દિલ્હીવાસીઓ તેમની કાર એકાંતરા દિવસે ચલાવી શકશે

નવી દિલ્હી: દિલ્હીમાં પ્રદૂષણના વધી ગયેલા પ્રમાણને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે તાકિદની બેઠક બોલાવી હતી. પ્રદૂષણને ઘટાડવા માટે બેઠકમા દિલ્હી સરકારે ઘણાં પ્રસ્તાવો રજૂ કર્યા હતા.  દિલ્હીમાં રહેવું ગેસ ચેમ્બરમાં રહેવા જેવું છે તેવી દિલ્હી હાઈકોર્ટે કરેલી ટીકાના એક દિવસ બાદ કેજરીવાલ સરકારે આવતા વર્ષે ૧લી જાન્યુઆરીથી રસ્તાઓ પર એકી અને બેકી સંખ્યાના રજિસ્ટ્રેશન નંબર ધરાવતા વાહનોને આંતરા દિવસે ચલાવવાની મંજૂરી આપવાનો નિર્ણય લીધો હતો.

તેનો મતલબ એમ થાય કે જે વાહનોના રજિસ્ટ્રેશન નંબરમાં છેલ્લે બેકી સંખ્યાનો ૦,૨,૪,૬,૮ આંકડો આવતો હોય તેને એક ચોક્કસ દિવસે રસ્તા પર હંકારવાની પરવાનગી મળશે.જ્યારે જે વાહનોના રજિસ્ટ્રેશન નંબરમાં છેલ્લે એકી સંખ્યાનો ૧,૩,૫,૭,૯ આંકડો આવતો હોય તેને તે પછીના દિવસે હંકારી શકાશે. જોકે, આ નિયમ જાહેર વાહનોને લાગુ પડશે નહીં. આ ઉપરાંત સીએનજીથી ચાલતી બસો,ટેક્સી અને ઓટોરિક્ષાઓને લાગૂ પડશે નહીં.

અરવિંદ કેજરીવાલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયેલો આ નિર્ણય અન્ય રાજ્યોમાંથી દિલ્હીમાં પ્રવેશતા વાહનોને પણ લાગૂ પડશે. આ પગલાંને લીધે સરકારને આશા છે કે દિલ્હીમાં વાહનો દ્રારા થતાં પ્રદૂષણમાં અડધો અડધ ઘટાડો થશે.
દિલ્હી સરકારે એનટીપીસીના કોલસા આધારિત પ્લાન્ટ પૈકીના એક એવા દક્ષિણ દિલ્હીમાં આવેલા સૌથી જૂના અને ઓછા કાર્યક્ષમ એવા બદરપુર પાવર પ્લાન્ટને પણ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. આ ઉપરાંત દાદરી થર્મલ પાવર પ્લાન્ટને લીધે પણ દિલ્હીમાં પ્રદૂષણ થતું હોય છે. તેથી સરકાર તેને પણ બંધ કરાવવા માટે એનજીટી સમક્ષ રજૂઆત કરશે.

રાત્રે ૯ વાગ્યાને બદલે રાત્રે ૧૧ વાગે દિલ્હીમાં ટ્રકોના પ્રવેશનો પ્રસ્તાવ પણ મૂકાયો હતો. આ ઉપરાંત દિલ્હી બહારથી આવતી ટ્રકોનું ચેકિંગ પણ થશે. રસ્તાઓ પર વેક્યુમ ક્લિનિંગ થશે. દિલ્હીના રસ્તાઓ પરથી ધૂળ હટાવવાનું કામ ૩ થી ૪ અઠવાડિયામાં થશે. દિલ્હીના મુખ્ય સચિવ કે કે શર્માએ કહ્યું કે દિલ્હીમાં વધુને વધુ બસો દોડાવવાની દિલ્હી સરકારની યોજના છે. દિલ્હીમાં વાહનવ્યવહારને નડતરરૂપ થતાં પાર્કિંગને પણ દૂર કરવાની વિચારણા ચાલી રહી છે.  ચીનના પાટનગર બેજિંગમાં ૨૦૧૩માં લેવાયેલા પગલાં જેવું આ પગલું દિલ્હીમાં નોંધાયેલા લગભગ ૯૦ લાખ વાહનોને લાગૂ પડશે.

You might also like