ઈંગ્લેન્ડે પ્રથમ વન ડેમાં વિન્ડીઝને સાત વિકેટે કચડી નાખ્યું

માન્ચેસ્ટરઃ અહીંના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન ખાતે શ્રેણીની પ્રથમ વન ડે મેચમાં યજમાન ઈંગ્લેન્ડે વિન્ડીઝને સાત વિકેટે પરાજય આપ્યો હતો. આ સાથે ૨૦૧૯ના આઇસીસી વર્લ્ડકપમાં સીધો પ્રવેશ મેળવવાનું વિન્ડીઝનું સપનું પણ રોળાઈ ગયું છે. હવે તેઓએ વર્લ્ડકપમાં પ્રવેશ મેળવવા માટે ક્વોલિફાય રાઉન્ડમાં રમવું પડશે. વરસાદના વિઘ્નને કારણે નિર્ધારિત ૪૨ ઓવરમાં વિન્ડીઝે સાવ મામૂલી કહેવાય તેવો ૨૦૪ રનનો સ્કોર નવ વિકેટ ગુમાવીને નોંધાવ્યો હતો.

વિજયી લક્ષ્યાંકને ઈંગ્લેન્ડે ફક્ત ૩૦.૫ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધું હતું. ઈંગ્લેન્ડ તરફથી ઇનિંગ્સની શરૂઆત કરીને ફક્ત ૯૭ બોલમાં ૧૦૦ રન ફટકારનાર જોની બેરિસ્ટોને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
ગઈ કાલે વિન્ડીઝના કેપ્ટન જેસન હોલ્ડરે ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું, પરંતુ તેનો આ નિર્ણય ઈંગ્લેન્ડની ચુસ્ત બોલિંગ સામે ખોટો સાબિત થયો હતો. વિન્ડીઝ તરફથી સૌથી વધુ અણનમ ૪૧ રન કેપ્ટન જેસન હોલ્ડરે બનાવ્યા હતા. ત્યાર બાદ ક્રિસ ગેઇલે ૩૭, શાઇ હોપ્સે ૩૫ અને આર. પોવેલે ૨૩ રનનું યોગદાન આપ્યું હતું અને વિન્ડીઝની ટીમ નિર્ધારિત ૪૨ ઓવરમાં નવ વિકેટે ૨૦૪ રન જ બનાવી શકી હતી.

૨૦૫ રનનું વિજય લક્ષ્યાંક હાંસલ કરવા મેદાનમાં ઊતરેલી ઈંગ્લેન્ડની ટીમની શરૂઆત પણ ખરાબ રહી હતી અને ૩૧ રનના કુલ સ્કોર પર એલેક્સ હેલ્સ ૧૯ રન બનાવી જેરોમ ટેલરની બોલિંગમાં આઉટ થઈ ગયો હતો. જોકે ત્યાર બાદ ઓપનિંગમાં આવેલા જોની બેરિસ્ટો અને ઈંગ્લેન્ડના કેપ્ટન જોએ રૂટની જોડી જામી હતી અને આ બંને ઈંગ્લેન્ડનો સ્કોર ૧૫૬ રન સુધી ખેંચી ગયા હતા. આ જ સ્કોર પર રૂટ ૫૩ બોલમાં ૫૪ રન બનાવી વિલિયમ્સની બોલિંગમાં આઉટ થઈ ગયો હતો. ઈંગ્લેન્ડની ત્રીજી વિકેટ ૧૭૫ રનના સ્કોર પર પડી હતી. ઈઓન મોર્ગન ૧૦ રન બનાવી વિલિયમ્સનો શિકાર બન્યો હતો. ત્યાર બાદ એક છેડો સંભાળીને રમી રહેલા બેરિસ્ટોને બેન સ્ટોક્સનો સુંદર સાથ મળ્યો હતો અને આ બંનેએ મળીને પોતાની ટીમને વિજય અપાવ્યો હતો. બેરિસ્ટોએ ૧૧ ચોગ્ગા સાથે અણનમ ૧૦૦ રન ફટકાર્યા હતા.

You might also like