શેરબજારની FY 2018-19માં એન્ટ્રીઃ આગામી સપ્તાહે RBIની પોલિસી

શેરબજાર ગુરુવારે છેલ્લે ઘટાડે બંધ થયું હતું. બીએસઇ સેન્સેક્સ ૨૦૫ પોઇન્ટના ઘટાડે ૩૩ હજારની નીચે ૩૨,૯૬૮, જ્યારે એનએસઇ નિફ્ટી ૭૦ પોઇન્ટના ઘટાડે છેલ્લે ૧૦,૧૧૩ની સપાટીએ બંધ જોવાઇ હતી. બેન્ક નિફ્ટી પણ તૂટી હતી. ૧૭૦ પોઇન્ટના ઘટાડે ૨૪,૨૬૩ પોઇન્ટની સપાટીએ બંધ આવી હતી, જોકે સપ્તાહ દરમિયાન સેન્સેક્સમાં ૧.૧૪ ટકાનો સુધારો નોંધાતો જોવા મળ્યો હતો.

આગામી સપ્તાહે બજાર નવા નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં પ્રવેશી રહ્યું છે. એપ્રિલથી શરૂ થતા નવા નાણાકીય વર્ષમાં ટેક્સના નિયમમાં કેટલાક મોટા ફેરફાર અમલી બનશે.  સૌથી મહત્ત્વનો લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ છે, જે આવતી કાલથી અમલી બનશે. શેર અને મ્યુચ્યુઅલ ફંડ પર ૧૦ ટકા લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગુ થશે એટલું જ નહીં, આવતી કાલથી ઇ-વે બિલ પણ લાગુ થશે. રૂ. ૫૦ હજારથી વધુ કિંમતની વસ્તુઓના પરિવહન પર ઇ-વે બિલ સિસ્ટમ લાગુ થશે.

આગામી સપ્તાહના બુધવારે અને ગુરુવારે બે દિવસીય આરબીઆઇ મોનેટરી પોલિસી કમિટીની બેઠક મળશે. ગુરુવારે બેઠકનો નિર્ણય જાહેર કરાશે, જે બજાર માટે મહત્ત્વનો બની રહેશે, જોકે નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આરબીઆઇ વ્યાજના દરમાં યથાવત્ સ્થિતિ જાળવી રાખી શકે છે. આરબીઆઇની કોમેન્ટરી પર બજારની નજર રહેશે.

વૈશ્વિક બજારમાં ક્રૂડના ઊંચા ભાવ છે. તેના પગલે ફુગાવો વધવાની ચિંતા બજારમાં છે એટલું જ નહીં, બેન્કના બહાર આવેલા કૌભાંડ બાદ આગામી દિવસોમાં વિવિધ બેન્કનાં પરિણામ પણ જાહેર થશે. પીએસયુ બેન્કનાં પરિણામ સારાં આવે તેવી શક્યતા ઓછી છે તેવો મત નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાઇ રહ્યો છે.

જાણકારોના જણાવ્યા પ્રમાણે સેન્ટિમેન્ટ જોતાં બજારમાં મોટો સુધારો નોંધાય તેવી શક્યતા ઓછી છે. નિફ્ટીમાં ૧૦૦થી ૧૫૦ પોઇન્ટની રેન્જમાં મૂવમેન્ટ જોવા મળી શકે છે. વૈશ્વિક શેરબજાર, ક્રૂડના ભાવ અને બેન્ક શેરની ચાલ પર બજારની નજર રહેશે.

બે આઈપીઓનું લિસ્ટિંગ સોમવારે
આગામી સપ્તાહના સોમવારે કાર્ડા કન્સ્ટ્રક્શન અને સંધાર ટેક્નોલોજી કંપનીના આઇપીઓનું લિસ્ટિંગ છે. નોંધનીય છે કે કાર્ડા કન્સ્ટ્રક્શન અને સંધાર ટેક્નોલોજીનો આઇપીઓ ૨૧ માર્ચે બંધ થયો હતો.

૧૩ એપ્રિલે ઈન્ફોસિસનું પરિણામ આવશે
આગામી ૧૩ એપ્રિલે આઈટી સેક્ટરની અગ્રણી ઈન્ફોસિસ કંપનીનું નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ના જાન્યુઆરીથી માર્ચ મહિનાના ત્રિમાસિક સમયગાળાનું પરિણામ જાહેર થશે. આ પરિણામ બજાર માટે મહત્ત્વનાં બની રહેશે.

You might also like