જિંદગીના સાચા ચિત્રને માણો

રેલવેની નોકરીમાંથી થોડાં વર્ષો પહેલાં નિવૃત્ત થઈ ચૂકેલા ૬૫ વર્ષના એક જૂના મિત્રે પત્ર લખ્યો છે. આજકાલ એ શું કરી રહ્યા છે તે જણાવ્યા પછી તેણે છેલ્લે લખ્યું છે “કંઈ ને કંઈ પ્રવૃત્તિ તો કરવી પડે પણ બીજી વ્યક્તિની પ્રવૃત્તિ છીનવી લેવી એ યોગ્ય નહીં!”

સાચી વાત છે. આ બાબતમાં માણસે ક્યાંક મર્યાદા સ્વીકારવી પડે છે. કેટલીક વાર એવું બને છે કે એક માણસ પોતાની કામ કરવાની ધગશમાં બીજા ચાર માણસોને કામ વગરના કરી દે છે. સક્રિયતા સારી વાત છે પણ સક્રિયતા એવી હોવી ન જોઈએ કે બીજા કોઈને એ નિષ્ક્રિયતામાં ધકેલી દે. વળી સક્રિયતાનો અર્થ એ નથી કે પોતાના અહંકારને પોષવા માટે મિથ્યા પ્રવૃત્તિઓનો એક પહાડ ખડો કરી દેવો. સૌથી મોટું કામ તો માણસની જેમ જીવવાનું છે. પ્રવૃત્તિનું એક મોટું ફલક તો માણસનું પોતાનું ઘર છે. કેટલાક લોકો બહાર પ્રવૃત્તિ શોધે છે, પણ ઘરની અંદરનો કામનો ઢગલો ઉકેલવાનું એમને સૂઝતું નથી. કેટલાક માને છે કે પ્રવૃત્તિ એક જ હોઈ શકે અને તે પૈસા કમાવાની.

આવા માણસોને વૃદ્ધાવસ્થામાં આજીવિકાનો પ્રશ્ન ન હોય તો પણ ‘બે પૈસા મળે’ એવું કામ શોધ્યા જ કરે છે. પૈસા મળે એવું ન હોય પણ એક માણસને શોભા આપે એવું કામ હોય તો તે કામમાં એ હાથ નાખતા નથી. આવા માણસો તમને તુરત કહેશે, આમ તો પૈસાની જરૂર નથી. મારે તો સમય ક્યાં કાઢવો એ જ સવાલ છે. એટલે કાંઈક પ્રવૃત્તિ જોઈએ છે. પણ કોઈ પણ કામ તદ્દન મફતમાં ન કરવું એમ હું માનું છું. મફત કામ લેવું કે મફત કામ આપવું એને હું સૈદ્ધાંતિક રીતે ખોટું ગણું છું.

એમનો સિદ્ધાંત બિલકુલ સાચો છે. પણ આ સિદ્ધાંતનો ભંગ કર્યા વિના તમે પૈસા લીધા વગર કરી શકો એવું ઘણું કામ છે. આવા કાર્યનું એક ક્ષેત્ર તો માણસનું પોતાનું કુટુંબ અને તેનું મિત્રમંડળ છે. હૃદયના કંપાસ વડે તે આનાથી પણ વધુ મોટાં વર્તુળ દોરી શકે અને એની માણસાઈ જેટલું મોટું વર્તુળ દોરી શકે તેમ હોય એટલું મોટું વર્તુળ દોરી શકાય છે.
જવાહરલાલ નહેરુએ પત્ની કમલા નહેરુના અકાળ અવસાન પછી એવી લાગણી અનુભવી હતી કે,“હું એને સમજી શક્યો નહીં, આજે તો એ નથી ત્યારે તેને સમજવા મથું છું. પણ એ હયાત હતી ત્યારે તેને સમજવાની પૂરતી કોશિશ કરી નહીં. કમલા અત્યંત સ્વમાની અને અત્યંત સંવેદનશીલ હતી. હું મારી જાતને બહુ જ બુદ્ધિશાળી ગણતો ને તે ઓછું ભણેલી છે તેમ માનતો એટલે કદી સંવાદ રચાયો જ નહીં.”

બહુ જ ઓછા માણસો આ પ્રકારના અફસોસથી બચી શક્યા છે. આવો અફસોસ કોઈએ પત્ની સંબંધે કોઈએ માતા સંબંધે, કોઈએ બહેન સંબંધે, કોઈએ પોતાના ભાઈ સંબંધે અને કોઈએ પોતાના મિત્ર સંબંધે કર્યો છે. દરેક વ્યક્તિ કહે છે- એટલું બધું કામ માથા ઉપર હતું કે આને માટે સમય જ રહ્યો નહીં! માણસની કરુણતા એ છે કે પ્રવૃત્તિની પોતાની ભૂખને જ જીવન સમજે છે અને ખરેખર જે કરવાનું કામ છે જીવવાનું-એને કામ જ ગણતો નથી. જે જીવવાનું ખરું કામ છે તેને ‘યાંત્રિક’ બનાવી દે છે.

તમે કોઈ પણ વ્યક્તિને ચાહશો, તમે કોઈ પણ પ્રવૃત્તિને ચાહશો તો તે વ્યક્તિ કે તે પ્રવૃત્તિ તમારા માટે આનંદની પાતાળગંગા બની જશે. ડચ ચિત્રકાર વિન્સન્ટ વાન ગોગને ચિત્રો દોરવાનુું એટલું બધું ગમે છે- તે ચિત્રકલાનો આશક જ છે. એટલે ચિત્રકારની તાલીમ ન મળ્યા છતાં તે તેમાં પૂરેપૂરો ડૂબી જાય છે. પૈસા તો નથી. રોટી ખરીદવી કે રંગો ખરીદવા એ જ પ્રશ્ન છે. તે કોઈ કોઈ વાર પેટની ભૂખ પર પણ પાણી રેડી દે છે અને ચિત્રકલાના યજ્ઞકાર્યમાં જે કાંઈ હોમવું પડે તે હોમી દે છે. પણ ચિત્રકલાના આ અમર આશકે આ યજ્ઞમાં કેટલું બધું હોમી દીધું એનું ભાન તેને ૩૭ વર્ષની જિંદગીના અંત ભાગમાં થાય છે. ત્યારે તે પોતાના નાનાભાઈ થિઓની પત્નીને લખે છેઃ “કોઈ કોઈ વાર થાય છે કે હું પણ મારા ભાઈની જેમ નાનકડું ઘર વસાવીને બેસી ગયો હોત તો! નાનકડું ઘર, તારા જેવી જ કોઈ પ્રેમાળ પત્ની, મારું પોતાનું એક બાળક, આંખ સામે નહીં દોરેલું, નહીં રચેલું આ ચિત્ર ખડું થાય છે અને મને ખળભળાવી મૂકે છે.”

સામાન્યમાં સામાન્ય અને ગરીબમાં ગરીબ માણસો પાસે વિન્સન્ટ વાન ગોગને હાંસલ નહીં થયેલું આ ચિત્ર છે પણ એ ચિત્ર જોવાની આંખ એમની પાસે નથી. એટલે એ ઘરથી દૂર ભાગે છે. પત્નીથી દૂર ભાગે છે, પોતાના બાળકથી દૂર ભાગે છે. ઘણા બધા કંઈ ઘર છોડીને નાસી જતા નથી. પણ માનસિક રીતે દૂર ભાગી ચૂકેલા હોય છે. અહીં સાચું જીવન પણ છે અને સાચી નક્કર સાર્થક પ્રવૃત્તિ પણ છે. પણ એ કશું એમને દેખાતું નથી. તે ‘જીવન’ પણ અન્યત્ર શોધે છે અને પ્રવૃત્તિ માટે બહાર ક્યાંક દૂર નજર દોડાવે છે.

http://sambhaavnews.com/

You might also like