કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ હજુ ચાલુ

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગઈ કાલ રાતથી સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે શરૂ થયેલી અથડામણ હજુ પણ ચાલુ છે. આ વિસ્તારમાં હજુ પણ કેટલાંક આતંકીઓ છુપાયા હોવાની આશંકાથી સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને નાકાબંધી કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં સામસામે ફાયરિંગ થયા બાદ પરિસ્થિતિ વધુ તંગ બનતાં હાલ પણ આ વિસ્તારમાં અથડામણ ચાલુ છે. દરમિયાન ગઈ કાલે ભારતીય સેનાએ એક વીડિયો જારી કરી દાવો કર્યો હતો કે તેણે જ્યાંથી આતંકીઓ ઘૂસણખોરી કરે છે તેવા નૌશેરા સેકટરમાં પાકિસ્તાની ચોકીઓને તબાહ કરી નાખી છે.

ગત ૯ અને ૧૦ મેના રોજ સેનાએ રાજૌરીના નૌશેરા સેક્ટરમાં આ કાર્યવાહી કરી હતી, જેમાં પાકિસ્તાની ચોકીઓ પર ૧૧ બોંબ ફેંક્યા હતા. મેજર જનરલ અશોક નરૂલાએ જણાવ્યું કે સેનાએ એવી જ ચોકીઓને જ નિશાન બનાવી છે કે જ્યાંથી આતંકીઓને મદદ મળતી રહે છે. ભારતીય સેના પાકિસ્તાનને સંદેશો આપવા માગે છે કે હવે આતંકવાદીઓની આ‍વી હરકત સાંખી લેવામાં નહિ આવે. બીજી તરફ સંરક્ષણ પ્રધાન જેટલીએ ટિ્વટ કરી જણાવ્યું કે જમ્મુ-કાશ્મીરમાં શાંતિ માટે આવી કાર્યવાહી જરૂરી છે, જોકે પાકિસ્તાને આ‍વી કોઈ કાર્યવાહી થઈ ન હોવાનું જણાવ્યું છે.

આ અગાઉ પણ ૨૯ સપ્ટેમ્બર, ૨૦૧૬ના રોજ ભારતીય સેનાએ સર્જિકલ સ્ટ્રાઈક કરી આતંકીઓના પેડ્સનો ખાતમો બોલાવી દીધો હતો. ભારતીય સેનાએ આવી કાર્યવાહી કરી પાકિસ્તાનને એ સંદેશ આપવા પ્રયાસ કર્યો છે કે આતંકીઓ સામે ભારત કોઈ પણ હદ સુધી જઈ શકે છે. આમ, ભારતીય સેનાએ પાકિસ્તાન સામે આવી કાર્યવાહી હાથ ધરી આતંકીઓને કડક ચેતવણી આપી છે.

જોકે આજે પણ પુલવામા ખાતે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ રહી છે. તેથી હજુ પણ આ વિસ્તારમાંથી આતંકીઓ પકડાય તેવી સંભાવના છે. હાલ આ વિસ્તારમાં સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

http://sambhaavnews.com/

You might also like