બીજાએ કરેલા પાપની નિંદા પણ જો કોઇ કરે છે તો તે પણ તે પાપનો ભાગીદાર બને છે….

એક રાજા બ્રાહ્મણોને પોતાના મહેલના આંગણામાં ભોજન કરાવી રહ્યા હતા. ભોજન ખુલ્લામાં તૈયાર થઈ રહ્યું હતું.
એક સમડી પોતાના પંજામાં એક સાપને પકડીને મહેલની ઉપરથી જઈ રહી હતી. સાપે પોતાનો જીવ બચાવવા સમડીને ડંખ માર્યો.
થોડું ઝેર નીચે રસોઇના વાસણમાં પડ્યું. રસોઇ ઝેરીવાળી થઈ ગઈ.
રસોઇ બનાવનારને આ ખબર ના હતી.
રસોઇ પીરસવામાં આવી અને ભોજન આરોગનાર બધા જ ભૂદેવોનાં મૃત્યુ થયાં.
રાજા ખૂબ જ વ્યથિત થયો અને તેને ડર લાગ્યો કે આ બ્રહ્મહત્યાનું પાપ તેને લાગશે.
બીજી બાજુ યમરાજ માટે કોયડો ઊભો થયો કે આ હત્યાનું પાપકર્મ ફળ કોના ખાતામાં ઉધારવું?
• રાજા-જેને ખબર જ ના હતી કે ભોજનમાં ઝેર છે?
• રસોઇયા કે જેઓ જાણતા ના હતા કે રસોઇ ઝેરી થઈ ગઈ છે?
• સમડી કે જે ઝેરી સાપને લઈને મહેલ ઉપરથી નીકળી?
• સાપ કે જેને પોતાના આત્મરક્ષણ માટે ઝેર ઓક્યું?
ઘણા દિવસો સુધી યમરાજાની ફાઇલમાં આ કોયડો અટકેલો રહ્યો.
થોડા સમય પછી બહારગામથી ભૂદેવો રાજાની મુલાકાતે આવે છે.
રસ્તામાં એક મહિલાને રાજમહેલનો રસ્તો પૂછે છે. મહિલા રસ્તો તો બતાવે છે, પરંતુ સાથે- સાથે વણમાગી સલાહ આપે છે કે ધ્યાન રાખજો અમારો રાજા ભૂદેવોને ભોજનમાં ઝેર ભેળવીને મારી નાખે છે એટલે જમતા નહીં. બસ, આજ વખતે યમરાજાને પાપકર્મનું ફળ કોના ખાતે ઉધારવું તે સૂઝી ગયું.
તરત જ તેમણે ફેંસલો આપ્યો કે બ્રાહ્મણોનાં મૃત્યુનું પાપ પેલી મહિલાના ખાતામાં જશે.
યમદૂતોએ પૂછયું કે મહિલાના ખાતામાં શા માટે? તેની તો આ બનાવમાં કોઇ ભૂમિકા જ નથી તો આમ શા માટે? ત્યારે યમરાજાએ જવાબ આપ્યો કે જયારે કોઇ પાપ કરે છે ત્યારે તે કરવાનો તેને આનંદ મળે છે. આ કિસ્સામાં ના તો રાજાને કે સમડીને કે સાપને કે રસોઇયાને આનંદ મળ્યો, પરંતુ આ બનાવનાં વખાણ કરીને બીજાની બુરાઇ કરીને પેલી મહિલાને જરૂર આનંદ મળ્યો …અને એટલા માટે જ પાપકર્મનું ફળ આ મહિલાના ખાતામાં જશે.
બીજાએ કરેલા પાપની નિંદા પણ જો કોઇ કરે છે તો તે પણ તે પાપનો ભાગીદાર બને છે.
ઘણી વખત આપણે વિચારીએ છીએ કે મેં તો કોઇ દિવસ કોઇ પાપ કર્યું નથી તો પછી મને શેની સજા થાય છે? જાણે-અજાણ્યે કોઇની કરેલી કુથલી, નિંદા અને બુરાઇ કરવાના કારણે આપણા ખાતામાં આ પાપ જમા થઈ જતાં હોય છે અને તેનું પાપકર્મ ભોગવવાનું બને છે.
કોઇની કુથલી, નિંદા કે બુરાઇ જાણે-અજાણે પણ કરવી નહીં. જે જેવું કરે છે તેવું ભોગવે છે. જીવનમાં આપણે કયા માર્ગ જવું તે નકકી કરવાનું કામ આપણું છે. હસતાં હસતાં કરેલાં ખરાબ કર્મો રડતાં રડતાં ભોગવવાં પડે છે.
ભગવાન કર્મના ફળના પ્રદાતા છે. સારાં કર્મનું પુણ્ય બંધાય છે તો ખરાબ કર્મનું પાપ બંધાય છે. પુણ્ય ભોગવવાં બધાંને ગમે છે પણ પાપ ભોગવવાં કોઇનેય ગમતાં નથી. આપણાં શાસ્ત્રો કહે છે કે દરેક મનુષ્યએ પાપની બાદબાકી કરવી જોઇએ અને પુણ્યના સરવાળા કરવા જોઇએ. કર્મના સિદ્ધાંત મુજબ અહંકાર (કર્તાભાવથી) મનુષ્ય કર્મ બાંધે છે અને ક્રમિક જન્મોમાં સંજોગો અનુસાર તેના કર્મફળને ભોગવે છે. કર્મ અનુસાર પછીનો જન્મ નક્કી થાય છે અને ક્રમિક જન્મમાં સંજોગો અનુસાર તેનાં કર્મફળને ભોગવવાં પડે છે. •

You might also like