દરેક ભૂલ માનવીને કંઈને કંઈ શિખામણ આપે છે

સુખી થવાના ઘણા માર્ગ ધર્માચાર્યો, શિક્ષકો, લેખકો, ચિંતકો બતાવતા રહ્યા છે. દરેક માણસ ભૂલ તો કરે જ છે પણ ભૂલ કર્યા પછી એમાંથી બોધપાઠ ગ્રહણ કરી બીજી વખત તે જ ભૂલ ન થાય તે બાબતની કાળજી રાખે તે માણસ સુખી થાય છે. જો માનવી શીખવા માગે તો તેની દરેક ભૂલ તેને કંઇને કંઇ શીખામણ આપે જ છે. વાસ્તવમાં એવું હોય છે કે માણસ અન્યની ભૂલ શોધવામાં પાવરધો હોય છે. અન્યને નીચો દેખાડવામાં એને ખૂબ જ મજા આવતી હોય છે. ધારો કે તમે અન્યનો દોષ શોધવામાં સફળ થયા તો તે વાતનો નિર્દેશ કર્યા પછી તમારે એને એ ભૂલ સુધારી લેવામાં મદદ કરવી જોઇએ. સહકાર, સંપ, સહાનુભૂતિ જેવા સદગુણો ઉપર તો માનવ સમાજની ઉન્નતિનો આધાર રહેલો છે. ડગલેને પગલે આ વાત યાદ રાખવા જેવી છે. કામ કરશે તેની ભૂલ થશે, કામ જ નહીં કરે તેની ભૂલ નહીં થાય. તો શું ભૂલથી બચી જવા માટે કામ જ નહીં કરવું?
માનવીથી જો ભૂલ થઇ ગઇ હોય તો તેણે પોતાની ભૂલ સુધારવાનો પ્રયાસ કરવો જોઇએ. ભૂલ થઇ ગઇ હોય તો તે કઇ રીતે થઇ તેનો ઝાઝો વિચાર કરવાની જરૂર નથી. થયેલી ભૂલ કઇ રીતે સુધારી શકાય એ બાબત મહત્ત્વની છે. ભૂલથી થયેલું નુકસાન ભલે મોટું હોય, ખરી રીત એ છે કે ફરીથી એવી ભૂલ ફરી ન થાય તેની તકેદારી રાખવી જોઇએ અને થયેલું નુકસાન જલદીથી ભરપાઇ થઇ જાય એવા પ્રયત્નોમાં લાગી જવું જોઇએ. સામાન્ય રીતે લોકો અન્યના દોષ જોવાની ટેવ ધરાવે છે. માનવીને પોતાના દોષ દેખાતા જ નથી. સૌ પ્રથમ તો એ વિચારી લેવું જોઇએ કે પોતાની ગફલતથી તો ભૂલ નથી થઇને. ખબર પડે કે ભૂલ પોતાની હતી તો તે ફરીથી ન થાય તે જોવું અને ભૂલથી થયેલું નુકસાન હસતે મોંએ વેઠી લઇ તેમાંથી ઉગરવાનો ઉપાય કરવો.
જેને ભાન થાય કે એનાથી ભૂલ થઇ ગઇ છે છતાં એ સુધારવાની કોશિશ નથી કરતો તે મોટામાં મોટી ભૂલ કરી રહ્યો છે. કોઇ પણ કાર્ય શરૂ કરીએ તે અગાઉ તેનાં તમામ પાસાંઓ અંગે પૂરેપૂરો વિચાર કરી લઇને યોગ્ય આયોજન કરવું જોઇએ. એ કાર્ય માટે કેટલો સમય લાગશે, કેટલો ખર્ચ થશે, કેટલાં સાધનો જોઇશે, કેટલા માણસોની, કયા કયા માણસોની જરૂર પડશે, કાર્ય પાર પડવાથી કોને કેટલો લાભ થશે- આ બધું જ અગાઉથી વિચારી લેવું. કાગળ ઉપર એની નોંધ કરવી. તેમ છતાં જો અડચણ પેદા થાય તો ગભરાયા વગર એમાંથી મુકત થવાનો માર્ગ શોધવો. કોઇ પણ કાર્ય અધવચ્ચે ક્યારેય ન છોડવું જોઇએ. કદાચ કામ છોડવું પડે તો પણ ફરીથી વિશેષ પ્રકારની તૈયારી કરી તે કાર્ય પાર પાડવું જોઇએ. આવી રીત અપનાવવાથી તમે લોકોનો વિશ્વાસ પ્રાપ્ત કરી શકશો. આ વિશ્વાસ જ આપણી પ્રગતિ અને ઉન્નતિનો પાયો બની શકે છે.

You might also like