આસામમાં પ્રચંડ પૂરઃ ૧૪ જિલ્લાના છ લાખથી વધુ લોકો પ્રભાવિત

ગોહાટીઃ આસામમાં પૂરની સ્થિતિ સતત વણસી રહી છે. આસામના ૧૪ જિલ્લામાં છ લાખથી વધુ લોકો પ્રચંડ પૂરથી પ્રભાવિત થયા છે. પ્રચંડ પૂરનો મૃત્યુઆંક વધીને સાત થઇ ગયો છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એએસડીએમએ)ના એક અધિકારીએ જણાવ્યું હતું કે પૂરના કારણે તીનસુકિયા જિલ્લાના મોટા ભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા છે.
આ ઉપરાંત લખીનપુર, ગોલાઘાટ, મોરીગાંવ, જોરહાટ, ધીમાજી, શિવસાગર, કોકરાઝાર, બારપેટા, બોગેગાંવ, નાગાંવ, ધુબરી, દિબ્રુગઢ અને ચિરાંગ જિલ્લાના અનેક વિસ્તારો જળબંબોળ થઇ ગયા છે.

૧૪ જિલ્લાનાં ૧ર૦૬ ગામના ૬,૪૧,૦૪૩ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. સંબંધિત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરગ્રસ્ત જિલ્લામાં ર૧,૯૩૧ લોકોને રહેવા માટે ૮૧ રાહત શિબિરો ઊભી કરવામાં આવી છે. અધિકારીના જણાવ્યા પ્રમાણે લખીનપુર જિલ્લામાં પ્રચંડ પૂરના કારણે વધુ એક વ્યકિતનું મોત થયું હતું. ઇનલેન્ડ વોટર રિસોર્સીસ વિભાગના જણાવ્યા પ્રમાણે કેટલાક વિસ્તારોમાં નૌકાસેવા ચાલુ કરી દેવાઇ છે, કારણ કે બ્રહ્મપુત્રા નદીની સપાટી અનેક સ્થળોએ વધી ગઇ છે. ‌દીબ્રુગઢ, નીમતીઘાટ, તેજપુર, ગોલપાડા વગેરે સ્થળોએ બ્રહ્મપુત્રા ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે.

You might also like