એસ્સાર પર અંબાણી, સુરેશ પ્રભુ અને વાજપેયીના ફોન ટેપ કરવાનો આક્ષેપ

નવી દિલ્હી: સ્ટીલ, ઊર્જા સહિત અનેક મોટા પ્રોજેકટસમાં મૂડીરોકાણ કરનાર એસ્સાર ગ્રૂપ પર ર૦૦૧થી ર૦૦૬ દરમિયાન અનેક મોટા નેતાઓ સહિત જાણીતી હસ્તીઓના ફોન ટેપ કરાવ્યાનો આક્ષેપ થયો છે. જે હસ્તીઓના ફોન ટેપ થવાની ફરિયાદ વડા પ્રધાનના કાર્યાલયને કરવામાં આવી છે તેમાં કેટલાય કેબિનેટ પ્રધાન સહિત મૂકેશ અંબાણી, અનિલ અંબાણી અને અનેક બ્યૂરોક્રેટસના નામોનો સમાવેશ થાય છે.

ફરિયાદ અનુસાર જેમના ફોન ટેપ કરવામાં આવ્યા હતા તેમાં વાજપેયી, વર્તમાન રેલવે પ્રધાન સુરેશ પ્રભુ, પૂર્વ કેન્દ્રીય પ્રધાન પ્રફુલ્લ પટેલ, રામ નાઇક, રિલાયન્સના ચેરમેન મૂકેશ અંબાણી, અનિલ અંબાણી, તેમનાં પત્ની ટીના અંબાણી, પ્રમોદ મહાજન અને અમરસિંહનો પણ સમાવેશ થાય છે. રેકોર્ડ થયેલી વાતચીતમાં સરકાર અને ઔદ્યોગિક ગૃહો વચ્ચેની સાઠગાંઠનો પર્દાફાશ થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

સુપ્રીમમાં એસ્સાર વિરુદ્ધ એક જનહિત અરજી દ્વારા જયારે આ મુદો ઉઠાવવામાં આવી રહ્યો છે ત્યારે આ ફરિયાદ થઇ છે. આ કેસ એસ્સાર ગ્રૂપ અને કેટલાક નેતાઓ વચ્ચેની સાઠગાંઠને લઇને થયો છે. આ રેકોર્ડિંગ અંગે ફરિયાદ કરનાર શખ્સનું નામ સુરેન ઉપ્પલ છે. તે દિલ્હીમાં રહે છે અને સુપ્રીમના વકીલ છે. તા.૧ જૂન ર૦૧૬ના રોજ કરવામાં આવેલી ફરિયાદ અનુસાર તેમને એવી જાણકારી એસ્સાર ગ્રૂપના એ કર્મચારી પાસેથી મળી છે જેણે આ ફોન ટેપ કર્યા હતા.

You might also like