૧૯૯૧માં પણ વડોદરામાં ત્રાસવાદીઓ ત્રાટકયા હતા

વડોદરા : સમગ્ર રાષ્ટ્ર આતંકવાદીઓના હુમલાની દહેશતમાં થરથર કંપી રહયું છે ત્યારે શહેરના છીપવાડમાંથી કેટલાક શંકાસ્પદ આતંકવાદી ઝડપાયાની ઘટના સમયે આજેથી ૨૫ વર્ષ પૂર્વે શહેરના નવાયાર્ડ વિસ્તારની સવગણ સોસાયટીમાં છ ત્રાસવાદીઓ છુપાયા હોવાથી આતંકવાદીઓ સાથેની મુઠભેડની યાદ તાજી થવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રેલવે સ્ટેશનથી શાસ્ત્રીબ્રિજ જવાના માર્ગ પર પંજાબ રોલીંગ મીલ કંપની પાસેની સવગણ સોસાયટીમાં છ ત્રાસવાદી છુપાયા હતા.

 

આ ત્રાસવાદીઓને ઝડપી પાડવા માટે મુંબઇથી આવેલી પોલીસ તેમજ શહેરની પોલીસ દ્વારા જોઇન્ટ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વર્ષ ૧૯૯૧ ૨૩મી જાન્યુઆરી એટલે કે ૨૫ વર્ષ પૂર્વે આતંકવાદીઓ માટે કામ કરતા સ્લીપર સેલના કેટલાક સભ્યોના નામ ખૂલ્યા હતા. જેમાં વડોદરા કનેકશન બહાર આવતાં મુંબઇ અને વડોદરા પોલીસના સંયુકત ઓપરેશન હાથ ધરાયું હતું. ૨૫ વર્ષ પૂર્વે શહેરના નવાયાર્ડ વિસ્તારમાંથી છ આતંકવાદીઓ છુપાયા હતા.

 

રહેણાંક વિસ્તારમાં બ્લેક આઉટ કરી મુંબઇ અને વડોદરા પોલીસના જોઇન્ટ ઓપરેશનમાં આતંકવાદીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી હોય તેવી ગુજરાતની આ સૌપ્રથમ ઘટના હતી. વડોદરામાં તે સમયે બાહોશ પોલીસ અધિકારીઓ હતા અને તેની સીધી સૂચના મુજબ હાથ ધરાયેલા આ ઓપરેશનના કારણે સમગ્ર શહેર ધ્રુજી ઉઠયું હતું. રાત્રે સાડા આઠ વાગ્યાથી સવગણ સોસાયટીમાં છુપાયેલા ત્રાસવાદીઓ તેમજ પોલીસ વચ્ચે ફાયરીંગ શરૂ થયું હતું.

 

આખી રાત ચાલુ રહેલ ફાયરીંગમાં કેટલાક નિર્દોષ રહીશો પણ ભોગ બન્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ ફાયરીંગમાં નિઝામપુરા વિસ્તારમાં લાઇટીંગનું કામ કરતા રાવપુરા વિસ્તારનો યુવક ઘાયલ થવા પામ્યો હતો. જેની કોઇપણ નોંધ સુધ્ધા તે સમયે લીધી નહતી. જોકે આ યુવક સ્વર્ગસ્થ થઇ ગયો છે તેની વિધવા પત્ની ચાની લારી ચલાવે છે. આખી રાત સુધી રહેણાંક વિસ્તારમાં છુપાયેલા ત્રાસવાદીઓને ઝબ્બે કરવા પોલીસે સમગ્ર વિસ્તારમાં ધણધણાટી બોલાવી હતી.

 

ત્રાસવાદીઓ રહેણાંક વિસ્તારમાં હોવાથી કોઇ સિવિલીયન નિશાન  ના બનાવે તેમજ પોલીસને પણ કોઇ નુકસાન ના થાય તેની પણ ખૂબ તકેદારી વડોદરા અને  મુંબઇ પોલીસના જોઇન્ટ ઓપરેશન દરમિયાન રાખવામાં આવી હતી. ત્રાસવાદીઓ પાસે ઓટોમેટીક હથિયારો હતા જયારે પોલીસ પાસે લાઇટ મશીનગન, ૩૦૩ અને સર્વિસ રિવોલ્વર હતી તેમ છતાં ત્રાસવાદીઓને મહાત આપવામાં પોલીસને સફળતા મળી હતી.

 

આ ઓપરેશન દરમિયાન એનએસજી કમાન્ડોને પણ બોલાવવામાં આવ્યા હતા. આ સમય દરમિયાન પોલીસે ઓપેરશનમાં સફળતા હાંસલ કરી હતી. વડોદરાની પ્રજાએ તે સમયે પ્રથમ એન્કાઉન્ટર નિહાળ્યું હતું. રેલવે સ્ટેશનથી શાસ્ત્રીબ્રિજ તેમજ પ્રતાપગંજ વિસ્તાર સુધીનો માર્ગ બ્લેક આઉટ કરવામાં આવ્યો હતો. છતાંય મુંબઇ પોલીસઅને ત્રાસવાદી વચ્ચેની મુઠભેડની વાત વાયુવેગે શહેરમાં પ્રસરતા ઘટના સ્થળે પ્રત્યક્ષ નિહાળવા વડોદરાવાસીઓના ટોળાં શાસ્ત્રીબ્રિજ પર ધસી ગયા હતા.

 

જયારે નવાયાર્ડ વિસ્તારના સ્થાનિક રહીશોના જીવ તાળવે ચોટી ગયા હતા. રાત્રીના ૮-૩૦ વાગે એકાએક પોલીસના ધાડેધાડા ઉતરી આવી સવગણ સોસાયટીના મકાનના ધાબા પર તેમજ મકાનોમાં પોલીસ છુપાઇ ગઇ હતી. સવગણ સોસાયટીનું આ ઓપરેશન હજીય વડોદરાવાસીઓ યાદ કરતાં થરથર કંપી ઉઠે છે એટલું જ નહીં ત્રાસવાદીઓ અને પોલીસ દ્વારા થયેલ અંધાધૂંધી ફાયરીંગની ઘટનામાં નુકસાન થયું હતું.

 

તે હયાત મકાનની દીવાલ પર ગોળીઓના નિશાનથી મકાનની દીવાલમાં ખાડા પડી ગયા હતા. ૨૫ વર્ષ પૂર્વે સવગણ સોસાયટીમાં ત્રાસવાદીઓ જે ઘરમાં ઘુસી ગયા હતા. આજે આ મકાનનું રિનોવેશન થતાં નવું બની ગયું છે. પરંતુ એ ક્ષણે પોલીસની જાંબાઝી આજેય પ્રશંસનીય હોવાની યાદ તાજી થાય છે.

You might also like