ડે નાઇટ ટેસ્ટઃ ઈંગ્લેન્ડના આઠ વિકેટે ૫૧૪ રન સામે વિન્ડીઝની ખરાબ શરૂઆત

બર્મિંગહમઃ પાક.ના અઝહર અલી બાદ ઈંગ્લેન્ડનો એલિસ્ટર કૂક ડે નાઇટ ટેસ્ટમાં સદી ફટકારનારો વિશ્વનો બીજા નંબરનો બેટ્સમેન બની ગયો છે. કૂકની કરિયરની આ ચોથી બેવડી છે. કૂકના ૨૪૩ રનની મદદથી ઈંગ્લેન્ડે પોતાનો દાવ લંચ બાદ આઠ વિકેટે ૫૧૪ રને ડિકલેર કરી દીધો હતો અને ગઈ કાલે બીજા દિવસની રમત બંધ રહી ત્યાં સુધીમાં એન્ડરસને ઓપનર ક્રેગ બ્રાથવેઇટની વિકેટ ઝડપી લઈને વિન્ડીઝને મુશ્કેલીમાં મૂકી દીધું હતું. ગઈ કાલની રમત બંધ રહી ત્યારે વિન્ડીઝનો સ્કોર એક વિકેટે ૪૪ રન હતો. પોવેલ ૧૮ રને અને હોપ ૨૫ રને બેટિંગ કરી રહ્યા હતા.

ગઈ કાલે બીજા દિવસે ઈંગ્લેન્ડે ત્રણ વિકેટે ૩૪૮ રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું અને પહેલા સત્રમાં મલાન (૬૫)ની વિકેટ ગુમાવીને ૧૦૧ રન જોડી દીધા હતા. ભારત સામે વર્ષ ૨૦૧૧માં આ જ મેદાન પર ૨૯૪ રનની ઇનિંગ્સ રમનારા કૂકે કેમર રોચના બોલને થર્ડ મેન બાઉન્ડ્રીની બહાર મોકલીને પોતાની ચોથી બેવડી સદી પૂરી કરી હતી. તેણે પોતાની બેવડી સદી પૂરી કરવા માટે ૩૩૯ બોલનો સામનો કરીને ૩૦ ચોગ્ગા ફટકાર્યા હતા. કૂક જ્યારે ૨૪૩ રને રમી રહ્યો હતો ત્યારે રોસ્ટન ચેઝની બોલિંગમાં આઉટ થઈ ગયો હતો. કૂકના આઉટ થઈ ગયા બાદ તરત જ ઈંગ્લેન્ડના કેપ્ટન રૂટે ઇનિંગ્સ ડિકલેર કરી દીધી હતી.

વિન્ડીઝની બોલિંગ ફરી એક વાર કંગાળ રહી હતી અને કેમર રોચને બાદ કરતા અન્ય કોઈ બોલર અંગ્રેજ બેટ્સમેન પર પ્રભાવ પાડી શક્યો નહોતો. જોકે સૌથી વધુ ચાર વિકેટ રોસ્ટન ચેઝે ઝડપી હતી. ડે નાઇટ ટેસ્ટ મેચમાં ટી અને ડિનરનો નિયમ હોય છે, પરંતુ ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે પોતાની ટેસ્ટ પરંપરાને જાળવી રાખીને વિન્ડીઝ સામેની પહેલી ડે નાઇટ ટેસ્ટમાં લંચ અને ટીનો નિયમ લાગુ કરી રાખ્યો છે.

ઇંગ્લેન્ડ પ્રથમ દાવઃ
કૂક એલબી બો. ચેઝ ૨૪૩
સ્ટોનમેન બો. રોચ ૦૮
વેસ્ટલી એલબી બો. કમિન્સ ૦૮
રૂટ બો. રોચ ૧૩૬
મલાન કો. બ્લેકવૂડ બો. ચેઝ ૬૫
સ્ટોક્સ કો. બ્લેકવૂડ બો. ચેઝ ૧૦
બેરિસ્ટો બો. બોલ્ડર ૧૮
મોઇન કો. બ્રાથવેઇટ બો. ચેઝ ૦૦
રોલાન્ડ જોન્સ અણનમ ૦૬
કુલ આઠ વિકેટે ડિકલેર ૫૧૪
વેસ્ટ ઇન્ડીઝઃ
કે.બ્રાથવેઇટ કો. બેરિસ્ટો બો. એન્ડરસન ૦૦
પોવેલ અણનમ ૧૮
હોપ અણનમ ૨૫
કુલ (એક વિકેટે) ૪૪

You might also like