પુણ્યશાળીને સૌ કોઈ નમન કરતાં આવે

જ્યારથી સમાજ અસ્તિત્વમાં આવ્યો ત્યારથી તથા મનુષ્યમાં જ્યારથી પાપ પુણ્યની ભાવના જન્મી ત્યારથી માણસ પુણ્ય કરતો આવ્યો છે. આથી એમ કહી શકાય કે આદિકાળથી મનુષ્ય પાપ પુણ્ય કરતો આવ્યો છે. પાપ અને પુણ્ય એક સિક્કાની બે બાજુ છે. મનુષ્ય પાપ અને પુણ્ય સતત કરતો જ રહે છે. જેવી જેની પ્રકૃતિ. પાપીનું મન પાપ તરફ વધુ અને પુણ્યાત્માનું મન પુણ્ય તરફ વધુ હોય છે.

જે જેવું કરે છે તેવું પામે છે. વાત આપણે અહીં કરવાના છીએ પુણ્યથી બંધાતાં ઉમદાં ફળની. પુણ્ય કરતાં મનુષ્ય કેવાં ઉમદાં ફળ મેળવી શકે છે, ચાખી શકે છે તે આપણે અહીં જોઇએ. ભગવાન શંકર જેવો દાનેશ્વરી કોઇ થયો નથી. પાર્વતીની હઠથી શંકરે વિશ્વકર્મા પાસેથી સોનાની લંકા બનાવડાવી. જેનાં વાસ્તુ નવચંડી તે કાળના મહાસમર્થ બ્રાહ્મણ રાવણ પાસે કરાવ્યાં. રાવણને દક્ષિણામાં લંકા માગી. જરાય ખચકાટ વગર ભગવાન શંકરે સોનાની લંકા રાવણને આપી દીધી. પોતે તેમના સસરા હિમાલય ઉપર રહેવા મા પાર્વતી સાથે ચાલ્યાં ગયાં. મા પાર્વતીએ પણ પતિની ઇચ્છાનું માન રાખ્યું.

પુણ્યથી ઘરે સારા કુળની સ્ત્રી પત્ની હોય. પુણ્યશાળીને બંગલે હાથી, ઘોડા, રથ તથા વાહનનું સુખ હોય. પુણ્યશાળીને સૌ કોઇ નમન કરતા આવે. પુણ્યાત્માઓનાં મોંમાં પાન હોય. જે પુણ્યાત્મા હોય છે તેમના દેહમાં કોઇ રોગ થતા નથી.

પુણ્યશાળીઓ મનગમતાં રાગરંગ ભોગવી શકે છે. સુખ માણે છે. તેમને ગુસ્સો તથા રોષ ચડતાં નથી. પુણ્ય હોય તેને જ બ્રાહ્મણોની શુભાશિષ મળે છે. પુણ્યાત્માઓને વહાલાંનો વિયોગ થતો નથી. પુણ્યથી જ સજ્જનોનો સંગ થાય છે. પુણ્યાત્માઓને હરહંમેશ નવાં નવાં વસ્ત્ર પહેરવાં મળે છે. તેમના શરીર પણ સુંદર તથા કૂટડાં હોય છે. તેમના માથે છત્રી ચામર ઢોળાય છે. રાજ દરબારમાં તથા તેઓ જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં તેમને માન સન્માન મળે છે.

આવા પુણ્યાત્માઓનાં નસીબમાં ટાંટિયાતોડ નથી હોતી. અર્થાત્ તેઓ વાહનમાં જ ફરતા હોય છે. આવા મનુષ્યોને હાર કે નિષ્ફળતા મળતાં નથી. તેઓ દરરોજ નીતનવો મનગમતો આનંદ ભોગવી શકે તેવા તેમનાં નસીબ હોય છે. પુણ્યાત્માઓને વીણા તથા મૃદંગનો નાદ સાંભળવા મળે છે. તેમને હરહંમેશ ગાયન વાદન સાંભળવાનું સુખ મળે છે. તેમનાં બારણે સવારે મંગળ પ્રભાતે શરણાઇના સુર વાગે છે.

પુણ્યશાળીઓના પલંગમાં સવા મણ રૂની રજાઇ હોય છે. ભાટ ચારણ સહિત તેમની નજીક આવનારાં તેમની હરહંમેશ પ્રશંસા કર્યા કરતા હોય છે. તેમને સોના ચાંદી તથા કંઠે મોતીની માળા પહેરવા મળે છે. આવા મનુષ્યોની રાજા પણ પ્રશંસા કરે છે. પુણ્યાત્માઓ જન્મથી જ વિચક્ષણ બુદ્ધિ ધરાવતા હોય છે. તેઓ બહુ મોટા વિદ્વાન હોય છે. તેઓ ખૂબ ભણે છે. તેમના કંઠે તથા જીભ ઉપર મા સરસ્વતીનો સદાય વાસ હોય છે.

પુણ્યશાળીઓની કીર્તિ ખૂબ ઉજ્જવળ હોય છે. જેઓ પુણ્યશાળી હોય છે તેઓ આરોગ્યપ્રદ તથ લાંબું આયુષ્ય ભોગવે છે. પુણ્યાત્મા હોય તે જ બીજાં અનેક પુણ્ય કરી શકવા શક્તિમાન હોય છે. પુણ્યાત્માઓને સદાય દિવાળી હોય છે. તેઓ સદા અને સર્વત્ર આનંદમાં રહેતા હોય છે.
ગમે તેટલાં અશક્ય કામ પણ પુણ્યાત્મા માટે આસાન બની જાય છે. રામની રામસેનામાં જે વાંદરાં હતાં તે વાંદરાં ખૂબ પુણ્યશાળી હતાં. તેથી જ લંકામાં જવા સમુદ્રસેતુ બાંધતાં તેમણે નાખેલ તમામ પથ્થર પાણીમાં તર્યા. રામ લંકામાં જઇ શક્યા.

અનેક પુણ્યો હોવાથી પાંડવો રાજ્ય પામ્યા. કપટી કૌરવોનાં કોઇ કાર્ય સિદ્ધ થયાં નહીં. અંતે તમામ કપાઇ મૂઆ. પુણ્યાત્મા ભૂખે મરતો નથી. એટલે કે તેમના ઘરમાં કદી અનાજ ખૂટતું નથી. પુણ્યાત્માઓને સંતાનમાં સદા પુત્ર જ થાય છે. તેમનાં હૈયામાં અપાર આનંદ સદાકાળ રહે છે. પુણ્યાત્માને દેવાંગના જેવી પત્ની તથા સ્ત્રીને દેવ જેવો પતિ મળે છે.

પુણ્યાત્માઓ આટલાં અપાર સુખ ભોગવે છે તો શા માટે આપણે ઇર્ષા, અદેખાઇ, લોભ, મોહ, મદથી પીડાઇને પાપનાં પોટલાં બાંધવાં? પૈસાથી જ પુણ્ય થાય તેવું ક્યાં છે? ઇશ્વર સ્મરણ કરો. લોકોનું ભલું કરો. કીડિયારાં પૂરો. દરેકનું ભલું થાય તેવો ભાવ રાખો. ચકલાંને ચણ નાખો. પુણ્યનાં પોટલાં બાંધો. બારણે હાથી ઝૂલશે.

You might also like