બોલિવૂડ સ્ટારનો પર્યાવરણપ્રેમ, સામાજિક કાર્યોમાં યોગદાન માટે ચર્ચામાં છે આ સ્ટાર….

બોલિવૂડમાં ઘણા એવા સ્ટાર છે, જેઓ માત્ર પોતાના સ્ટારડમ માટે નહીં, પરંતુ સામાજિક કાર્યોમાં ઉલ્લેખનીય યોગદાન માટે ચર્ચામાં રહે છે. એક તરફ આવા સ્ટાર ગરીબાઇ, અશિક્ષા, મહિલા સશક્તીકરણ અને કન્યા ભ્રૂણ હત્યા જેવા મુદ્દાઓ પર ખૂલીને અવાજ ઉઠાવે છે તો બીજી તરફ ઘણા એવા સ્ટાર્સ પણ છે, જે પર્યાવરણ પ્રત્યે ખૂબ સચેત છે અને લોકોને સમયે સમયે ગ્લોબલ વોર્મિંગ, વનોની કટાઇ તથા પ્રાકૃતિક સંસાધનો પ્રત્યે જાગ્રત કરતા રહે છે.

પ્રિયંકા ચોપરાઃ બોલિવૂડની દેશી ગર્લ, જે હવે હોલિવૂડમાં પણ પ્રવેશી ચૂકી છે. તેણે માત્ર પોતાની સુંદરતા નહીં, પરંતુ અભિનય પ્રતિભાથી પણ દર્શકોનાં દિલને જીત્યાં છે. તે પોતાની સંસ્થા ધ પ્રિયંકા ચોપરા ફાઉન્ડેશન ફોર હેલ્થ એન્ડ એજ્યુકેશનના માધ્યમથી કન્યાઓ સાથે જોડાયેલી સમસ્યાઓના નિરાકરણ માટે કાર્ય કરે છે. તે એક પ્રમુખ ન્યૂઝ ચેનલ દ્વારા ચલાવાયેલા ‘ગ્રીનેથોન’ની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.

તેના માધ્યમથી જે ગામમાં વીજળી નથી તેને સૌર ઊર્જાના ઉપયોગ માટે પ્રોત્સાહિત કરાય છે. પ્રિયંકાએ યમુના નદીની સ્વચ્છતામાં પણ ભાગ લીધો હતો. તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનનો હિસ્સો છે. ૨૦૧૫માં તેણે પેટાના રોબોટ ‘એલી’ને અવાજ આપ્યો હતો, જે અમેરિકામાં સર્કસમાં હાથીઓના પ્રયોગ વિરુદ્ધ અવાજ ઉઠાવવા સ્કૂલોમાં જતો હતો.

ગુલ પનાગઃ સફળ અભિનેત્રી, મોડલ, રાજકારણી, લાઇસન્સ પ્રાપ્ત પાઇલટ, ભૂતપૂર્વ ‘મિસ ઇન્ડિયા’ ગુલ પનાગ દરેક કામ યોગ્ય રીતે કરવા માટે પ્રસિદ્ધ છે, જોકે તે ક્યારેક જ ફિલ્મમાં જોવા મળે છે. છતાં પણ અન્ય અભિનેત્રીઓની સરખામણીમાં સામાજિક કાર્યોમાં વધુ સક્રિય દેખાય છે. તેણે ‘કર્નલ શમશેરસિંહ ફાઉન્ડેશન” નામે પોતાનું એક એનજીઓ બનાવ્યું છે, જે લૈંગિક સમાનતા, શિક્ષણ તથા આફત મેનેજમેન્ટ જેવા સામાજિક મુદ્દાઓમાં સક્રિય છે.

ગુલે ‘ગુલ ૪ ચેન્જ’ નામે અન્ય ફાઉન્ડેશન પણ બનાવ્યું છે, જે પ્રાકૃતિક ઊર્જાના સ્રોતોનો ઉપયોગ કરીને બેસ્ટ મેનેજમેન્ટ અને સફાઇ જેવા મુદ્દાઓ પ્રત્યે જાગૃતિ ફેલાવે છે. સોલર પાવર અને વોટર હાર્વેસ્ટિંગને પ્રોત્સાહિત કરવા તેણે ગ્રીન હોમ નામનું સંગઠન પણ સ્થાપિત કર્યું છે.

રાહુલ બોઝઃ રાહુલ બોઝ બહુમુખી પ્રતિભા ધરાવે છે. તે અભિનેતા, નિર્દેશક, પટકથા લેખક, રગ્બી પ્લેયર્સની સાથે સામાજિક કાર્યકર્તા પણ છે. તેણે અંદામાન-નિકોબાર દ્વીપસમૂહ પર રાહતકાર્યોમાં સહાયતા કરી હતી, જ્યારે આ ક્ષેત્રમાં ૨૦૦૪માં સુનામી આવી હતી. આ કામ તેણે પોતાના એનજીઓ ‘ધ ફાઉન્ડેશન’ હેઠળ કર્યું હતું.

તે અમેરિકા ઇન્ડિયન ફાઉન્ડેશનનો પણ એમ્બેસેડર છે અને પ્લેનેટ અર્થની સાથે કામ કરે છે. આ સંગઠન પર્યાવરણ સંરક્ષણ તથા જળવાયુ પરિવર્તન સંબંધે કામ કરે છે. તે ‘નર્મદા બચાઓ’ આંદોલનનો પણ પ્રવક્તા રહી ચૂક્યો છે. તેણે નર્મદા બંધના નિર્માણને રોકવામાં પણ ખૂબ યોગદાન આપ્યું હતું. તે આંતરરાષ્ટ્રીય પર્યાવરણ એનજીઓના સંગઠન ક્લાયમેટ એક્શન નેટવર્કનો પણ સક્રિય સભ્ય છે.

અર્જુન રામપાલઃ સુપર મોડલમાંથી અભિનેતા બનેલો અર્જુન રામપાલ પોતાની વર્સેટાઇલ એક્ટિંગ માટે પ્રસિદ્ધ છે. એ જ રીતે તે સામાજિક મુદ્દાઓ પર પોતાનો અવાજ પણ ઉઠાવતો આવ્યો છે. તેણે કેન્સરના દર્દીઓની સહાયતા માટે એક ફાઉન્ડેશન પણ સ્થાપ્યું હતું. તે એવા કેન્સર દર્દીઓને આર્થિક સહાયતા કરે છે, જે ઇલાજ માટેનો ખર્ચ સહન કરી શકતા નથી.

તે સ્તન કેન્સર પ્રત્યે પણ જાગૃતિ ફેલાવે છે. તે પેટા સાથે પણ જોડાયેલો છે. તેણે મુંબઇમાં ઘોડાગાડી પર પ્રતિબંધ મૂકવા એક અભિયાન પણ ચલાવ્યું હતું. તાજેતરમાં તેણે બીએમસીના વૃક્ષારોપણ કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. તેણે સની લિયોન, અરશદ વારસી અને પૂજા બત્રા જેવા કલાકારો સાથે મળીને આ પવિત્ર કાર્યમાં ભાગ લીધો હતો. •

You might also like