ઈક્વિટી અને કોમોડિટીનાે ડબા કારોબાર ચોપટ

અમદાવાદ: નોટબંધીને ચાર મહિના કરતાં પણ વધુનો સમય વીતી ગયો છે. નોટબંધી બાદ રોકડના મોટા ભાગના ગેરકાયદે વ્યવહારો બંધ થવાના આરે છે ત્યારે ઇક્વિટી, કોમોડિટી અને ફોરેક્સનો ડબા કારોબાર પણ ચોપટ થઇ ગયો છે. આ કારોબારીઓ હવે ડબા કારોબાર થકી ગેરકાયદે કારોબાર કરવાના બદલે સત્તાવાર રીતે એક્સચેન્જ ઉપર કારોબાર કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે અને તેનો ફાયદો બ્રોકર્સ ઉઠાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે સેમ્કો સિક્યોરિટી, ફાઇવ પૈસા ડોટકોમ અને ઝીરોધા બ્રોકિંગ કંપનીની સભ્ય સંખ્યામાં ૧૫થી ૨૦ ટકાનો ઉછાળો આવ્યો છે એટલું જ નહીં આ કંપનીના કારોબારમાં પણ ૨૦થી ૨૫ ટકાનો વધારો નોંધાતો જોવા મળ્યો છે. આ ત્રણ બ્રોકિંગ કંપનીઓની બજારમાં હિસ્સેદારી ૯૦ ટકાથી વધુ છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભૂજ સહિત રાજ્યભરમાં એક અંદાજ મુજબ પાંચ હજારથી વધુ ડબા કારોબારીઓ છે. આ કારોબારીઓ થકી ઇક્વિટી અને કોમોડિટીના કારોબારી સભ્યોની સંખ્યા લાખોમાં થવા જાય છે તથા રોજનું કરોડો રૂપિયાનું ગેરકાયદે કામકાજ ડબાના કારોબારીઓ થકી થાય છે, જેમાં સરકારે મોટી ટેક્સની આવક ગુમાવવી પડે છે. આ કારોબારીઓ રોકડ ઉપર જ વ્યવહાર કરે છે.

નોટબંધી બાદ ઊભી થયેલી નાણાકીય પ્રવાહિતાના પગલે ડબા કારોબારીઓ સીધી રીતે મુશ્કેલીમાં મુકાઇ ગયા છે અને તેઓને એક્સચેન્જ મારફતે કારોબાર કરવાની ફરજ પડી છે. નોટબંધી બાદ ઊભી થયેલી પરિસ્થિતિના પગલે ઓનલાઇન બ્રોકિંગ કંપનીઓ રિટેઈલ ગ્રાહકોને વધુ ને વધુ આકર્ષવા માટે સસ્તા બ્રોકરેજ પ્લાન ઓફર કરી રહી છે અને તેના પગલે ઓનલાઇન બ્રોકિંગ કંપનીઓના સભ્યોમાં વધારો નોંધાયો છે. શહેરના ડબા કારોબાર સાથે સંકળાયેલા એક કારોબારીએ નામ ન દેવાની શરતે જણાવ્યું કે નોટબંધી બાદ ૮૦ ટકા ઇક્વિટી અને કોમોડિટીનો ડબા કારોબાર બંધ થઇ ગયો છે, જેનો સીધો ફાયદો બ્રોકર્સ અને ઓનલાઇન બ્રોકિંગ કંપનીઓ ઉઠાવે છે.
http://sambhaavnews.com/

You might also like