ઈજનેરી કોલેજોની બેઠકો કરતાં પણ ઓછા દાવેદાર હશે

અમદાવાદ: રાજ્યમાં ડિગ્રી ઈજનેરીમાં સેલ્ફ ફાઈનાન્સ કોલેજોની સંખ્યામાં સતત થયેલા વધારાના કારણે અાજે એવી પરિસ્થિતિ ઉદ્ભવી છે કે ડિગ્રી ઈજનેરી કોલેજોની બેઠકો મોટા પ્રમાણમાં ખાલી રહે છે. તે રીતે અાગામી શૈક્ષ‌િણ‍ક સત્રમાં પણ ડિગ્રી ઈજનેરી કોલેજોમાં ૧૫ હજારથી વધુની સંખ્યામાં બેઠકો ખાલી પડી રહે તેવી સંભાવના છે. ગુજરાતભરની સરકારી, ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સ ક્ષેત્રની 135 જેટલી ડિગ્રી ઇજનેરી કોલેજોમાં બેઠકોની સંખ્યામાં વધારો થયો છે, જોકે રાજ્યભરની ડિગ્રી ઇજનેરી કોલેજોમાં ૨૦૧૦થી ૨૦૧૪ દરમિયાન બેઠકોની સંખ્યામાં વધારાની સાથેસાથે બેઠકો ખાલી રહેવાના આંકડાઓમાં પણ સતત વધારો નોંધાયો છે. બેઠકો ખાલી રહેવાના સંદર્ભમાં સેલ્ફ ફાઈનાન્સ કોલેજો મોખરે છે.

વર્ષ 2010માં ડિગ્રી ઈજનેરીમાં માત્ર 1326 બેઠકો ખાલી હતી, જેની સામે ખાલી બેઠકોની સંખ્યા વધીને વર્ષ 2015-16માં 28,000 જેટલી થઈ ગઈ હતી. અા અંગે એલ.ડી. કોલેજ અૉફ એન્જિનિયરિંગના ‌િપ્રન્સિપાલ અને એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ (એસીપીસી)ના ચેરમેન ડૉ. જી. પી. વડોદરિયાએ જણાવ્યું હતું કે ધોરણ-12 વિજ્ઞાનપ્રવાહના પરિણામના બે કે ત્રણ દિવસમાં એસીપીસી દ્વારા પ્રવેશની પ્રક્રિયા શરૂ થઈ જશે. રાજ્યની વિવિધ કોલેજોમાં કુલ 72,000થી વધુ બેઠકો છે, જેથી અા વખતે પણ તમામ વિદ્યાર્થીઅોને પ્રવેશ મળી જશે તેમ છતાં રાજ્યમાં અંદાજે 15 હજાર જેટલી બેઠકો ખાલી પડી રહે તેવી સંભાવના છે.

રાજ્યમાં સરકારી, ગ્રાન્ટેડ, સેલ્ફ ફાઈનાન્સ અને પીપીપી ધોરણે ચાલતી કુલ 135 ડિગ્રી કોલેજો છે. અા કોલેજોમાં 16 સરકારી, 3 ગ્રાન્ટેડ, 115 સેલ્ફ ફાઈનાન્સ અને એક પીપીપી ધોરણે ચાલતી કોલેજ છે.

You might also like