નેપાળના રાષ્ટ્રપતિનો ભારત પ્રવાસ રદઃ રાજદૂતને પરત બોલાવી લેવાયા

કાઠમંડુ: નેપાળે ભારત સ્થિત પોતાના રાજદૂત દીપકુમાર ઉપાધ્યાયને પાછા બોલાવી લીધા છે. તેમના પર સહકાર નહીં આપવાના અને સરકાર વિરોધી પ્રવૃત્તિઓ કરવાનો આક્ષેપ થયો હતો. બીજી બાજુ નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારીનો ૯ મેનો ભારત પ્રવાસ રદ કરી દેવામાં આવ્યો છે. નેપાળ દ્વારા ભારત સરકારને આ અંગે જાણ કરવામાં આવી હતી.

રાષ્ટ્રપતિ બન્યા બાદ વિદ્યાદેવી ભંડારીની આ પ્રથમ વિદેશ યાત્રા હતી અને તેમના શાનદાર સ્વાગત માટે ભારત સરકારે સંપૂર્ણ તૈયારીઓ પણ કરી લીધી હતી. જોકે આ ઘટનાક્રમની આગલી કડીમાં ભારત સ્થિત નેપાળી રાજદૂત દીપકુમાર ઉપાધ્યાયને પરત કરી દેવામાં આવ્યા છે. દીપકુમારે એવું નિવેદન કર્યું હતું કે નેપાળમાં રાજકીય કટોકટી સમાપ્ત થઈ ગઈ છે અને તેથી રાષ્ટ્રપતિએ ભારતની મુલાકાત લેવી જોઈએ. દીપકુમારનાં આ નિવેદનથી કોહલી નારાજ થયા હતા અને તેમને પરત બોલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

વિદેશ મંત્રાલયનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઘરેલુ રાજકારણને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી ભારત યાત્રા દરમિયાન ઉજ્જૈનમાં સિંહસ્થ કુંભમાં પણ ભાગ લેવા જવાના હતા, પરંતુ ઘરેલુ રાજકીય ઊથલપાથલને કારણે તેમણે પોતાનો ભારત પ્રવાસ રદ કરી દીધો છે.

શુક્રવારે સવારે નેપાળના વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીએ ભારત સ્થિત તેમના રાજદૂત દીપકુમાર ઉપાધ્યાય સાથે વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન દીપકુમાર ઓલી સાથે બાખડી પડ્યા હતા, ત્યારબાદ તરત કાઠમંડુ ખાતે યોજાયેલી કેબિનેટની બેઠકમાં દીપકુમારને પરત બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે નેપાળમાં છેલ્લા કેટલાક િદવસોથી રાજકીય કટોકટી વધુ ઘેરી બની છે. સરકારમાં સામેલ રાજકીય પક્ષ યુસીપીએન માઓવાદીના નેતા પુષ્પકમલ દહલ ઉર્ફે પ્રચંડે ગઠબંધનથી છેડો ફાડી નાખવાનો નિર્ણય કર્યો હતો.

You might also like