ઈંગ્લેન્ડ-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે આજે સાંજે ૬.૩૦થી ડે નાઇટ ટેસ્ટ શરૂ

બર્મિંગહમઃ ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે આજથી શરૂ થઈ રહેલી ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીની પહેલી મેચ ડે નાઇટ રમાશે. આ ઈંગ્લેન્ડની પણ પહેલી ડે નાઇટ ટેસ્ટ હશે. આ ટેસ્ટની શરૂઆત ભારતીય સમય પ્રમાણે સાંજે ૬.૩૦ વાગ્યાથી થશે. ગુલાબી બોલથી રમાનારા આ મુકાબલા અંગે ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડે કહ્યું, ”આ અમારી ટીમ માટે એક નવો અનુભવ છે. અમે આમાં ઢળવાની કોશિશ કરીશું અને એ જાણવાની પણ કોશિશ કરીશું કે મેદાનમાં કેવો અનુભવ મળી રહ્યો છે. ખેલાડીઓએ લંચ અને ટીમ સાથે સામંજસ્ય કેળવવું પડશે અને પર્યાપ્ત ભોજન લેવું પડશે, જેથી મેદાનમાં ઊર્જા જળવાઈ રહે.”

આ કુલ પાંચમી ડે નાઇટ ટેસ્ટ મેચ હશે. આ પહેલાં ઓસ્ટ્રેલિયાએ વર્ષ ૨૦૧૫માં ન્યૂઝીલેન્ડ અને પછી દક્ષિણ આફ્રિકા તથા પાકિસ્તાન સામે ડે-નાઇટ ટેસ્ટ રમી છે. જોકે વેસ્ટ ઇન્ડીઝ પાસે ડે નાઇટ ટેસ્ટ મેચનો અનુભવ છે ખરો, પરંતુ એમાં વિન્ડીઝે હારનો સામનો કરવો પડ્યો હતો. ગત વર્ષે ઓક્ટોબરમાં દુબઈમાં ડે નાઇટ ટેસ્ટ મેચમાં વિન્ડીઝને પાકિસ્તાને હરાવ્યું હતું.

You might also like