ઇનોવા કાર ડિવાઈડર કૂદી BRTS બસ સાથે અથડાઈ

અમદાવાદ: શહેરમાં બેફામ સ્પીડે કાર ચલાવી અકસ્માત સર્જાવાનાં બનાવો થંભવાનું નામ નથી લેતા. અાજે વહેલી સવારે ગુજરાત યુનિવર્સિટી નજીક અાવેલા દાદા સાહેબ પગલાં પાસે બેફામ સ્પીડે અાવેલા અેક ઇનોવા કારના ચાલકે કાર પરથી કાબૂ ગુમાવી કારને ડિવાઈડર પરથી કૂદાવી સામે અાવતી BRTS બસમાં ઘૂસાડી દીધી હતી. જો કે કારચાલકના જણાવ્યા મુજબ કારનું ટાયર ફાટી જતા કાર ડિવાઈડર કૂદી સામેથી અાવતી બસને ટકરાઈ હતી. બી ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાત યુનિવર્સિટીથી નજીક દાદા સાહેબનાં પગલાં પાસે અાજે વહેલી સવારે ૭.૧૫ની અાસપાસ વિજય ચાર રસ્તા તરફથી પૂટપાટ ઝડપે એક ઇનોવા કાર ચાલક અાવ્યો હતો.

અા કારની સ્પીડ એટલી બધી હતી કે કાર ચાલકે તેની કાર પરથી કાબૂ ગુમાવી અને કારને રસ્તા પરના ડિવાઈડર સાથે અથડાવી કુદાવી સામેથી અાવતી BRTS બસમાં ઘૂસાડી દીધી હતી. બનાવ બનતાં જ અાસપાસમાં ઊભેલા કોલેજના વિદ્યાર્થીઅો અને લોકોનાં ટોળાં ભેગાં થઈ ગયાં હતાં. સૂત્રોના જણાવ્યા મુજબ કારચાલકનું નામ ભરતભાઈ શાહ હોવાનું જાણવા મળ્યું હતું.

બનાવની જાણ ‘બી’ ટ્રાફિક ડિવિઝન પોલીસને થતાં પોલસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. અા અંગે BRTS બસ ચાલકે ઇનોવા કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

You might also like