પેટ્રોલ, ડીઝલ, ટેલિકોમ ઉપર ‘સ્વચ્છતા સેસ’ ઝીંકાવાની શકયતા

નવી દિલ્હી :  નરેન્દ્ર મોદી સરકારના ‘સ્વચ્છ ભારત અભિયાન’ માટે તમારે ટૂંક સમયમાં થોડી વધારે રકમ ચૂકવવી પડે તેવી પ્રબળ શકયતા છે. સરકાર તેના સ્વચ્છતા કાર્યક્રમ માટે કેટલાક નવા ટેકસ લાદવા વિચારી રહી છે. બીજી ઓકટોબર ર૦૧૪ ના રોજ આ મિશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તેના હેઠળ ઓકટોબર ર૦૧૯ સુધીમાં લગભગ રૂ. ર.ર૩ લાખ કરોડનું રોકાણ કરવામાં આવે તેવી સંભાવના છે. સરકાર હવે પેટ્રોલ, ડીઝલ અને ટેલિકોમ સેવા પર ૦.પ ટકા સેસ, મિનરલ જનરેશન પ્લાન્ટ દ્વારા ઉત્પાદિત કચરા પર એક ટકા સેસ અને સર્વિસ ટેકસમાં ૦.પ ટકાનો વધારો કરવા માંગે છે.

 

સરકારે ૧પ મી નવેમ્બરથી સર્વિસ ટેકસમાં ૦.પ ટકા ‘સ્વચ્છ ભારત’ સેસ ઉમેર્યો હતો. આ ઉપરાંત વધારાનું ભંડોળ એકત્ર કરવા સરકાર લાંબા ગાળાના ટેકસફ્રી સ્વચ્છ ભારત બોન્ડસ લાવવા પણ વિચારી રહી છે તેમ વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યુંહતું. નાણા મંત્રાલય પણ તેની તરફેણમાં હશે તો ફેબ્રુઆરીમાં રજૂ થનારા બજેટમાં તેની જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના છે. નીતિ આયોગ દ્વારા ટેકસફ્રી સ્વચ્છ ભારત બોન્ડસની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે, જે સ્વચ્છ ભારત માટે વિવિધ રાજયો સાથે વાત કરી રહી છે.

 

અધિકારીએ જણાવ્યું હતું કે, ‘સરકાર કાર્યક્રમ માટે ભંડોળ ઊભું કરવા માટે બધા વિકલ્પો પર વિચારણા કરી રહી છે અને કેટલાક પગલાંની જાહેરાત આગળ જતા કરવામાં આવી શકે છે.’ સ્વચ્છ ભારત માટે નીતિ આયોગે સ્થાપેલા મુખ્ય પ્રધાનોના પેટા જૂથના સૂચનોના આધારે ભંડોળ ઊભું કરવાની ભલામણ કરવામાં આવી છે.

 

અધિકારીના જણાવ્યા મુજબ નીતિ આયોગના આ કાર્યક્રમ અંગે અમુક પગલાંની ભલામણ કરવામાં આવી હતી, તેમાં જણાવાયું છે કે, ‘તેનો વ્યાપ સર્વત્ર છે અને મિશનના બધા પાસાને પૂર્ણ કરવા માટે જંગી રકમની જરૂર છે.

You might also like