હવે રૂ.૨૧ હજારના પગારદારને પણ ESICનો લાભ

નવી દિલ્હી: હવે માસિક રૂ. ૨૧,૦૦૦નો પગાર ધરાવતા કર્મચારીઓ પણ એમ્પ્લોઇઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (ઇએસઆઇસી)ની સ્વાસ્થ્ય વીમા યોજનાનો લાભ લઇ શકશે. અત્યાર સુધી મહત્તમ રૂ. ૧૫,૦૦૦ના પગારદાર કર્મચારીઓને આ લાભ મળે છે. તાજેતરમાં ઇએસઆઇસીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની બેઠકમાં જેમનો પગાર માસિક રૂ. ૨૧,૦૦૦ હોય તેમને પણ ઇએસઆઇસીનો લાભ આપવા અને વર્તમાન વિમિત વ્યક્તિઓના સભ્યપદને જાળવી રાખવાનો વિકલ્પ આપવાનો નિર્ણય કરાયો છે.

હાલ જે લોકો ઇએસઆઇસીની યોજનાના દાયરામાં આવે છે તેમનો પગાર નિર્ધારિત મર્યાદાથી વધુ હોય તો તેમનું સભ્યપદ અને વીમાકવચ સમાપ્ત થઇ જાય છે. ઇએસઆઇસીની મિટિંગ બાદ શ્રમપ્રધાન બંડારુ દત્તાત્રેયે જણાવ્યું હતું કે ઇએસઆઇસીએ પગાર મર્યાદા હવે રૂ. ૧૫,૦૦૦થી વધારી રૂ. ૨૧,૦૦૦ કરવાનો નિર્ણય કર્યો છે.

શ્રમપ્રધાન ઇએસઆઇસી બોર્ડના ચેરમેન છે. આ બંને નિર્ણય ૧ ઓક્ટોબરથી લાગુ પડશે. દત્તાત્રેયે જણાવ્યું હતું કે આ મર્યાદા વધારવાથી ૫૦ લાખ વધુ સભ્યને ઇએસઆઇસીનો લાભ મળશે. વર્તમાન ઇએસઆઇસીની યોજનામાં ૨.૬ કરોડ લોકોને આવરી લેવાયા છે.

You might also like