એન્ટ્રી ટેક્સના પરિપત્રથી વેપારીઓને હેરાનગતિ

અમદાવાદ: રાજ્યમાં એન્ટ્રી ટેક્સના મામલે સરકાર દ્વારા જાહેર થયેલા પરિપત્રમાં અસ્પષ્ટતાના કારણે વેપારીઓને હેરાનગતિ થતી હોવાની ફરિયાદો ઊઠી છે. આ મામલો ગૂંચવાતા રાજ્યના બે લાખથી વધુ વેપારીઓ દ્વારા તેમના ધંધા પર અસર પડી રહી હોવાની બૂમો ઊઠી રહી છે. સરકારે એન્ટ્રી ટેક્સના મામલે જાહેર કરેલા પરિપત્ર મુજબ ગુજરાતનાે ટેક્સ અને અન્ય રાજ્યમાં લેવાતી જે તે વસ્તુ પરના વેટ વચ્ચેનો તફાવત બહારના રાજ્યના વેપારીઓએ મુજબ ભરવો પડે પછી જ માલની ગુજરાતમાં એન્ટ્રી થઇ શકે છે.

બીજી તરફ પચાસ હજારથી વધુ વેચાણ વેરો અને એન્ટ્રી ટેક્સ બેંક સ્વીકારતી નથી. જેથી પચાસ હજારથી વધુનું પેમેન્ટ વેપારીએ ઓનલાઇન કરવું પડે. આ અંગે વેટ ટેક્સ કન્સલ્ટન્ટ સંદીપ પરીખે જણાવ્યું હતું કે પરિપત્રમાં ઓનલાઇન પેમેન્ટનો કોઇ ઉલ્લેખ નથી.

જ્યારે બેંકો પ૦ હજારથી વધુનો ટેક્સ સ્વીકારવાની ના પાડે છે. બેંકો પરિપત્રના આધારે તેમને વેટ કચેરીથી કોઇ સૂચના નહીં હોવાનું જણાવે છે. ઓનલાઇન પ૦ હજારથી વધુનો ટેક્સ ચૂકવે તો તેના માટે માત્ર ત્રણથી ચાર બેંકો નિય‌ત કરાઇ છે. તે બેંકમાં જે તે વેપારીએ ખાતું ખોલાવવું પડે આ સંજોગોમાં ટેક્સ ભરવાની મુદત પુરી થાય તો વેપારીએ વધુ દંડ ભરવો પડે એટલું જ નહીં ટેક્સ બાકી બોલે એટલે તેનો માલ ચેક પોસ્ટ પર જ અટકી પડે.

રર માર્ચ, ર૦૧૬ના પરિપત્ર અનુસાર સ્થાનિક વેટ કાયદા અનુસાર ભરવાપાત્ર વેરો, વ્યાજ અને દંડ મળીને જો પ૦ હજારથી વધુ રકમ હોય તો જ પેમેન્ટ ઓનલાઇન કરવાનું સૂચન આ સિવાયના ટેક્સમાં કોઇ જોગવાઇ નથી. આ અંગે વેટ કમિશનર પી.ડી. વાઘેલાએ જણાવ્યું હતું કે મને આ વિશે કાંઇ ખબર નથી. મારે અભ્યાસ કરવો પડશે. રજૂઆતો જોવી પડશે ત્યારબાદ હું સ્ટડી કરીને આ મુદ્દે જવાબ આપીશ.

You might also like