UAEમાં ભારતીય ડિગ્રીઓને સમકક્ષ દરજ્જોઃ લાખો ભારતીયોને ફાયદો

(એજન્સી) દુબઇ: સંયુકત આરબ અમિરાત (યુએઇ) સરકાર ટૂંક સમયમાં ભારતીય યુનિવર્સિટીઓ અને સ્કૂલોની ડિગ્રીઓને સમકક્ષ દરજ્જો અને માન્યતા આપશે. યુએઇના આ નિર્ણયના પગલે ભારતીય ડિગ્રીધારકોને નોકરી મેળવવામાં ઘણી સરળતા રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે યુએઇમાં ભારતીય મૂળના ૩૩ લાખ લોકો વસે છે અને ત્યાંની વસ્તીના ૩૦ ટકા જેટલા છે. અબુધાબી સ્થિત ભારતીય દૂતાવાસ તરફની જારી એક યાદીમાં જણાવાયું છે કે તાજેતરમાં યુએઇમાં ભારતના રાજદૂત નવદીપસિંહ સૂરીએ ત્યાંના શિક્ષણ પ્રધાન હુસેન બિન ઇબ્રાહીમ સાથે મુલાકાત કરી હતી.

આ મુલાકાત દરમિયાન ભારતીય ડિગ્રીધારકોને યુએઇમાં નોકરી મેળવવામાં પડતી મુશ્કેલીઓ અંગે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. એવું પણ જણાવાયું હતું કે આ મુશ્કેલીઓને કારણે માત્ર ભારતીયોને જ નહીં, પરંતુ યુએઇનો પણ આર્થિક વિકાસ પ્રભાવિત થઇ રહ્યો છે.

ડિગ્રીની માન્યતાને લઇને ભારતના અનુરોધ પર યુએઇ સરકારે ટૂંક સમયમાં નિર્ણય લેવાની ખાતરી આપી હતી. એક જ અઠવાડિયામાં યુએઇ સરકારે ભારતીય ડિગ્રીઓને સમકક્ષ દરજજો આપવાની વાત સ્વીકારી લીધી છે. ભારતીય દૂતાવાસે યુએઇ સરકારના આ નિર્ણય પર ખુશી વ્યકત કરતાં જણાવ્યું છે કે તેના પગલે લાખો ભારતીયોને ફાયદો થશે.

You might also like