ઘરની ચાદર દર અઠવાડિયે કેમ બદલવી જોઈએ?

આપણે સામાન્ય રીતે રોજ સાતથી આઠ કલાકની ઊંઘ લઈએ છીએ. તે મુજબ
આપણે આપણી જિંદગીનો ત્રીજા ભાગનો સમય બેડરૂમમાં વિતાવીએ છીએ. આવા સંજોગોમાં બેડરૂમની સુઘડતા અને સ્વચ્છતા ખૂબ જરૂરી છે. થોડા સમય પહેલાં બ્રિટનમાં થયેલા એક સરવે મુજબ ત્યાં માત્ર ૪૦ ટકા લોકો જ અઠવાડિયામાં એક વાર બેડશીટ ચેન્જ કરે છે. બાકીના ૩૬ ટકા લોકો પંદર દિવસે એક વાર અને ૧૭ ટકા લોકો મહિનામાં એક વાર બેડશીટ બદલે છે. એક ટકા લોકો તો એવા પણ છે જે વર્ષમાં માત્ર એક વાર ચાદર બદલે છે.

સરવેમાં એવા પણ ૬ ટકા લોકો હતાં જે વીકમાં બે વખત બેડશીટ ચેન્જ કરતાં હતાં. આપણે ત્યાં સામાન્ય રીતે લોકો મહિનામાં બે કે ત્રણ વાર બેડશીટ બદલતાં હોય છે. કેટલાંક લોકો વીકમાં એક વાર પણ ચાદરો અચૂક ચેન્જ કરતાં હશે તો આ ખૂબ સારી બાબત છે. પહેલી નજરમાં નાની લાગતી બેડશીટ ચેન્જ કરવાની બાબત અનેક રોગોને નોતરી શકે છે. બેડશીટ અને હેલ્થને સીધો સંબંધ છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ ગંદી ચાદર ડસ્ટને આકર્ષે છે. તેના કારણે અસ્થમા, ખરજવું અને અનેક પ્રકારની એલર્જી થઈ શકે છે. આ કારણોસર બેડશીટ સમયાંતરે બદલવી જોઈએ.

આ અંગે વાત કરતાં રેડિયોલોજિસ્ટ કલ્પેશ શાહ કહે છે કે, “તમે પાથરેલી ચાદરમાં ધૂળના રજકણો ચોંટે છે અને તમે જ્યારે તેમાં સૂઈ જાવ છો ત્યારે તેનાથી ઇન્ફેક્શન થવાની શક્યતા રહે છે. ખાસ કરીને એલર્જી હોય તેવી વ્યક્તિઓએ ગંદી ચાદરમાં સૂવાનું ટાળવું જોઈએ.” અઠવાડિયામાં એક વાર ચાદર બદલવી હિતાવહ છે. એક પ્રયોગ માટે તમે ઘરમાં સફેદ રંગની ચાદર પાથરીને જુઓ. બે-ત્રણ દિવસ પછી જ તમે જોઈ શકશો કે કેટલી મેલી થઈ છે.

રંગીન કપડાંમાં આપણને તે ડસ્ટ દેખાતી હોતી નથી. આ બધી ડસ્ટના રજકણો નાક અને મોં વાટે આપણા પેટમાં જઈ શકે છે. દિવસ દરમિયાન વ્યક્તિના શરીર પરથી લાખોની સંખ્યામાં ચામડીના મૃત કણો ખરતા હોય છે. આ કણો
આપણને દેખાતા નથી, પરંતુ જો ઘરમાંથી ધૂળ લઈ માઈક્રોસ્કોપમાં ચેક કરવામાં આવે તો તેમાં ચામડીના કણો નજરે ચડે છે. રાત્રે જ્યારે વ્યક્તિ સૂઈ જાય છે ત્યારે બેડશીટ સાથે ઘસાઈને વધુ માત્રામાં ચામડીના મૃત કણો ખરે છે. આ ઉપરાંત રાત્રે વ્યક્તિને થતો પરસેવો પણ બેડશીટમાં અને પિલો કવરમાં શોષાય છે.

જે ડસ્ટમાઈટને આવકારે છે, જે ઍલર્જી માટે જવાબદાર રહે છે. માટે અઠવાડિયામાં બેડશીટ બદલાતી રહે તો ઍલર્જીનો ભય ટાળી શકાય છે. આના કારણે ક્યારેક વ્યક્તિને સ્કિન ઈરિટેશન કે ઈન્ફેક્શન પણ થઈ શકે છે.

મહેમાન જાય પછી બેડશીટ કે પિલો કવર કેમ બદલવાં જોઈએ?
આપણા ઘરમાં કોઈ ગેસ્ટ આવે તો તેને ઓઢવા પાથરવા માટે અલગ વસ્તુ આપીએ છીએ. તેને ટોવેલ પણ અલગ આપવામાં આવે છે. આનું કારણ જણાવતાં ડૉ. કલ્પેશ શાહ કહે છે કે, “હાઈજિનની દૃષ્ટિએ આ એકદમ બેસ્ટ વસ્તુ છે. આપણા ઘરે આવેલા ગેસ્ટને કોઈ પણ પ્રકારની એલર્જી હોઈ શકે છે.

જો તેમણે વાપરેલી વસ્તુ આપણા ઘરની કોઈ વ્યક્તિના સંપર્કમાં આવે તો તેને ઈન્ફેક્શન થવાનો ભય રહે છે. કોઈ પણ વ્યક્તિએ વાપરેલી વસ્તુનું ક્રોસ ઈન્ફેક્શન ન થાય તે માટે આ વસ્તુને ધોવી જરૂરી છે. કોઈ પણ વ્યક્તિએ વાપરેલાં પિલો કવર, બેડશીટ, બ્લેન્કેટ, ચાદર, ટોવેલ કે નેપ્કિન મહેમાન જાય ત્યાર બાદ ધોઈ નાખવા આપણા જ ફાયદામાં છે.”

ભૂમિકા ત્રિવેદી

You might also like