રાજસ્થાનમાં પણ ISની એન્ટ્રીઃ કમાન્ડર ઝડપાયો

જયપુર : એટીએસએ જયપુરના જવાહરનગરથી પ્રતિબંધિત આતંકી સંગઠન આઇએસના કમાન્ડરની ધરપકડ કરી હતી. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનનો માર્કેટિંગ મેનેજર મહંમદ સિરાજુદ્દીન આતંકી સંગઠન આઇએસનો એજન્ટ નીકળ્યો. સિરિયા જેવા ઇસ્લામિક દેશોમાં તેના ૮૦ કોન્ટેકટ પરથી તે આઇએસનો એજન્ટ હોવાનો પર્દાફાશ થયો હતો. એટીએસના એડીજી આલોક ત્રિપાઠીએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલ મહંમદ સિરાજુદ્દીન મૂળ કર્ણાટકના ગુલબર્ગનો નિવાસી છે અને હાલ તે જયપુરમાં આઇઓસીના માર્કેટિંગ મેનેજર તરીકે કાર્યરત છે.

તે જવાહરનગરએન્કલેવમાં રહેતો હતો. મહંમદ સિરાજુદ્દીન સોશિયલ મીડિયાની મદદથી આઇએસ માટે કામ કરતો હતો. તેની પાસે આઇએસની ઓનલાઇન માસિક પત્રિકા દાબિકના પણ કેટલાક અંકો પ્રાપ્ત થયા છે. મહંમદ સિરાજુદ્દીનના વિદેશી અને ભારતીય આઇએસ એજન્ટ સાથેના સંપર્કો અંગે તપાસ કરવામાં આવી રહી છે. તેની ધરપકડ બાદ રાજસ્થાન પોલીસે તમામ જિલ્લા એસપી અને રેન્જ આઇજીને એલર્ટ જારી કરેલ છે.

ચાર મહિના પહેલાં મહંમદ સિરાજુદ્દીને પત્ની અને પુત્રને બેંગલોર મોકલી દીધા હતા. તે છેલ્લા દોઢ વર્ષથી અહીં રહેતો હતો. મહંમદ સિરાજુદ્દીનને રાજસ્થાનમાં આઇએસનું નેટવર્ક ફેલાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. ૧પ દિવસ પહેલાં તેના વિરુદ્ઘ ફરિયાદ મળી હતી.

તેણે સોશિયલ મીડિયા પર અનેક ગ્રૂપ બનાવ્યા હતા અને કેટલાય યુવકયુવતીઓને આઇએસમાં જોડાવા પ્રલોભનો આપતો હતો. આઇએસનું નેટવર્ક ફેલાવવા માટે તે અનેક વખત અજમેર પણ જઇ ચૂકયો છે. હાલ અજમેરની જેલમાં ગુલબર્ગના પાંચ આતંકવાદીઓ બંધ છે. તેનું લેપટોપ અને મોબાઇલ જપ્ત કરવામાં આવેલ છે.

You might also like