આ રહ્યો એકી-બેકી નંબરનો ગોટાળો ટાળવાનો ઉપાય

નવી દિલ્હીમાં ફાટ-ફાટ થતાં વાહનવ્યવહારના કારણે હવામાં જીવલેણ પ્રદૂષણની માત્રા ભયજનક લેવલ કરતાં દસ ગણી થઈ ગઈ છે, એવો અહેવાલ મળતાં દિલ્હી સરકારે તરત જ નવી દિલ્હીમાં વાહનવ્યવહાર ઓછો કરવા માટે જાહેરનામું બહાર પાડી દીધું કે, એકી નંબરની તારીખે વાહનના નંબરનો છેલ્લો આંકડો એકી હોય એ જ વાહન ચલાવવું, બેકી તારીખે એ વાહન બંધ રાખવું.

જેની પાસે અનેક કાર હોય એવા લોકોને આ વટહુકમથી કશો ફરક પડતો નથી, પરંતુ એક જ કાર ધરાવતા હોય એવા લોકો માટે સમસ્યા એ ઊભી થઈ કે, જે દિવસે એમની કાર રોડ પર ન લઈ જઈ શકાય એ દિવસે કામ શી રીતે કરવું? બધા આ સમસ્યાની ચર્ચા કરવામાં વ્યસ્ત હતા ત્યારે દિલ્હીમાં નોઈડા ખાતે સેક્ટર ૪૪માં આવેલી એમીટી ઈન્ટરનેશનલ સ્કૂલના આઠમા ધોરણમાં ભણતા માત્ર ૧૩ વર્ષના અક્ષત મિત્તલ નામના છોકરાએ આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો.

તેણે ‘ઓડ-ઈવન.કોમ’ નામની વેબસાઈટ બનાવી લીધી છે. તેમાં કાર ચાલકોએ પોતાનું નામ, નંબર, સરનામું અને સ્ત્રી-કે પુરુષ કોની સાથે ભાગીદારી કરવી ગમશે એ વિગતો ભરીને સભ્ય બનવાનું રહેશે. બસ, પછી રોજ એ વેબસાઈટ ખોલીને જોઈ લેવાનું કે આજે કયા નંબરવાળી કાર લઈ જવાની છે. સાથે જ એ પણ ખબર પડી જાય કે કોની સાથે ભાગીદારી કરી શકાય એમ છે.

એનો ફોન નંબર મેળવી ફોન કરી નક્કી કરી લેવાનું કે, ભાઈ આજે હું તમારી સાથે આવીશ, કાલે તમે મારી સાથે આવજો. ટૂંકમાં તમારી કાર રસ્તા પર લઈ જઈ શકાય તેમ ન હોય ત્યારે તમે કોઈની સાથે આ વેબસાઈટ દ્વારા ભાગીદારી કરી શકો. જોકે આ લખાય છે ત્યારે ૧૮ ડિસેમ્બર ૨૦૧૫ના રોજ ‘ઓડ-ઈવન.કોમ’ વેબસાઈટ ખોલવાનો પ્રયાસ કરતાં ‘પ્રોબ્લેમ લોડિંગ પેજ’નો મેસેજ જોવા મળ્યો હતો.

You might also like