છ હજાર રોજિંદા કર્મચારીઓના મુદ્દે કોર્પો.નાં બે યુનિયન વચ્ચે કકળાટ

અમદાવાદ: કોર્પોરેશનમાં ફરજ બજાવતા છ હજાર રોજિંદા કર્મચારીઓને કાયમી કરાવવાના મુદ્દે ભાજપ પ્રેરિત નોકર મંડળ અને કોંગ્રેસ પ્રેરિત ગુજરાત મઝદૂર સભા વચ્ચે કકળાટ સર્જાયો છે. છેલ્લા કેટલાક દિવસથી આ બાબતે બંને યુનિયન વચ્ચે આપસી સંઘર્ષ પણ થઇ રહ્યો છે તેમજ નોકરમંડળ તો છેક ગાંધીનગર રજૂઆત કરવા દોડી ગયું છે.

નોકરમંડળના અગ્રણીઓ આજે પણ રાજ્યના પ્રધાનો શંકર ચૌધરી અને આત્મારામ પરમાર સાથે તમામે તમામ છ હજાર રો‌િજંદા કર્મચારીઓને એક સાથે કાયમી કરવાના મુદ્દે વાટાઘાટ કરશે. હજુ રાજ્ય સરકાર આનાકાની કરી રહી છે, કેમ કે શહેરના શાસકો પ્રત્યેક તબક્કામાં તેરસો કર્મચારીઓ એમ ચાર તબક્કામાં રોજિંદાઓને કાયમી કરવા માગે છે. બીજી તરફ શાસકોએ ગુજરાત મઝદૂર સભાને ત્રણ મહિનામાં રો‌િજંદાઓને કાયમી કરવાનું આશ્વાસન આપતા નોકરમંડળે આ પ્રશ્નને હવે પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવ્યો છે. નોકરમંડળના અગ્રણીઓ કહે છે, આજે રાજ્ય સરકાર અમારી માગણી નહીં સ્વીકારે તો પછી હડતાળ નિશ્ચિત છે.

બીજી તરફ એએમટીએસના સત્તાવાળાઓએ રવિવારે સાંજે એસ્મા હેઠળના ૪૮ કલાક પૂરા થતા હોવા છતાં આખો દિવસ હડતા‌િળયા કર્મચારીઓ તરફ નરમી દાખવી. જેના કારણે ગુજરાત મઝદૂર સભાને ઔદ્યોગિક અદાલતમાંથી સ્ટે મેળવવાની તક મળી. અાને લઇને ખુદ એએમટીએસના સંનિષ્ઠ કર્મચારીઓ રોષે ભરાયા છે. આ વર્ગ કહે છે કે અમારા કેટલાક અધિકારીઓ ગુજરાત મઝદૂર સભા સાથે અંદરખાનેથી દોસ્તી રાખતા હોઇ આવી તક પૂરી પડાઇ હતી, જોકે એએમટીએસના ઉચ્ચ અધિકારીઓએ નવા ઊઠેલા આ વિવાદ પર કોઇ પણ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું છે.

You might also like