૪-જી ભૂલી જાવઃ હવે એરિકસન ભારતમાં પ-જી કનેક્ટિવિટી લોન્ચ કરશે

નવી દિલ્હી: ભારતીય ટેલિકોમ સેકટરમાં ર-જી અને ૩-જી બાદ હવે ૪-જીની ધૂમ મચી છે. તમામ કંપનીઓ પોતાના ગ્રાહકોને ઇન્ટરનેટ અને વોઇસ-વીડિયોની શ્રેષ્ઠ સુુવિધા આપવા ૪-જી બેન્ડને ઝડપથી આગળ વધારવામાં વ્યસ્ત છે. મૂકેશ અંબાણીની રિલાયન્સ જિઓની બજારમાં એન્ટ્રી થયા બાદ આ સેેકટરમાં ગળાકાપ સ્પર્ધા શરૂ થઇ ગઇ છે. જેનો ગ્રાહકોને ભરપૂર લાભ મળી રહ્યો છે, પરંતુ હવે એવા સમાચાર આવી રહ્યા છે જે ગ્રાહકોને વધુ રોમાંચિત કરી શકે છે.

હા હવે ભારતમાં મોબાઇલ નેટવર્ક કનેક્ટિવિટીને હજુ વધુ આગળના સ્તરે લઇ જવાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. અહીં અમે પ-જી કનેક્ટિવિટીની વાત કરી રહ્યા છીએ. સ્વિડનની ટેલિકોમ સાધનો બનાવતી કંપની એરિકસને ભારતમાં પ-જી ટેકનિક માટે આઇઆઇટી દિલ્હી સાથે ભાગીદારી કરી છે. કંપનીએ જણાવ્યું છે કે એરિકસન અને ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી-દિલ્હી (આઇઆઇટી દિલ્હી)એ ભારત માટે પ-જી ટેકનિક લાવવા સમજૂતી કરી છે.

આ સમજૂતી હેઠળ એરિકસન પ-જી પરીક્ષણની સુવિધા ધરાવતું એક શ્રેષ્ઠતા કેન્દ્ર સ્થાપિત કરશે અને સાથે જ આઇઆઇટી દિલ્હીમાં એક ઇન્કયુબેશન સેન્ટરની પણ સ્થાપના કરશે અને તેનો ઉપયોગ દેશમાં પ-જી માટે યોગ્ય માહોલ ઊભો કરવામાં કરાશે. આ ટેસ્ટની પ્રથમ સિરીઝ ર૦૧૭ના બીજા છ માસિક સમયગાળામાં શરૂ થશે. ર૦ર૦ સુધીમાં પ-જી કોમર્શિયલ ધોરણે ઉપલબ્ધ થવાની આશા છે.
http://sambhaavnews.com/

You might also like