દિલ્હીમાં સોમ,બુધ અને શુક્ર એકી જ્યારે મંગળ,ગુરૂ અને શનિવારે બેકી સંખ્યાની ગાડી

નવી દિલ્હી : દિલ્હી સરકાર દ્વારા પ્રદૂષણને કાબુ માટે એકાત્રે દિવસે એકી અને બેકી નંબરની ગાડીઓ ચલાવવા માટેની નવી ફોર્મ્યુલા મુકાઇ છે. આ નિર્ણયને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ઠાકુરે પણ આવકાર્યો હતો. જેનાં પગલે કેજરીવાલે મુખ્યજજનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે સાથે કયા દિવસે કઇ ગાડી ચાલશે તે અંગેનો પોતાનો નિર્ણય પણ જાહેર કરી દીધો હતો.
રવિવારે દિલ્હી સરકારનાં સ્વાસ્થય મંત્રી સત્યેન્દ્ર જૈને આ અંગેની માહિતી આપી હતી. સત્યેન્દ્રએ કયા દિવસે કયા નંબરની ગાડી ચાલશે તે અંગેનો નિર્ણય જણાવ્યો હતો. બેકી (ઇવન) સંખ્યાની ગાડીઓ મંગળ, ગુરૂ અને શનિવારે ચાલશે. એટલે કે જે ગાડીઓમાં 0,2,4,6 અને 8નો આંકડો હશે તે ગાડીઓ આ દિવસો દરમિયાન ચાલી શકશે.
બીજી તરફ એકી સંખ્યા (ઓડ) સંખ્યાની ગાડીઓ સોમ, બુધ અને શુક્રનાં દિવસે ચાલશે. એટલે કે જે ગાડીઓમાં 1,3,5,7 અને 9 આંકડા હશે તે ગાડીઓ આ દરમિયાન ચાલશે. જો કે હજી સુધી રવિવાર અંગેનો કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. રવિવાર અંગે સરકારનો નિર્ણય શું હશે તે અંગે અવઢવ છે.
સુપ્રીમ કોર્ટનાં નવા ચીફ જસ્ટિસ ઠાકુરે પણ પોલ્યુશન કંટ્રોલનાં આ પગલાનું સમર્થન કર્યું હતું. કોર્ટને દિલ્હી સરકારનાં આ નિર્ણય સામે કોઇ તકલીફ નથી. તે પોતે પણ કાર પુલિંગનાં નિર્ણયને સ્વિકારીને પોતાનાં સાથી જજ સાથે અપડાઉન કરશે. ઉપરાંત તેઓ અન્ય જજને પણ આ નિતી હેઠળ ચાલવા જણાવશે.

You might also like