નોકરિયાત વર્ગને મોદી સરકારનો વધુ એક ઝટકો, EPFOએ વ્યાજદરમાં કર્યો ઘટાડો

ન્યૂ દિલ્હીઃ નોકરિયાત વર્ગ માટે એક માઠા સમાચાર સામે આવ્યાં છે. એમ્પ્લોય્ઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)એ વર્તમાન 2017-18નાં વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. પીએફનાં વ્યાજ દરને 0.10 ટકા ઘટાડીને નવો વ્યાજદર 8.55% જાહેર કરાયો છે. હાલમાં ઇપીએફ પર 8.65 ટકા વ્યાજ મળે છે.

ટ્રેડ યુનિયનનાં સભ્યો અને EPFOનાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી (સીબીટી)ની એક બેઠક મળી હતી. જેમાં પ્રોવિડન્ટ ફંડ થાપણ પર વ્યાજદર અંગેનો નિર્ણય લેવાયો હતો. નોંધનીય છે કે EPFOએ ચાલુ મહિને 2886 કરોડ મૂલ્યનાં એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સનું વેચાણ કર્યું છે. તેમ છતાં લોકોની આશાથી તદ્દન વિપરીત વ્યાજદરમાં ઘટાડો કરાયો છે. જેથી કર્મચારીઓ આ નિર્ણયથી જરૂરથી નાખુશ થશે.

ઉલ્લેખનીય છે કે 2016-17માં EPFOનો વ્યાજદર 8.65% ટકા નક્કી કરાયો હતો કે જે 2015-16માં 8.8% હતો. કેન્દ્ર દ્વારા સતત બીજા વર્ષે વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે. જેને લઇ હવે EPFOનાં આ નિર્ણયથી પણ નોકરિયાત વર્ગને ઘણી નિરાશા ઊભી થઇ છે.

You might also like