યોગીનાં સંગમ સ્નાનના ફોટો પર શશી થરુરનું ટ્વિટઃ ઇસ સંગમમેં સબ નંગે હૈ

(એજન્સી) પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પોતાના પ્રધાનમંડળના સાથીઓ સાથે કુંભમેળાના સંગમમાં ‌પવિત્ર ડૂબકી લગાવી હતી. સંગમમાં સ્નાનનો ફોટો ઉત્તર પ્રદેશ પ્રશાસને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો જેમાં મુખ્યપ્રધાન સમગ્ર કેબિનેટ સાથે સ્નાન કરતા નજરે પડે છે.

સીએમના સંગમ સ્નાન પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરુરે વ્યંગ કરતાં મોડી રાત્રે ટ્વિટ કરીને લખ્યું હતું કે ગંગાને સ્વચ્છ પણ રાખવી છે અને પાપ પણ અહીં ધોવાં છે. ઇસ સંગમમેં સબ નંગે હૈ, જય ગંગા મૈયા કી. શશિ થરુરે એવા સમયે ટ્વિટ કર્યું છે.

જ્યારે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડરા સંગમમાં ડૂબકી લગાવવાની સાથે જ પૂર્વ ઉત્તર પ્રદેશમાં પોતાનાં ચૂંટણી પ્રચાર અભિયાનનું રણશિંગું ફૂંકશે.

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને યુપીના પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવે પણ થોડા સમય પહેલાં સંગમમાં ડૂબકી લગાવી હતી. જોકે તેમણે યોગી સરકાર પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે સંગમના કિનારે કેબિનેટ બેઠક યોજીને સરકાર લોકોનું કોઇ ભલું કરવાની નથી.

દરમિયાન સંગમમાં સ્નાન કર્યા બાદ નાયબ મુખ્યપ્રધાન કેશવપ્રસાદ મૌર્યએ જણાવ્યું હતું કે હું તેને જીવનનું સૌભાગ્ય માનું છું. આજનો દિવસ પ્રયાગરાજ માટે ઐતિહાસિક છે.

આ અગાઉ કેેબિનેટમાં યોગી સરકારે કેટલાયે મોટા નિર્ણયો કર્યા હતા. જેમાં મેરઠથી પ્રયાગરાજ સુધી ગંગા એકસપ્રેસ વે બનાવવાની જાહેરાત કરી હતી. ૬૦૦ કિ.મી. લાંબો આ એકસપ્રેસ વે દુનિયાનો સૌથી લાંબો એકસપ્રેસ વે હશે.

You might also like