ઇજનેરીમાં પ્રવેશ લેવા એક માસમાં તૈયારી કરી ગણિતની પરીક્ષા અાપો!

અમદાવાદ: ધો.૧રની બી ગ્રૂપ સાથેની પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીને હવે એન્જિનિયરિંગમાં ભણવાની તક મળે તેવો નિર્ણય ભલે શિક્ષણ બોર્ડે લીધો હોય, પરંતુ આ નિર્ણય જાહેર થતાંની સાથે જ અનેક પ્રશ્નાર્થ ઊઠ્યા છે. કારણ કે બી ગ્રૂપના વિદ્યાર્થીને માત્ર એક માસના ટૂંકા ગાળામાં ર વર્ષના અભ્યાસક્રમની પરીક્ષા પાસ કરવી પડશે, જે કોઇ રીતે શક્ય નથી. શિક્ષણવિદો ખુદ બોર્ડના આ નિર્ણયને અતાર્કિક અને હાસ્યાસ્પદ ગણાવે છે.

ર૮ ઓગસ્ટ, ર૦૧૬ના રોજ ૧ માસ પછી લેવાનારી ગણિતની પરીક્ષામાં નવાઇની વાત એ છે કે જે વિદ્યાર્થીએ છેલ્લા બે વર્ષથી જે વિષય છોડી દીધો છે તેની તૈયારી માટે તેની પાસે માત્ર ૧ માસનો સમય છે. મેથ્સનો વિષય વાંચીને તૈયાર કરી શકાય તેવો સહેલો નથી. ગમે તેવો હોશિયાર વિદ્યાર્થી ચાર સેમેસ્ટરની તૈયારી એક માસમાં પૂર્ણ કરી શકે નહીં અને ખરેખર હોશિયાર હશે તે બચેલી ખાલી રહેલી બેઠકો પર એડમિશન લેવાનું પસંદ નહીં કરે.

આ અંગે શાલિન વિદ્યાલયના મુખ્ય શિક્ષક કૌશલ શાહે જણાવ્યું હતું કે, ધો.૧૧નો ફન્ડામેન્ટલ જે વિદ્યાર્થી ભણ્યો ન હોય તે ધો.૧રની ટ્રીગોનોમેટ્રી પણ ન ભણી શકે કદાચ ગમે તેમ વિદ્યાર્થી પાસ પણ થઇ જાય તો એન્જિનિયરિંગના બે વર્ષ અભ્યાસ કરી તેની જાતે જ અભ્યાસ છોડી દેશે. ધો.૧૦ પાસ કરનાર મોટા ભાગના વિદ્યાર્થી સ્પષ્ટ હોય છે કે તેમણે આગળ શું ભણવું છે. તે પ્રમાણે જ તે એ અને બી અથવા એબી ગ્રૂપમાં ભણવાનું પસંદ કરે છે.

જ્યારે કોમન અભ્યાસક્રમ ધો.૧૧ અને ૧રમાં ભણવાનો હતો ત્યારે પરિણામ પર અસર થતી હોવાના કારણે બોર્ડ દ્વારા જ તેનું વિભાજન કરાયું છે જેથી વિદ્યાર્થીને જે લાઇન લેવી છે તેમાં જ ભણવાનું થાય.
હાલમાં ખાલી પડેલી અનેક એન્જિનિયરિંગની સીટો ભરવા માટે આવો ફતવો બહાર પડાયો હોવાનો ગણગણાટ શિક્ષણજગતમાં જઇ રહ્યો છે.

ધો.૧ર પાસ બી ગ્રૂપના વિદ્યાર્થીએ ધો.૧૧ ગણિત ૧૦૦ માર્ક અને ધો.૧ર ગણિત ૧૦૦ માર્કના બે પેપર અાપવાના રહેશે. જેમાં ર૦૦માંથી ૬૬ માર્ક લાવનાર વિદ્યાર્થી પાસ થયેલો ગણાશે. ધો.૧૧ અને ૧રમાં પાર્ટ-એ પ૦ ગુણ ઓએનઆર પદ્ધતિ મુજબ અને પાર્ટ બી વર્ણનાત્મક પદ્ધતિ મુજબ ર૮ ઓગસ્ટે પરીક્ષા લેવાશે. આ મહિનાના અંત સુધીમાં વિદ્યાર્થીએ તેનું રજીસ્ટ્રેશન કરાવી રૂ.ર૦૦ પરીક્ષા ફી શાળામાં જમા કરાવી દેવી પડશે.

આ અંગે માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય જયેશભાઇ ગડારાએ જણાવ્યું હતું કે જે વિદ્યાર્થી બે ગ્રૂપની તેની પરીક્ષામાં સારું પર્ફોર્મ ન કરી શક્યો હોય તેના માટેની નવી તક ઊભી કરાઇ છે. ઉપરાંત વાલીઓ દ્વારા આ બાબતે અનેક રજૂઆતો મળવાના કારણે આ નિર્ણય લેવાયો છે. પરીક્ષાની તૈયારી ટૂંકાગાળામાં પૂર્ણ થાય કે કેમ તે બાબતે તેમણે કહ્યું હતું કે આ વર્ષે સમય ઓછો છે એટલે વિદ્યાર્થીને તકલીફ પડશે પરંતુ આવતા વર્ષથી તે માર્ચની પરીક્ષા બાદ જ નિર્ણય લઇ લેશે જેથી તેને પાંચ મહિનાનો પૂરતો સમય મળશે.

You might also like