ભારતીય સેના આતંકીઓનો સામનો કરી શકે નહીં: ફારુક

નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાએ સતત બીજા દિવસે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આજે એક પત્રકાર પરિષદમાં તેમણે ભારતના લશ્કરની ક્ષમતા પર જ પ્રશ્ર ઉઠાવ્યો હતો.
જમ્મુ કાશ્મીરમાં આતંકવાદના મુદ્દે અબ્દુલ્લાએ કહ્યું હતું કે ભારતનું આખું લશ્કર ભેગું થાય તો પણ તે આતંકીઓ અને ઉગ્રવાદીઓનો સામનો કરી શકે નહીં. તેમના આ નિવેદનને લશ્કરનું મનોબળ તોડી પાડનારું મનાય છે. તેમણે ઉમેર્યું હતું કે આ વાત તેમણે પહેલી વખત કરી નથી. કાશ્મીરમાં ચાલતા આતંકવાદ વિશે તેમણે કહ્યું હતું કે આતંકીઓ સાથે વાટાઘાટો કરીને મામલાનો ઉકેલ લવાય તે જ એક માત્ર રસ્તો છે, પરંતુ એવું થશે નહીં.

ગઈકાલે અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે પીઓકે પાકિસ્તાન પાસે છે અને યુધ્ધ એ વિકલ્પ નથી. તેમણે પોતાના નિવેદન વિશે ખુલાસો કરવાનો પ્રયત્ન કર્યો હતો અને તે જ બાબત ફરીથી જણાવી હતી. તેમણે કહ્યું,’પીઓકે એ પાકિસ્તાનનો ભાગ રહેશે. જમ્મુ કાશ્મીર એ ભારતનો ભાગ રહેશે. તેમાં મેં કશું નવું કહ્યું નથી.’ તેમણે ઉમેર્યું,’ ભારતનું આખું સૈન્ય ભેગું થઈને પણ આતંકીઓ અને ઉગ્રવાદીઓનો સામનો કરી શકે નહીં.’

અબ્દુલ્લાની આ ટિપ્પણી બદલ તેમની સામે ઘણાં લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. તેમના પુત્ર ઉમરે એમ કહીને તેમનો બચાવ કર્યો હતો કે આ તેમના પિતાની ખૂબ જૂની માન્યતા છે. હકીકતે, અબ્દુલ્લાએ સૂચન કર્યું હતું કે પ્રાદેશિક વિવાદો પર ધ્યાન આપવાને બદલે લોકોનો એક બીજા સાથે પરામર્શ વધારવો જોઈએ. ભારત અને પાકિસ્તાન વચ્ચે મંત્રણાની જરૃરિયાત પર ભાર મૂકતાં તેમણે જણાવ્યું હતું કે લોકોનો એકબીજા સાથે સંપર્ક થાય તે જરૃરી છે. તેવી રીતે જ ભય સામે લડી શકાય.

You might also like