ચાલુ વર્ષે પીએફ ઉપર ૮.૯પ ટકા વ્યાજ આપવા ભલામણ

નવી દિલ્હી: ધી એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન ની ફાઇનાન્સ પેનલે ચાલુ નાણાકીય વર્ષ માટે પોતાના પાંચ કરોડથી વધુ સબસ્ક્રાઇબર્સ માટે વ્યાજનો દર ૮.૭પ ટકાથી વધારીને ૮.૯પ ટકા કરવાની ભલામણ કરી છે. જો બધુ ઠીકઠાક રહ્યું તો કર્મચારી વર્ગને પાંચ વર્ષમાં સૌથી વધુ પીએફ ઉપર વ્યાજ મળશે. જો કે હવે જોવાનુ છે કે, નાણા મંત્રાલય વ્યાજદર વધારા ઉપર સંમત થાય છે કે નહી ?

હવે સેન્ટર બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ દ્વારા આ દરખાસ્તને મંજૂરી અપાયા બાદ નાણા મંત્રાલય તેને નોટિફાઇ કરશે. જો કર્મચારીઓના નસીબ સારા હશે તો ર૦૧૦-૧૧ બાદ તેઓને સૌથી વધુ વ્યાજ મળશે. એ વખતે ૯.પ ટકા વ્યાજ મળ્યુ હતુ. ૮.૯પ ટકાનો દર સારો વ્યાજદર કહી શકાય તેવું જાણકારોનું કહેવું છે. હાલ ઇપીએફઓ ૮.૭પ ટકા વ્યાજ આપે છે. જો વ્યાજ વધશે તો ઇપીએફઓમાં રોકાણ વધુ આકર્ષક બનશે કારણ કે જીપીએફ, પીપીએફ, સ્પેશ્યલ ડિપોઝીટ સ્કીમ અને નેશનલ સેવિંગ સર્ટીફિકેટમાં આનાથી ઓછુ વ્યાજ મળી રહ્યુ છે. ઇપીએફઓના સેન્ટર બોર્ડ ટ્રસ્ટી અને કેન્દ્રીય શ્રમ મંત્રી બંડારૃ દતાત્રેય આવતા મહિને વ્યાજદર નક્કી કરવાનો અંતિમ નિર્ણય લેશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફાઇનાન્સ ઇન્વેસ્ટમેન્ટ ઓડિટ કમિટીએ ર૦૧પ-૧૬ માટે ૯ ટકા વ્યાજ આપવાની ભલામણ કરી હતી. હવે ઇપીએફઓ બોર્ડ આવતા મહિને મળશે અને નિર્ણય લેશે.

આજે જયારે સરકાર અને રિઝર્વ બેંક ડિપોઝીટના દરો ઘટાડવા માંગે છે કે જેથી લોનના વ્યાજદરો પણ ઘટી શકે ત્યારે ઇપીએફ ડિપોઝીટમાં ઊંચો વ્યાજદર રાખવામાં આવશે તો બેંકોમાંથી ડિપોઝીટ અને નાની બચત યોજનાઓમાંથી રકમ ઇપીએફઓ તરફ વળશે એ નક્કી છે. અત્રે એ નોંધનીય છે કે, ર૦૧૪-૧પમાં પણ ઇપીએફઓએ ૮.૭પ ટકા વ્યાજ આપ્યુ હતુ. ર૦ કે તેથી વધુ કર્મચારીઓ કામ કરતા હોય ત્યાં કર્મચારીઓને પગારમાંથી ર૪ ટકા રકમ ઇપીએફ તરીકે કપાત કરવાની હોય છે. આમા અડધો ફાળો માલિકનો હોય છે અને અડધો કર્મચારીઓનો હોય છે.

You might also like