એશીઝઃ પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડનો દાવ ૩૦૨ રનમાં સમેટાયો

બ્રિસબેનઃ માર્ક સ્ટોનમેન, જેમ્સ વિન્સ અને ડેવિડ મલાનની અર્ધસદીઓ છતાં ઈંગ્લેન્ડની ટીમ આજે અહીં એશીઝ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે ૩૦૨ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. ઇંગ્લિશ ઈનિંગ્સ લંચના થોડા સમય પહેલાં ૧૧૬.૪ ઓવરમાં ૩૦૨ રનમાં સમેટાઈ ગઈ. ઈંગ્લેન્ડની ટીમ ઓલઆઉટ થઈ જતાં તરત જ લંચ ટાઇમ જાહેર કરી દેવામાં આવ્યો હતો. મેચ બીજા દિવસે ઓસ્ટ્રેલિયાના બોલર્સે શાનદાર પ્રદર્શન કર્યું અને ઈંગ્લેન્ડની ઇનિંગ્સને સમેટવામાં બહુ વાર લગાડી નહોતી. ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક અને પેટ કમિન્સે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી, જ્યારે સ્પિનર નાથન લિયેને બે વિકેટ ઝડપી હતી.

ઈંગ્લેન્ડના ૩૦૨ રનના જવાબમાં બેટિંગ કરવા ઊતરેલી ઓસ્ટ્રેલિયાની શરૂઆત બહુ જ ખરાબ રહી હતી. ઓસી.ના દાવની શરૂઆત કેમરોન બેનક્રોફ્ટ અને ડેવિડ વોર્નરે કરી હતી, પરંતુ સાત રનના કુલ સ્કોર પર જ બેનક્રોફ્ટ ફક્ત પાંચ રન બનાવીને સ્ટુઅર્ટ બ્રોડની બોલિંગમાં કેચઆઉટ થઈ ગયો હતો. ત્યાર બાદ ડેવિડ વોર્નર સાથે ઉસ્માન ખ્વાજા જોડાયો હતો. આ બંનેએ સ્કોર ૩૦ રન સુધી પહોંચાડ્યો હતો ત્યારે ખ્વાજા મોઇન અલીની બોલિંગમાં ૧૧ રન બનાવી એલબી આઉટ થઈ ગયો હતો. ઓસ્ટ્રેલિયાની ત્રીજી વિકેટ ૫૯ રનના કુલ સ્કોર પર ડેવિડ વોર્નરના રૂપમાં પડી હતી. વોર્નર ૪૩ બોલમાં ૨૬ રન બનાવીને બોલની ઓવરમાં મલાનના હાથમાં ઝિલાઈ ગયો હતો. આ લખાઈ રહ્યું છે ત્યારે ઓસ્ટ્રેલિયાનો સ્કોર ત્રણ વિકેટે ૬૨ રન છે. કેપ્ટન સ્મિથ ૧૬ રને અને પીટર હેન્ડ્સકોમ્બ ત્રણ રને બેટિંગ કરી રહ્યા છે.

અગાઉ આજે ઈંગ્લેન્ડે ચાર વિકેટે ૧૯૬ રનના સ્કોરથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. પાંચમી વિકેટની ભાગીદારીમાં મલાન અને મોઇન અલીની જોડીએ ૮૩ રન ઉમેર્યા હતા. ઈંગ્લેન્ડની ઇનિંગ્સની પાંચમીવિકેટ માલન (૫૬)ના રૂપમાં પડી હતી. મલાનના આઉટ થયા બાદ મોઇન પણ બહુ ટકી શક્યો નહોતો અને ૩૮ રન બનાવીને નાથન લિયોનની બોલિંગમાં આઉટ થઈ ગયો હતો. ત્યાર બાદ ઈંગ્લેન્ડે નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી અને આખી ટીમ ૩૦૨ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

You might also like