દેશમાંથી દરરોજ કેટલાંયે બાળકો ગુમ થાય છે છતાં સમાજ ખામોશ કેમ છે?

એક માહિતી મુજબ દેશમાંથી દરરોજ અનેક બાળકો ગુમ થાય છે તેમ છતાં આવી પ્રવૃતિ સામે સમાજ ચૂપ બનીને કેમ બેઠો છે? તેવા સવાલ થઈ રહ્યા છે. જોકે એ વાત અમાનવીયતાની હદ વટાવવા સમાન છે કે કોઈ આરોપી બાળકોનું અપહરણ કરી તેના હાથપગ તોડી નાખે, આંખો કાઢી લે અથવા અન્ય કોઈ રીતે તેમને એવી રીતે અપંગ બનાવી દે કે તે આવા બાળકો દ્વારા વધુને વધુ ભીખ અેકત્ર કરાવી શકે. આવું ચોંકાવનારું સત્ય રાષ્ટ્રીય બાળ પંચની ટીમ દ્વારા ભોપાલમાં ભીખ માગતા બાળકોને પકડવા અને તેમની પૂછપરછ કરવાથી બહાર આવ્યું છે. આ આપણા સભ્ય સમાજ માટે કદાચ સૌથી મોટા કલંક સમાન ગણી શકાય.

આ અંગે ચાલુ વર્ષે રપ મેના રોજ એક મોટા અંગ્રેજી અખબારમાં છપાયેલા એક અહેવાલમાં જણાવવામાં આવ્યુ છે કે મધ્યપ્રદેશમાં સરેરાશ પ્રતિ દિન રર બાળકો ગુમ થાય છે. જેમાં ચોંકાવનારી વાતતો એ છે કે આ રર બાળકોમાંથી ૭૦ ટકા છોકરીઓ હોય છે. તેમના અપહરણના અનેક કારણો હોય છે. ત્યારે એ વાત સ્પષ્ટ છે કે છોકરીઓનાં અપહરણ કરવા પાછળના કારણમાં તેમને વેશ્યાવૃતિમાં ધકેલવાનું હોય છે. અને તેથી તેમના અપહરણ બાદ તરત જ બીજાં રાજ્યો કે શહેરમાં વેચી નાખવામાં આવે છે. જ્યારે છોકરાઓના અપહરણ કરવાના પાછળ તેમને ભિક્ષાવૃત્તિ અથવા અન્ય કોઈ મજૂરી કામમાં ધકેલવાનું છે. આ ઉપરાંત અન્ય એક કારણ એવું પણ છે કે આવા બાળકોનો ઓછા ભાવથી જે તે ઘરના નોકર તરીકે સોદો કરવામાં આવે છે. જેમાં કેટલીક જગ્યાએ તો આવા બાળકોને માંડ બે ટાઈમનું ભોજન આપીને તેમની પાસેથી ર૪ કલાક નોકર જેવું કામ લેવામાં આ‍વે છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં એક કારણ એવંુ પણ બહાર આવ્યું છે કે ભારતની હિંદી પટ્ટીની છોકરીઓને ગુમ કરી તેમને અખાતી દેશોમાં લગ્ન કરવા માટે વેચી નાખવામાં આવે છે. કારણ કે ભારતીય મહિલાઓનાં સૌંદર્યને લઈને વિશ્વસ્તરે ચર્ચા થતી રહે છે. જોકે એવી પણ વિગતો બહાર આવી રહી છે કે આ છોકરીઓ માટે અખાતી દેશોના અમીર લોકો મોં માગ્યા ભાવ ચુકવતા હોય છે. અને બદલાતા સમયમાં અબજો રૂપિયાના ટર્નઓવરવાળી ઓનલાઈન પોર્ન ઈન્ડસ્ટ્રીમાં પણ આવી ગુમ થયેલી છોકરીઓનો ઉપયોગ કરવામાં આ‍વે છે.

આવી ભયાનક અને ખતરનાક ઘટનાઓ વચ્ચે ભિક્ષાવૃત્તિ એવો ગુનો છે જે બહારથી જોવા મળે છે અને આવા તમામ ગુના બાળકો પાસે જ કરાવવામાં આવે છે. આવા બાળકો ખાસ કરીને કોઈ મોટા શહેરોમાં ચાર રસ્તા પર કારના કાચ ખટખટાવતા જોવા મળે છે. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે આટલી મોટી સંખ્યામાં બાળકો ગુમ કઈ રીતે થઈ રહ્યા છે? ત્યારે પોલીસ તંત્ર બાળકોના મુદે સંવેદનશીલ ન હોય તેમ લાગી રહ્યું છે અને આ મુદે સમાજ સામે પણ સવાલ થઈ રહ્યાં છે કે તેઓ જ્યારે આવા બાળકોને તેમના ઘરના નોકર તરીકે ખરીદે છે ત્યારે તેમનામાં પણ કોઈ સંવેદના વ્યકત નથી? એટલે કે આવી ગુનોખોરીમાં આવા લોકો પણ જવાબદાર ગણી શકાય.અને જો સમાજ તેની આ જવાબદારી નહિ સમજે તો આજે જે બાળકો ગુમ થઈ રહ્યા છે તે કદાચ આવતીકાલે મોટા અપરાધી બની શકે છે. અને તે સમાજ માટે મુશ્કેલી ઊભી કરી શકે તેમ છે.

થોડા સમય પહેલાં એવા અહેવાલ બહાર આવ્યા હતા કે મધ્યપ્રદેશમાં સૌથી વધુ સગીર ગુનેગારો છે. આમ તો આવી ઉંમર તેમની રમવા અને ભણવાની હોય છે. આવી કુમળી વયમાં તેઓ અપરાધ જગતમાં પ્રવેશી જાય છે તે સૌથી મોટી ચિંતા અને દુખની વાત છે. મધ્યપ્રદેશ ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાં પણ છેલ્લાં કેટલાંક સમયથી આવી ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. મધ્યપ્રદેશમાં ર૦૧રથી ર૦૧૪માં ૧૮,૦૦૦થી વધુ આવા કેસ બહાર આવ્યા હતા. જે રાષ્ટ્રીય સ્તરે સર્વાધિક છે.

કેન્દ્ર સરકારના અહેવાલમાં જણાવ્યા અનુસાર ર૦૧રથી ર૦૧૪ દરમિયાન દેશમાંથી ૩.૧૪ લાખ બાળકો લાપતા થયા છે. જેમાં મધ્યપ્રદેશનાં ર૪,૦૦૦ બાળકો, મહારાષ્ટ્રનાં પ૦,૯૪૭ અને દિલ્હીનાં ૧૯,૦૪૮ બાળકો લાપતા થયાં છે. તેનો અર્થ એ થયો કે દર વર્ષે એક લાખથી વધુ બાળકો લાપતા થઈ જાય છે. આવા બાળકોમાં પપ ટકા છોકરીઓનો સમાવેશ થાય છે. ત્યારે દેશમાંથી છેલ્લાં કેટલાંક સમયથી જે પ્રકારે આવી રીતે બાળકો ગુમ થઈ રહ્યાં છે તે સમાજ માટે લાલબત્તી સમાન બાબત ગણી શકાય છે. અને સરકારે આ બાબતે સમયસર પગલા લેવામાં નહિ આવે તો આવી સમસ્યા દેશની ભાવિ પેઢી માટે ખાસ ચિંતાજનક અને પડકારજનક બની રહેશે. તેથી આ બાબતે સત્વરે પગલાં લેવાં જરૂરી છે.

You might also like