દક્ષિણ આફ્રિકાએ ટેસ્ટ અને ઈંગ્લેન્ડે શ્રેણી જીતી

સેન્ચુરિયનઃ કેગસો રબાડા (૧૩ વિકેટ)ના કરિયરના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનથી યજમાન દક્ષિણ આફ્રિકાએ ચોથી અને અંતિમ ટેસ્ટના અંતિમ દિવસ મંગળવારે ઘરઆંગણે ઇજ્જત બચાવતાં ઈંગ્લેન્ડ સામે ૨૮૦ રને વિજય મેળવ્યો હતો, પરંતુ મહેમાન ઈંગ્લેન્ડે ચાર ટેસ્ટની શ્રેણી ૨-૧થી પોતાના નામે કરી લીધી. પાછલા ઘણા સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલી દુનિયાની સર્વશ્રેષ્ઠ ટીમમાંની એક દક્ષિણ આફ્રિકાએ ઈંગ્લેન્ડ સામે બીજી ઇનિંગ્સમાં જીત માટે ૩૮૨ રનનું લક્ષ્ય રાખ્યું હતું, જેના જવામાં મહેમાન ટીમનો દાવ ૩૪.૪ ઓવરમાં ફક્ત ૧૦૧ રનમાં જ સમેટાઈ ગયો હતો.

ગઈ કાલે મેચના અંતિમ દિવસે ઈંગ્લેન્ડે બાવન રનમાં ત્રણ વિકેટથી આગળ રમવાનું શરૂ કર્યું હતું, પરંતુ દક્ષિણ આફ્રિકાએ એક કલાકથી થોડા વધુ સમયમાં જ ઈંગ્લેન્ડની ઇનિંગ્સ ૧૦૧ રનમાં સમેટી નાખી હતી. દક્ષિણ આફ્રિકાની જીતમાં હીરો રહેલા રબાડાએ મેચમાં ૧૪૪ રન આપીને ૧૩ વિકેટ ઝડપી હતી. રબાડાએ પહેલી ઇનિંગ્સમાં સાત, જ્યારે બીજી ઇનિંગ્સમાં ૩૨ રન આપીને છ વિકેટ ઝડપી હતી, જ્યારે મોર્કલે ત્રણ વિકેટ ઝડપી હતી. દક્ષિણ આફ્રિકાને આ જીત નવ ટેસ્ટ બાદ મળી છે.

You might also like