અંતિમ પળોમાં કેપ્ટન હેરી કેનનું હેડરઃ ઈંગ્લેન્ડે 2-1થી ટ્યુનિશિયાને હરાવ્યું

વોલ્ગોગ્રાદઃ ૧૯૯૬ની ચેમ્પિયન ઈંગ્લિશ ટીમે ફિફા વર્લ્ડકપમાં પોતાના કેપ્ટન હેરી કેનના બે ગોલની મદદથી ટ્યૂનિશિયાને ૨-૧થી હરાવીને ટૂર્નામેન્ટમાં જોરદાર શરૂઆત કરી છે. ફુલટાઇમ સુધી ૧-૧થી મુકાબલો બરાબરી પર હતો. એવું લાગી રહ્યું હતું કે ટ્યૂનિશિયા ઈંગ્લેન્ડને ડ્રો પર રોકવામાં સફળ થશે, પરંતુ કેપ્ટન હેરી કેનનો આ વાત મંજૂર નહોતી.

તેણે મેચની અંતિમ પળોમાં (ઇન્જરી ટાઇમ)માં એક શાનદાર હેડર લગાવતા બોલ ટ્યૂનિશિયાના ગોલ પોસ્ટમાં ધકેલી દીધો હતો. આ સાથે જ સ્ટેડિયમમાં બેઠેલા તમામ ઈંગ્લિશ ફેન ખુશીથી ઝૂમી ઊઠ્યા હતા. હારનારી ટીમ તરફથી એકમાત્ર ગોલ ફેર્જારી સાસીએ કર્યો હતો.

હેરી કેને ઈંગ્લેન્ડનું ખાતું ખોલ્યું
વોલ્ગોગ્રાદ એરિનામાં ગઈ કાલે રાત્રે રમાયેલી મેચના પહેલા હાફમાં ફક્ત બીજી જ મિનિટે ઈંગ્લેન્ડ પાસે ગોલ કરવાની તક હતી, પરંતુ દિશાવિહીન શોટથી એવું થઈ શક્યું નહોતું. ચોથી મિનિટે પણ ઈંગ્લિશ ટીમે ગોલ કરવાનો મોકો ગુમાવી દીધો, પરંતુ ઈંગ્લેન્ડને પ્રથમ ગોલ કરવા માટે બહુ રાહ જોવી પડી નહોતી.

૧૧મી મિનિટે ઈંગ્લેન્ડ તરફથી પહેલો ગોલ કેપ્ટન હેરી કેને કર્યો. કેનના ગોલથી ઈંગ્લેન્ડે ૧-૦ની સરસાઈ હાંસલ કરી લીધી. આ સાથે જ હેરી કેને પોતાનો રેકોર્ડ જાળવી રાખ્યો. તે જ્યારે પણ ઈંગ્લિશ ટીમ તરફથી ટીમના કેપ્ટન તરીકે રમ્યો છે, ત્યારે તેણે ગોલ જરૂર કર્યો છે.

રેકોર્ડની બરોબરી કરી
‘9’ નંબરની જરસી પહેરતા હેરી કેને આ ગોલ સાથે જ ભૂતપૂર્વ ઈંગ્લિશ ફૂટબોલર એલન શિયરરના રેકોર્ડની બરોબરી કરી લીધી. એલને ફ્રાંસમાં આયોજિત ૧૯૯૮ના વિશ્વકપમાં પોતાના ડેબ્યૂ વર્લ્ડકપ મુકાબલામાં જ ટ્યૂનિશિયા સામે ગોલ કર્યો હતો. રોચક વાત એ રહી કે હેરી કેને પણ આ જ ટીમ વિરુદ્ધ ગોલ કરીને તેના રેકોર્ડની બરોબરી કરી લીધી.

ફેર્જારી સાસીએ સ્કોર લેવલ કર્યો
જોકે બીજી તરફ પ્રથમ હાફમાં સ્ટાર્લિંગ અને કેનની સામે બોલ માટે સંઘર્ષ કરી રહેલી ટ્યૂનિશિયાની ટીમ તરફથી પહેલો ગોલ ફેર્જારી સાસીએ ૩૫મી મિનિટે કર્યો હતો. એ ગોલ પેનલ્ટી પર થયો હતો. ઈંગ્લેન્ડના ડિફેન્ડર કેલી વોકરે ફખરુદ્દીન બેન યુસુફને પેનલ્ટી એરિયામાં હાથ મારીને પાડી દીધો હતો – એ પણ રેફરીની બરોબર સામે જ. આથી ટ્યૂનિશિયાને પેનલ્ટી મળી. આમ ટ્યૂનિશિયાએ સ્કોર ૧-૧થી લેવલ કર્યો હતો.

હેરી કેનનો વિજયી ગોલ
બીજા હાફમાં ઈંગ્લેન્ડને બે ફ્રી કિક મળી, પરંતુ તેમના ખેલાડી ગોલ કરી શક્યા નહીં. કિએરન ટ્રિપ્પિયર અને યંગે ગોલ કરવાની તકો ગુમાવી. ઇન્જરી ટાઇમમાં ઈંગ્લેન્ડ તરફથી વિજયી ગોલ કેપ્ટન હેરી કેને
કર્યો. તેણે એક સચોટ પાસ પર હેડર લગાવતા બોલ ટ્યૂનિશિયાના ગોલ પોસ્ટમાં ધકેલી દીધો હતો. એ ગોલ ૯૧મી મિનિટે નોંધાયો હતો.

You might also like