતી. મંદિરની ઉંચાઈ ૧ર૦ ફૂટ છે. દરેક બાજુ બાર રાશિઓ પ્રમાણે પગથિયાં અને અઠયાવીસ નક્ષત્રો મુજબ ર૮ શિખરો છે.

મંદિર વચ્ચેનો મુખ્ય ભાગ ઘણો વિશાળ અને ઊંચો છે. મંદિર ઉપર મોટા મોટા ઘુમ્મટ છે. દરેક ઘુમ્મટે પાંચ સોનાના કળશ મૂકેલા છે. મુખ્ય શિખર ઉપર રૂપાની એક પવનપાવડી અને રેશમી સફેદ ઘજા હંમેશ માટે ચડાવેલી રહે છે. હાલનું આ મંદિર ઈ.સ. ૧૭૭રમાં એક લાખના ખર્ચે ગોપાલ જગન્નાથ તાંબવેકરે બંધાવ્યું હતું. ૧૬૮ ફૂટ ગુણ્યા ૧પ૧ ફૂટની જગ્યામાં ચારેય બાજુએ રાશિ પ્રમાણેનાં પગથિયાં અને વિશાળ ચોકથી બંધાયેલા આ મંદિરમાં આઠ ગુંબજ અને ર૪ મીનારા છે.

ઊંચામાં ઊંચો મિનારો ૯૦ ફૂટનો છે. ર૩ મીનારાઓ સોનાના વરખથી મઢેલા છે. પ્રવેશ દ્વારની બંને બાજુએ પાંચ માળની પ૦ ફૂટ ઉચી બે દીપમાળાઓ છે. જેમાં કુલ ૮૦૦ દીવા એક સાથે પ્રગટે છે. ભગવાન રણછોડરાયની પ્રતિમા કાળા રેતાળ પથ્થરની બનેલી છે. જે ૩૧.ર ફૂટ ઉચી અને ૧૧.ર ફૂટ પહોળી છે. તેને ચાર હાથ છે. તે ત્રિવિક્રમ વિષ્ણુ ભગવાનના અઘોક્ષજ સ્વરૂપનું પ્રતીક છે. મંદિરની દક્ષિણે ભગવાનની સુખશૈયા છે. જેમાં રૂપાના પલંગ, હિંડોળા, સાંકળ, રેશમી ભરતના બિછાના, આરસ અને બિલોરી કાચ જડવામાં આવેલ છે. જેમાં હિંદુ-મુસ્લિમ સ્થાપત્યનો વીરલ સહયોગ જોવા મળે છે.

ગુજરાતમાં જન્મેલા ભકત બોડાણા દર વર્ષે કારતક સુદ અગિયારશે કૃષ્ણના દર્શન કરવા દ્વારિકા જતા પરંતુ વૃદ્ધ થયેલા બોડાણાએ એક વખત કહ્યું કે આવતાં વર્ષથી હું દર્શન કરવા આવી શકીશ નહીં ત્યારે ભગવાને તેને બીજા વર્ષે ગાડું લઈને આવવા કહ્યું અને પોતે જ તેની સાથે ડાકોર આવશે એમ કહી અંતરદ્યાન થઈ ગયા. ડાકોર પાસેના ખાખરિયા ગામે આવીને બોડાણાએ વાત કરી ત્યારે લોકો તેને ગાંડો ગણવા માંડયા. બીજા વર્ષે બોડાણો ગાડું લઈને દ્વારિકા પહોંચ્યો.

રાત્રીએ ભગવાન સદેહે બહાર આવ્યા અને બોડાણાનાં ગાડામાં બેસી ડાકોર તરફ રવાના થયા. રસ્તામાં બોડાણાને આરામ કરવાનું કહી ભગવાને જાતે ગાડું હાંકયું. આંખના પલકારામાં ગાડું ડાકોરની સીમમાં આવ્યું. સવારનો સમય હતો તેથી ભગવાને ગામ બહાર આવેલા એક લીમડાના ઝાડ આગળ ગાડું ઊભું રાખીને ઝાડની એક ડાળ તોડી દાતણ કર્યું.

તે દિવસથી આ લીમડાની બીજી ડાળો કડવી હોવા છતાં એક ડાળ મીઠી છે. બીજી બાજુ દ્વારકાના ગૂગલી બ્રાહ્મણોને કૃષ્ણની પ્રતિમા ખોવાયેલી જણાતાં તેમણે બોડાણાંનો પીછો કર્યો અને ડાકોર આવ્યા. બોડાણાએ કૃષ્ણની મૂર્તિ ગોમતી તળાવમાં સંતાડી દીઘી. ગૂગલી બ્રાહ્મણોએ ભગવાનના વજન જેટલું સોનું આપવાનું નકકી કર્યું પરંતુ બોડાણા પાસે એટલું સોનું હતું નહીં.

આથી ત્રાજવાના એક પલ્લામાં બોડાણાની પત્ની ગંગાબાઈની વાળી અને તુલસી પત્ર મૂકી બીજા પલ્લાંમાં ભગવાન બેઠા. ત્યાં ચમત્કાર થયો અને વાળી વાળું પલ્લું નમતું રહ્યું અને ગુગલી બ્રાહ્મણોનું સોનું એની આગળ ઓછું થયું. ત્યારથી કહેવત પડી કે સવા વાલના થયા વનમાળી. ગુસ્સે થયેલા બ્રાહ્મણોના ટોળાંમાંથી એકે બોડાણા તરફ ભાલો ફેકયો.

કહેવાય છે કે આજે પણ ગોમતી તળાવની એ જગ્યા લાલ છે. ગોમતી તળાવની મઘ્યમાં જયાં કૃષ્ણ ભગવાનને સંતાડવામાં આવ્યા હતા તેની ઉપર ભગવાનના પગલાં સાથેનું મંદિર બાંધવામાં આવેલું છે અને આ મંદિર તળાવનાં કિનારા સાથે પુલથી સંકળાયેલું છે.•

You might also like