ઈજનેરીમાં આડેધડ મંજૂરીએ ફુગાવો વધાર્યો

ઉચ્ચ અભ્યાસક્રમમાં તબીબી વિદ્યાશાખા બાદ એક તબક્કે ઈજનેરી શાખાને સૌથી વધુ પ્રાથમિકતા આપવામાં આવતી હતી. જોકે ડિગ્રી અને ડિપ્લોમા કૉલેજોના ફાટી નીકળેલા રાફડાને કારણે હાલ ઈજનેરી અભ્યાસ ક્ષેત્રે પણ ફુગાવાની પરિસ્થિતિ સર્જાઈ છે. ઉજળી કારકિર્દી બનાવવામાં મદદરૂપ થતી ઈજનેરી શાખા કપરા કાળમાંથી પસાર થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાતમાં ડિગ્રી ઈજનેરી કૉલેજોની સંખ્યા અને બેઠકની સંખ્યા સામે તેમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા છેલ્લાં વર્ષોમાં અતિશય ઘટી છે.

પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓ કરતાં બેઠકો વધુ
વાત ડિગ્રી એન્જિનિયરીંગ અંગે કરીએ તો વિજ્ઞાનપ્રવાહમાં ગણિત વિષય સાથે ધોરણ-૧૨ ઉત્તીર્ણ કર્યા બાદ ડિગ્રી એન્જિનિયરીંગની કોઈ વિદ્યાશાખામાં પ્રવેશ મળી શકે છે. ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનાં હાલમાં જ જાહેર થયેલાં પરિણામો મુજબ એ-ગ્રૂપ એટલે કે ગણિત વિષય સાથે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૫૭,૦૭૪ છે, જ્યારે વર્ષ ૨૦૧૫માં નવી કૉલેજોને અપાયેલી મંજૂરી સહિત ડિગ્રી એન્જિનિયરીંગની કુલ બેઠકોની સંખ્યા ૭૧,૬૭૯ છે.

એટલે કે જો પાસ થનારા આ તમામ વિદ્યાર્થીઓ એન્જિનિયરીંગમાં પ્રવેશ મેળવે તો પણ ૧૪,૦૦૦થી વધુ બેઠકો ખાલી રહેવા પામે. ઉપરાંત હજુ નવા શૈક્ષણિક વર્ષમાં નવી એન્જિનિયરીંગ કૉલેજોને મંજૂરી મળશે તેટલી સીટો વધારામાં. આથી જ એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓને હવે મંદીનો ભય સતાવી રહ્યો છે. નોકરીમાં પ્લેસમેન્ટથી લઈ સેલરી પેકેજ સુધીની તમામ વસ્તુઓ પર ડિગ્રી ઈજનેરી કૉલેજોને આડેધડ અપાયેલી મંજૂરીની અસર વર્તાઈ રહી છે.

એન્જિનિયરીંગનો એ સુવર્ણકાળ
૨૦૦૦ના દસકા સુધી ગુજરાતમાં એન્જિનિયરીંગ ક્ષેત્રનો સુવર્ણકાળ હતો. ૨૦૦૫ સુધી એન્જિયનિરીંગમાં પ્રવેશ લેવા વિદ્યાર્થીઓએ અત્યંત મહેનત કરવી પડતી ઉપરાંત વિવિધ કૉલેજોનું મેરિટ પણ ત્યારે ઊંચું જતું. વલ્લભ વિદ્યાનગરની બીવીએમ કૉલેજ, અમદાવાદની એલ.ડી.એન્જિનિયરીંગ કૉલેજ, મોરબીની લખધીરસિંહજી કૉલેજ, વડોદરાની એેમએસ યુનિવર્સિટીનો એન્જિનિયરીંગ વિભાગ, નડિયાદની ડીડીઆઈટી વગેરે સંસ્થાઓ એક સમયે ઈજનેરી માટે પ્રતિષ્ઠિત ગણાતી.

૨૦૦૦ના દસકાની આસપાસ રાજ્યમાં બનેલી કેટલીક ખાનગી એન્જિનિયરીંગ કૉલેજીસે પણ સારી એવી નામના મેળવી હતી અને તેમાંથી ઉત્તીર્ણ થતા વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ કે સારી નોકરી બાબતે પણ કોઈ ચિંતા રહેતી ન હતી, પરંતુ ૨૦૦૫ પછીના સમયમાં ડિગ્રી એન્જિનિયરીંગ કૉલેજીસને આડેધડ અપાયેલી પરવાનગીના કારણે હવે આ ક્ષેત્રની કેટલીક ખ્યાતનામ સંસ્થાઓ અને ઊંચું પરિણામ ધરાવતા વિદ્યાર્થીઓ સિવાયના અન્ય વિદ્યાર્થીઓની કારકિર્દી સામે ઘણાં પ્રશ્નાર્થ ચિહ્ના મુકાયાં છે.

માગ કરતાં પુરવઠો વધુ
હવે ગુજરાતમાં ડિગ્રી એન્જિનિયરીંગ કૉલેજનો રાફડો ફાટી નીકળ્યો હોય તેમ દરેક વિસ્તારમાં આવી કૉલેજ જોવા મળે છે. ગુજરાતમાં એન્જિનિયરિંગની બેઠકો કરતાં પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોઈ માગ કરતાં પુરવઠો વધુ હોય તે ક્ષેત્રમાં મંદી આવે તેવો ઘાટ સર્જાયો છે. હાલ એન્જિનયરીંગની મોટાભાગની શાખાઓના વિદ્યાર્થીઓને નોકરી મળવી મુશ્કેલ થઈ છે. અભ્યાસની શરૂઆતનાં વર્ષોમાં વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ અને ઉજજ્વળ તકોનાં સપનાં તો બતાવાય છે, પરંતુ એન્જિયરીંગનાં ચાર વર્ષ પછી મોટાભાગના વિદ્યાર્થીઓને નોકરી બાબતે હાડમારી વેઠવાનો વારો જ આવે છે.

મહત્તમ બેઠકો ખાલી રહે છે
રાજ્યમાં ૨૦૦૯માં ડિગ્રી એન્જિનિયરીંગની ૩૧ નવી કૉલેજને મંજૂરી અપાયા બાદ બેઠકોની કુલ સંખ્યા ૩૪,૦૧૦ થઈ હતી. તે પછીનાં વર્ષોમાં ઉત્તરોતર ડિગ્રી એન્જિનિયરીંગની કૉલેજો અને બેઠકોમાં વધારો થતો રહ્યો હતો. આવી કૉલેજોમાં મોટાભાગની કૉલેજ સેલ્ફ ફાઈનાન્સ હતી.૨૦૧૫માં ડિગ્રી એન્જિનિયરીંગની નવી ૭ કૉલેજ મંજૂર કરાઈ હતી. જેથી ડિગ્રી એન્જિનિયરીંગની કુલ બેઠકોની સંખ્યા ૭૧,૬૭૯ થઈ છે. આમ, છેલ્લાં સાત વર્ષમાં ગુજરાતમાં ડિગ્રી એન્જિનિયરીંગની બેઠકોની સંખ્યા બમણાથી પણ વધુ થઈ ગઈ છે આથી એન્જિનિયરીંગમાં પ્રવેશપ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ હજારોની સંખ્યામાં બેઠકો ખાલી રહેતી હોય છે. જે એન્જિનિયરીંગ શાખાઓમાં પ્રવેશ માટે એક સમયે ધસારો રહેતો તેની બેઠકો ખાલી હોવાના સમાચાર છેલ્લાં પાંચ વર્ષથી સાંભળવામાં આવે છે.

એન્જિનિયરીંગ ક્ષેત્રે પરિસ્થિતિ અંગે રાજકોટની વીવીપી કૉલેજમાંથી ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનમાં ડિગ્રી અભ્યાસક્રમ કરનાર ગુવાન જય કહે છે, “મેં ડિપ્લોમા બાદ ડિગ્રી અભ્યાસક્રમ પૂર્ણ કર્યો છે. ડિપ્લોમામાં જ્યારે પ્રવેશ મેળવ્યો ત્યારે સારા કેમ્પસ પ્લેસમેન્ટ અને આકર્ષક સેલરી પેકેજનો જમાનો હતો, પરંતુ ડિગ્રી પૂર્ણ કરી ત્યારે પરિસ્થિતિ જુદી હતી. મને નોકરી મળી ગઈ અને હાલ હું બરોડાની એક નેટવર્ક કોમ્યુનિકેશન કંપનીમાં ફરજ બજાવું છું પરંતુ મારા અન્ય મિત્રોને સાત-આઠ મહિના સુધી નોકરી માટે ઘણા પ્રયત્નો કરવા પડ્યા હતા.”

મહેસાણાની સેફ્રોની ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાંથી મિકેનિકલ એન્જિનિયરીંગમાં ડિગ્રી મેળવનાર ચિરાગ ધાંધલા કહે છે, “૨૦૧૪માં મેં અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ એક વર્ષ નોકરી કર્યા બાદ ખ્યાલ આવ્યો કે હવે એન્જિનિયરીંગનો પહેલાં જેવો સમય નથી. નોકરીમાં પણ ખાસ કોઈ તક ન હોવાથી હાલ ગેટની પરીક્ષા માટે કોચિંગ લઈ રહ્યો છું. જેથી માસ્ટર ડિગ્રીનો અભ્યાસક્રમ પૂર્ણ કરીને સારી નોકરી મેળવી શકાય.”
રાજકોટની દર્શન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાંથી આઈ.ટી. એન્જિનિયરીંગમાં ડિગ્રી કરનાર હિરેન ગોહિલ કહે છે, “અભ્યાસ કર્યા બાદ અમને ખ્યાલ આવ્યો એન્જિનિયરીંગમાં પહેલાં જેવી વિશાળ તક નથી. આઈ.ટી.શાખામાં તો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઘણાંને નોકરી જ મળતી નથી અને મળે તો પણ પૂરતો પગાર નથી મળતો. ઉપરાંત બોન્ડ અને કોન્ટ્રાક્ટ સાઈન કરવા પડે તે સમસ્યા જુદી.”

આ અંગે સી.એ. પટેલ લર્નિંગ ઈન્સ્ટિટ્યૂટના સંચાલક જિતુભાઈ પટેલ કહે છે, “બોર્ડનું વિજ્ઞાનપ્રવાહનું પરિણામ ભલે ઊંચું આવ્યું હોય પરંતુ રાજ્યના વિદ્યાર્થીઓનું જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ (જેઈઈ)નું પરિણામ જોઈ તાગ મેળવી શકાય છે કે હજુ ક્યાં મહેનતની જરૂર છે. જેઈઈનાં પેપર કે અભ્યાસક્રમ અઘરાં છે તેવું નથી પણ આપણી ભણાવવાની ટેક્નિકે વિદ્યાર્થીઓને ગોખણિયું જ્ઞાન મેળવતા કરી દીધા છે.

જો વિદ્યાર્થીઓ હોશિયાર જ છે, તો ગુજરાત બોર્ડની પરીક્ષામાં સારું પરિણામ અને જેઈઈ અને આઈઆઈટી પ્રવેશમાં આટલો ધબડકો શા માટે? એન્જિનિયરીંગ કૉલેજોને આડેધડ અપાયેલી મંજૂરીને કારણે બેઠકો હવે ખાલી રહે છે. મહત્તમ બેઠકો ભરવા પરિણામ ઊંચું અપાતું હોય તેવું પણ બની શકે. આ પરિસ્થિતિના કારણે જ હવે વિદ્યાર્થીઓ ફરીથી બીએસસી તરફ વળ્યા છે. એન્જિનિયરીંગ કૉલેજો અત્યારે વિવિધ આકર્ષણો બતાવી વિદ્યાર્થીઓને સામેથી બોલાવી રહી છે.”

ઈજનેરી શાખા ક્ષેત્રની આવી પરિસ્થિતિ માટે આડેધડ મંજૂર કરાયેલી સેલ્ફ ફાયનાન્સ કૉલેજોને જવાબદાર ગણવી જોઈએ કે મંજૂરી આપનારી સરકારને તે એક ચર્ચાનો વિષય છે, પરંતુ આ શાખામાં પ્રવેશ મેળવતાં વિદ્યાર્થીઓની હાલત હાલ તો ‘ઝેર તો પીધાં છે જાણી જાણીને’ જેવી થઈ રહી છે.

ડિપ્લોમાની તો વાત જ ક્યાં કરવી?
ડિગ્રી એન્જિનિયરીંગ જ જો મંદીના માહોલમાં હોય તો ડિપ્લોમાની હાલત કેવી હશે? ધોરણ ૧૦ પછી ૩ વર્ષનો ડિપ્લોમા એન્જિનિયરીંગ કરી વહેલી તકે નોકર મેળવવા ઈચ્છતા લોકો માટે આ એક શ્રેષ્ઠ વિકલ્પ છે અને નોકરી દરમિયાન સગવડ રહે ત્યારે ડિગ્રી અભ્યાસક્રમ પણ પૂર્ણ કરી શકાતો હતો. જોકે કૉલેજોને અપાયેલી આડેધડ મંજૂરીને લીધે હવે સારી નોકરી મેળવવા ડિપ્લોમા પછી ડિગ્રી અભ્યાસક્રમ પૂર્ણ કરવો અનિવાર્ય બન્યો છે. આથી ડિપ્લોમામાં પણ ખાલી બેઠકોમાં દર વર્ષે વધી રહી છે.

એન્જિનિયરીંગ કૉલેજોને આડેધડ અપાયેલી મંજૂરીને કારણે બેઠકો હવે ખાલી રહે છે. મહત્તમ બેઠકો ભરવા પરિણામ ઊંચું અપાતું હોય તેવું પણ બની શકે. : જિતુભાઈ પટેલ, સંચાલક, સી.એ. પટેલ લર્નિંગ ઈન્સ્ટિટ્યૂટ

ચિંતન રાવલ

You might also like