ચોઘડિયાંની સાથે જાણીએ ‘હોરો’ની સરળ અને છતાં વધુ સારી-અસરકારક પધ્ધતિ વિષે

સોમ, ગુરુ, શુક્ર અને બુધની ‘હોરા’ શુભ ગણાય છે. કૃષ્ણ પક્ષમાં ચંદ્ર, મંગળ, શનિ અને સૂર્યની ‘હોરા’ અશુભ ગણાય છે.
જ્યોતિષશાસ્ત્રના ઊંડા અભ્યાસુ વર્ગ સિવાયનો સમુદાય ચોઘડિયામય થઇ ગયો છે. દરેક મહત્ત્વના કાર્યમાં ચોઘડિયું જોઇને આગળ વધે છે. ચોઘડિયાં જોવાની શરૂઆત અને ઉપયોગ જૈન જ્યોતિષમાંથી આવ્યો હોય તેમ લાગે છે.

દરેક પંચાંગ અને કેલેન્ડરમાં દિવસ અને રાત્રિનાં ચોઘડિયાં આપેલાં જ હોય છે. પંચાંગમાં તો સ્પષ્ટપણે દર્શાવેલ છે કે આ બાબતનો ઉપયોગ ફક્ત યાત્રા સંબંધિત કરવો. ખરેખર તો ચોઘડિયાંનો ઉપયોગ ક્યાંય પણ ના કરવો જોઈએ તેવું મારું માનવું છે.

અગાઉના સમયમાં ઘડી-પળનું માપ સમય માટે લેવામાં આવતું હતું. એક ઘડી બરાબર ૨૪ મિનિટ થાય. દોઢ કલાક એટલે ૯૦ મિનિટ થાય. તેથી દોઢ કલાક માટે ચાર ઘડી લગભગ થાય. ‘ચાર ઘડી’ શબ્દનો અપભ્રંશ થઇ ‘ચોઘડિયું’ શબ્દ પ્રચલિત બન્યો.

સામાન્ય લોકસમુદાયમાં ચોઘડિયાં પ્રચલિત બનવાનું એકમાત્ર કારણ તેની સહેલી અને સરળ ગણતરી જ મુખ્ય છે. આમ છતાં આ લેખમાં અમે વાચકોને ‘હોરા’ની આવી જ સરળ અને છતાં વધુ સારી-અસરકારક પદ્ધતિ અંગે જણાવીશું.

‘અહો’ એટલે દિન-દિવસ અને રાત્રિ એટલે રાત… બંને શબ્દમાંથી અત્યંત અને આદ્ય અક્ષર લઇ ‘હોરા’ શબ્દ શોધાયો.
‘હોરા’ દરેક ગામ કે શહેરના સ્પષ્ટ સૂર્યોદયના સમયથી ગણાય છે. દરેક ‘હોરા’ એક કલાકની બને.

દરેક કાર્યની સિદ્ધિ માટે રાશિ, લગ્ન, નવમાંશ, તિથિ, નક્ષત્ર વગેરે મુજબ સૂક્ષ્મ મુહૂર્ત કાઢી શકાય, પરંતુ જીવનમાં ઘણી વાર ત્વરિત નિર્ણય આવશ્યક થઈ પડે છે. જ્યારે નક્ષત્ર, લગ્ન, તિથિ વગેરે અનુકૂળ ના હોય ત્યારે તે દિવસ અથવા રાત્રિના કાર્ય માટે તમારા કાર્યને અનુરૂપ શુભ ‘હોરા’ લઈ શકાય.

સોમ, ગુરુ, શુક્ર અને બુધની ‘હોરા’ શુભ ગણાય છે. કૃષ્ણ પક્ષમાં ચંદ્ર, મંગળ, શનિ અને સૂર્યની ‘હોરા’ અશુભ ગણાય છે. આમ છતાં તમારે કયા કાર્ય માટે સમય પસંદ કરવાનો છે તે વિચારીને ‘હોરા’ની પસંદગી કરો. આ બાબતની સામાન્ય જાણકારી અહીં આપેલી છેઃ દિવસના ૧૨ કલાક અને રાત્રિના ૧૨ કલાક ગણીને કુલ ૨૪ કલાક થાય, તેથી કુલ ૨૪ ‘હોરા’ આવશે .

હોરાનો ઉપયોગ:
(૧) સૂર્યની હોરા અથવા ઉદ્વેગ ચોઘડિયું: જયારે ઉદ્વેગ ચોઘડિયું હશે ત્યારે સૂર્યની હોરા ચાલતી હશે. ઉદ્વેગ ચોઘડિયું અશુભ ગણાય છે, પરંતુ સૂર્યની હોરા હોવાથી તે એક કલાક તેને અનુરૂપ કાર્ય કરો તો તેમાં સફળતાની શક્યતાઓ વધી જાય છે. સૂર્યની હોરામાં દરેક સરકારી કાર્ય કરી શકાય, જેમ કે ચૂંટણીનું ફોર્મ કે સરકારી ટેન્ડર ભરાય, સરકારી મદદ માટેની કાર્યવાહી, નોકરીમાં હાજર થવું, અધિકારી પાસેથી કામ કઢાવવું, દવા કે ઔષધ બાબતનાં કાર્ય માટે.

(૨) ચંદ્રની હોરા અથવા અમૃત ચોઘડિયું: ઘરવપરાશની સામગ્રી માટે, નવા ઘર-મકાનમાં કળશ મૂકવો, ખેતીવાડીમાં નવા છોડ કે અનાજ રોપવું, મુસાફરી કે યાત્રામાં, માનસિક બીમારીમાં દાવા આપવી, માતાના કોઈ કાર્ય બાબત સારું રહેશે.

(૩) મંગળની હોરા અથવા રોગ ચોઘડિયું: આ સમયે લડાઈ-ઝઘડા કરવા, મહત્ત્વનું સાહસ કરવા, કોર્ટમાં કેસ મૂકવા, રમત-ગમતમાં ભાગ લેવા, કોઈ પણ હરીફાઈમાં ભાગ લેવા, વ્યાજ ઉપર પૈસા આપવા, તલ કે તેલીબિયાંનો સોદો કરવો.

(૪) બુધની હોરા અથવા લાભ ચોઘડિયું: વિદ્યાભ્યાસની બાબત માટે ઉત્તમ. બાળકને પ્રથમ વાર સ્કૂલમાં બેસાડવા માટે ગુરુવારે બુધની હોરા સારું ફળ આપશે. કોઈ પણ વાહન લેવા માટે, ધંધો શરૂ કરવા માટે, નોકરી માટે અરજી કરવી, નવા સંબંધ બાંધવા માટે, મુલાકાત માટે, મહત્ત્વની મિટિંગ માટે.

(૫) ગુરુની હોરા અથવા શુભ ચોઘડિયું: લગ્નની વાતચીત, છોકરી જોવા જવું, લગ્નજીવન શરૂ કરવા માટે, કંપનીને પબ્લિક લિમિટેડ કરવા માટે, કોઈ પણ સમાધાનની મિટિંગમાં હાજર રહેવા માટે, ધંધાની મિટિંગ માટે પણ સારું, સંતાનજન્મ માટેની આશા સાથે પતિ–પત્ની આ હોરામાં સંબંધ બાંધે તે સારું, સંતાન બાબત કોઈ પણ કાર્યવાહી આ હોરામાં કરવી, પ્રકાશન કરવું, લોકર ખોલાવવું વગેરે કાર્ય કરી શકાય.

(૬) શુક્રની હોરા અથવા ચલ ચોઘડિયું: મુસાફરી કરવી, દાગીના, જ્વેલરીની ખરીદી કરવી, પ્રેમપત્ર લખવો કે સામા પાત્રને પોતાના પ્રેમની જાણ કરવી, ફિલ્મ, નાટક, ફોટોગ્રાફી, ડેકોરેશનની કંપની ચાલુ કરવી, કોઈ પણ કળા–આર્ટ સબંધિત કાર્ય હોય તે આ હોરામાં કરવું. સ્ત્રીઓને લગતી દરેક બાબતો–સાધનોનું વેચાણ આ સમયમાં ચાલુ કરી શકાય.

(૭) શનિની હોરા અથવા કાળ ચોઘડિયું: આ હોરામાં બેંકમાં ફિક્સ ‌િડપો‌િઝટમાં પૈસા મૂકવા માટે, સરકારી હુકમ બહાર પાડવા માટે, દીક્ષા ગ્રહણ કરવા માટે, નવા ઘર-મકાનની પહેલી ઈંટ–પાયો મૂકવા માટે, મશીનરી– યંત્ર ફિટ કરવા માટે.

ઉપર મુજબ દરેક હોરાની ગણતરી, તેનો ઉપયોગ બાબતની માહિતી અપાઈ. હવે ચોઘડિયાંનો ઉપયોગ ટાળીને ‘હોરા’નો ઉપયોગ જનસમુદાય કરશે તેમ હું માનું છું .

રાહુકાળ
આ સમય શુભ કામ માટે વર્જિત માનવામાં આવે છે. કોઈ પણ સારાં કામ કરતાં પહેલાં ખાસ સમયગાળો જોઈ લેવો. ત્યાર બાદ કોઈ પણ કાર્ય કરવું. નીચે આપેલ સમયમાં કોઈ પણ કાર્ય કરતાં પહેલાં ઈષ્ટદેવનું પૂજન કરવું અથવા આ સમય છોડી દેવો.

રાહુકાળની ગણતરી
શાસ્ત્રમાં દરેક વાર મુજબ રાહુકાળનો ઉલ્લેખ જોવા મળે છે. તેથી જે વારે મહત્ત્વનું કાર્ય કરવાનું વિચાર્યું હોય તેમાં રાહુકાળ ક્યારે આવે છે તે જોઈને કાર્ય ગોઠવી શકો .
સોમવારઃ સવારે ૭.૩૦થી ૯.૦૦ વાગ્યા સુધી
મંગળવારઃ બપોરે ૧૨.૦૦થી ૪.૩૦ વાગ્યા સુધી
બુધવારઃ બપોરે ૧૨.૦૦થી ૧.૩૦ વાગ્યા સુધી
ગુરુવારઃ બપોરે ૧૧.૦૦થી ૩.૦૦ વાગ્યા સુધી
શુક્રવારઃ સવારે ૧૦.૩૦થી ૧૨.૦૦ વાગ્યા સુધી
શનિવારઃ સવારે ૯.૦૦થી ૧૦.૦૦ વાગ્યા સુધી
રવિવારઃ સાંજે ૪.૩૦થી ૬.૦૦ વાગ્યા સુધી
શુભ કાર્ય માટે રાહુકાળનો નિષેધ હોવાથી ઉપરોક્ત વાર અને સમય જોઈને કાર્ય કરવાની યોજના બનાવવી.

ડૉ. જલ્પેશ મહેતા
(M) ૭૬૦૦૪૫૬૭૮૯ •

You might also like