હસવા સમ નવ બનાવશો જિંદગી

ઈશ્વરે માનવીને હાસ્યની એક અમૂલ્ય બક્ષિસ આપી છે. માણસ હસ્યા વિના રહી શકતો નથી. રોજબરોજની જિંદગીની તંગદિલીને ઓગાળી નાખવાનું આ એક કીમતી રસાયણ છે. કોઈએ કહ્યું છે કે હાસ્ય એક ટ્રાન્કિવલાઈઝર-શાંતિદાયક-શાતાદાયક ઔષધ છે – એક એવું ઔષધ જેની કોઈ આડઅસર નથી! માર્ટિન લ્યુથર કહે છે કે સ્વર્ગમાં હસવાની છૂટ ન હોય તો મારે એવા સ્વર્ગમાં જવું નથી !
આજકાલ હાસ્ય માટે ’લાફિંગ ક્લબો’ સ્થપાઈ રહી છે. હસો-ખૂબ હસો- પેટ ભરીને કે પેટ પકડીને હસો ! સ્નાયુઓનો તણાવ દૂર કરવા માટેની કસરત-શાળા તરીકે આ પ્રવૃત્તિ ચાલે તેમાં વાંધો નથી, પણ અહીં એની વાત નથી, અહીં તો હાસ્યવૃત્તિની વાત છે – જે માણસની અંદરની પ્રસન્નતાને પ્રગટ કરે છે. જિંદગીની વિચિત્રતાઓ અને વિસંગતિઓને માણસે હસી કાઢવી જ પડે છે. હાસ્ય માણસની જિંદગીની ધક્કામુક્કીમાં એક મોકળાશ ઊભી કરે છે.
હાસ્ય એ ચહેરાની કસરત નથી. સાચું હાસ્ય માણસના ચહેરા પર ઊગતા સૂરજની લાલી પ્રગટ કરે છે. કેટલીક વાર માણસ ’હસતા ચહેરા’નું મહોરું પહેરી લે છે પણ વેદનાને છુપાવવા માટેનું એ ઢાંકણમાત્ર છે તેનો ખ્યાલ કોઈને પણ આવી જાય છે. ચહેરા પરનું હાસ્ય હૃદયની ખુશીને પ્રગટ કરે ત્યારે તેની આભા કંઈક જુદી જ હોય છે.
મનુષ્યની જિંદગી જાતજાતની વિચિત્રતાઓ, અનેકાનેક વિસંગતિઓ અને અકથ્ય વેદનાથી ભરેલી છે. ભાગ્યની અવળચંડી ગતિને હસી જ કાઢવી પડે છે. સ્વ. ઝવેરચંદ મેઘાણીના શબ્દોમાં કહીએ કે હસતા મુખે સહેતા જઈશું પ્રારબ્ધના પરિહાસ. ફિલસૂફ સેનેકાએ એવું કહ્યું છે કે વિલાપ કરવા કરતાં જિંદગી સામે હસવું એ માણસને વધુ છાજે છે.
આપણામાં કહેવત છે કે રડતાં પણ સહેવું અને હસતાં પણ સહેવું – સહન તો કરવાનું જ છે તો રડીરડીને સહન કરવાને બદલે હસીખુશીથી શું કામ સહન ન કરવું ? જેમણે જિંદગીમાં કાંઈક કરી બતાવ્યું છે તે બધા માણસો દુર્ભાગ્યને હસી કાઢીને આગળ વધ્યા છે.
એમાં શક નથી કે જિંદગી એક ગંભીર કારોબાર છે પણ તેથી રડમસ ચહેરો કરવાની જરૂર નથી. મેક્સ બીરબોહમે એવું કહ્યું છે કે હસવાને લીધે કોઈ મરી ગયું હોય એવું જોયું નથી.!
મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલમાં પણ ચોટદાર રમૂજવૃત્તિ હતી. જવાહરલાલ નહેરુએ અંગ્રેજ જેલરને ફરિયાદ કરી કે તેમના ભોજનમાં ધૂળમાટી હોય છે. જેલરે ટોણો માર્યો કે તમે તો તમારી માતૃભૂમિને ચાહો છોને ? નહેરુએ વળતો પ્રહાર કર્યો, હા, સાહેબ, અમે અમારી માતૃભૂમિને ચાહીએ છીએ પણ તેને ખાતા નથી!
અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકનમાં ભરપૂર રમૂજવૃત્તિ હતી. લિંકન આમ તો બહુ નિષ્ફળ અને દુઃખી માણસ હતા, પણ જિંદગીનો મુકાબલો હસીખુશીથી કરીને એક ઝિંદાદિલ અને દીર્ઘદ્રષ્ટા મનુષ્ય પુરવાર થયા હતા. એ સામાન્ય માણસ હતા ત્યારે તેમની કામવાળી ચાલી ગઈ. કામવાળી કામ પર ચઢી નહીં અને લિંકનનાં પત્નીનો મિજાજ બેકાબૂ ! લિંકન જાતે કામવાળીને મનાવીને લઈ આવ્યા. તેમણે કામવાળીને કહ્યું કે ’એ સ્ત્રી સાથે હું આટલાં બધા વર્ષોથી રહું છું! મારી બહેન, તું તેની સાથે થોડાક કલાક રહી શકતી નથી ?’
ઉત્તમ હાસ્ય એ કે જે માણસોની સોબતને રંગીન અને રઝળતી બનાવી દે. સ્વ. નાથાનાલ દવેની પંક્તિ છે : હસો, ખૂબ હસો, હજુ સમય છે ઘણો લ્યો હસી પરંતુ હસવા સમી નવ બનાવશો જિંદગી !

You might also like